Gujarat

હાશ, ટેક્ઓફ પહેલાં ટેક્નિકલ ખામી પકડાઈ ગઈઃ AIની અમદાવાદ-લંડન ફ્લાઈટ કેન્સલ, પેસેન્જરોના જીવ બચ્યા

અમદાવાદમાં પ્લેન ક્રેશની બનેલી દુર્ઘટનાના પડઘાં હજુ શાંત થયા નથી ત્યાં આજે મંગળવારે તા. 17 જૂનના રોજ અમદાવાદ એરપોર્ટ પર ફરી એરઈન્ડિયાની ફ્લાઈટમાં ટેકનિકલ ખામી મળતા પેસેન્જરોના જીવ અદ્ધર થયા હતા. અમદાવાદથી લંડન જતી એર ઈન્ડિયાની વધુ એક ફ્લાઈટમાં આજે ટેક્નિકલ ખામી મળી આવી હતી. તેથી આ ફ્લાઈટને કેન્સલ કરવી પડી હતી. ટેકઓફ પહેલાં જ ફ્લાઈટમાં ટેક્નિકલ ખામીના મેસેજ મળતા પેસેન્જરોના જીવ પડીકે બંધાયા હતા. ટેકઓફ પહેલાં જ ખામી મળી જતા એરઈન્ડિયા, એરપોર્ટના સ્ટાફ અને પેસેન્જરોએ હાશકારો અનુભવ્યો હતો.

વધુમાં મળતી માહિતી અનુસાર એર ઇન્ડિયાની ફ્લાઇટ નંબર AI-159 જે બોઇંગ 788ની હતી અને બપોરે 1:10 વાગ્યે અમદાવાદથી લંડન માટે ટેક-ઓફ થવાની હતી, તે ટેકનિકલ ખામીના લીધે એર ઈન્ડિયા દ્વારા કેન્સલ કરી દેવામાં આવી છે. ફ્લાઇટ ટેક-ઓફના થોડા કલાકો પહેલાં આ ટેકનિકલ ખામી સ્ટાફના ધ્યાન પર આવી હતી. સદનસીબે, સમયસર આ ખામી પકડાઈ જતાં મોટી દુર્ઘટના ટળી છે અને સેંકડો યાત્રીઓનો જીવ બચી ગયો છે. જોકે, આ ફ્લાઇટ રદ થવાને કારણે મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. લંડન જવા નીકળેલા અનેક યાત્રીઓ એરપોર્ટ પર જ અટવાઈ પડ્યા હતા.

એર ઈન્ડિયા દ્વારા ફ્લાઇટ રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો
પ્લેન ક્રેશ દુર્ઘટના બાદ અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની આ સતત બીજી ફ્લાઇટ છે, જેને રદ કરવી પડી છે. અગાઉ પણ એક ફ્લાઇટમાં ખામી સર્જાતા તેને રદ કરવામાં આવી હતી. એર ઇન્ડિયા દ્વારા યાત્રીઓની સુરક્ષાને પ્રાધાન્ય આપીને ફ્લાઇટ રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, પરંતુ વારંવાર આવી ઘટનાઓ બનવાથી યાત્રીઓમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.

ગત રાત્રે પણ મુંબઈના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર બીજી દુર્ઘટના થતા રહી ગઇ
ગત રાત્રે પણ મુંબઈ એરપોર્ટ પર જ એર ઇન્ડિયાની લગભગ 4 ફ્લાઇટમાં ટેક્નિકલ ખામી બહાર આવી હતી. અનેક પેસેન્જરોએ હોબાળો મચાવી એર ઇન્ડિયાના સ્ટાફ સામે પોતાનો ગુસ્સો ઠાલવ્યો. હજી અમદાવાદ-લંડનની ફ્લાઇટ ક્રેશ થઇને અનેક લોકો મોતને ભેટ્યા એ સમાચાર હજી ભૂલાયા નથી ત્યારે ગત રાત્રે મુંબઈના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર બીજી દુર્ઘટના થતા રહી ગઇ.

Most Popular

To Top