Charchapatra

અજબ તેરી કારીગરી સરકાર

તા. 26 મે 2024ના રોજ રાજકોટના એક ગેમઝોનમાં 27 જિંદગી બળીને ભડથું થઈ ગઈ. આ કાન વિનાની સરકાર જનતાનું આક્રંદ તો ક્યાંથી સાંભળે? એમની આંખો તો ફક્ત નોટોની થપ્પી જ દેખાય. માનવસંહાર તો ક્યાંથી દેખાય? સરકાર દેખાડો કરવા મોલ, સિનેમા હોલ, સ્કૂલ, માર્કેટ, ગોડાઉન, રેસ્ટોરન્ટ ડાયમંડ કોચિંગ કલાસ, ટયુશન કલાસ, વિદ્યાપીઠ, જીમ, મેડીકેર હોસ્પિટલ વિગેરેમાં કોઈ ખામી શોધી સીલ કરવા લાગ્યા. જેમકે NOC ન હોવાથી ફાયર સેફટી સાધનો ન હોવાથી બંધ લીફટો હોવાથી એકજ પ્રવેશદ્વાર, ઈમરજન્સી ડોર ન હોવાથી વિગેરે વિગેરે. એસી રૂમમાં બેસી ફરજ બજાવનાર સરકારી બાબુઓ સખત ફરજ બજાવી રહ્યા છે.

ધન્યવાદ ! શું વર્ષ કે બે-પાંચ વરસથી મોતનો સામાન રાખી હાટડી માંડી બેઠેલાં આવાં લોકોનો કોઈ ને કોઈ આકા તો હશે જ ને! જેમને આવી તમામ બાબતોની ખબર  હશે જ, પરંતુ એમને તો ફક્ત નોટની થપ્પી જ દેખાઈ હશે. જેમણે આ બધું દર-ગુજર કરી સેટલમેન્ટ કરી આપ્યું  હશે. જ્યારે જ્યારે માનવ હત્યાકાંડ થાય છે. આગમાં માનવ જિંદગી બળીને ભડથું થઈ જાય ત્યારે ત્યારે અમુક છ-સાત અધિકારીને સસ્પેન્ડ કરી દેવામાં આવે છે. એમાં પ્રજાને શું મળે? શું પ્રજાને તેમના લાડકવાયાની જિંદગી પાછી આપી શકશે.  સરકાર દેખાડો કરવા માટે તાત્કાલિક સીટની રચના કરે. સીબીઆઈની તપાસ પંચ નીમી દેવામાં આવે, જાહેરમાં પ્રધાનો ભાષણો ઠોકે ‘‘કોઈ પણ ચમરબંધીને છોડવામાં આવશે નહિ.

અરે ભાઈ,  વડોદરાનો હરણી બોટ કાંડ, અમદાવાદનો રાઈડ કાંડ, સુરતનો તક્ષશિલા કાંડ, મોરબીના ઝૂલતા પુલ કાંડ વખતે પણ સરકારે આ જ નાટક ભજવ્યું હતું. પરંતુ આજે આપણે જોઈએ છીએ કે ઉપરોક્ત જણાવેલ તમામ માનવ હત્યાકાંડના તમામ આરોપી જામીન પર છૂટી પણ ગયેલ છે. રાજકોટના ગેમઝોન કાંડમાં આરોપી સામે કેસ થશે, પરંતુ કોર્ટમાં જ લાખોની સંખ્યામાં કેસો પેન્ડીંગ છે. એક સુનાવણી આજે થાય. બીજી છ મહિના પછી. વિચારો, આ કેસનો નિકાલ પચ્ચીસ વર્ષે પણ થશે કે કેમ? આ બનાવની અસર સ્વજનો સિવાય જાહેર જનતામાં વધુમાં વધુ 15 દિવસ કે 30 દિવસ ઊહાપોહ થશે કે બે મહિના થશે. આખર અન્ય બનાવોની જેમ આ પ્રકરણનું પીડલું વળી જશે. આ પ્રકરણ બાબતે ટૂંક સમયમાં જ લાગે છે કે ટી.વી. પ્રસારણ અને પ્રેસ  રિપોર્ટર પર પણ લગામ કરી દેવામાં આવશે, જેથી પક્ષ કે સરકારને નુકસાન ન થાય.
નવસારી           – એન. ગરાસિયા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top