રાજકોટ અને ચોટીલા તાલુકાની બોર્ડર પર હિરાસર ગામ નજીક હાલમાં આંતરરાષ્ટ્રીય કક્ષાના ગ્રીનફિલ્ડ એરપોર્ટમાં ટર્મિનલ અને બિલ્ડિંગ સહિતના નવા આંતરરાષ્ટ્રીયસ્તરના એરપોર્ટ નિર્માણનું કામ ચાલી રહ્યું. તેની ડિઝાઈન અદભૂત છે, તે દેશના ટોચના એરપોર્ટને ટકકર મારે તેવું બની રહેશે.
આ ડિઝાઈનને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા અને કેન્દ્ર સરકારના નાગરિક ઉડ્ડયન વિભાગ દ્વારા મંજૂરી આપી દેવામાં આવી છે. એરપોર્ટના સ્થળે રન-વે બાંધવાનું કામ 60 ટકા જેટલું પુરું થઈ ગયું છે. બે વર્ષમાં આ પ્રોજેકટ પુરો કરવાનો થાય છે. લોકસભાની ચૂંટણી પહેલાં 2024માં આંતરરાષ્ટ્રીયસ્તરના રાજકોટના એરપોર્ટનું લોકાર્પણ થઈ જશે.
એરપોર્ટ ઓથોરિટીના સત્તાવાર સાધનોના જણાવ્યા મુજબ રાજકોટમાં હાલના એરપોર્ટ પર અત્યાર સુધી માત્ર મુંબઈની ફલાઈટ આવતી હતી. થોડા સમય પહેલાં દિલ્હીની ફલાઈટ શરૂ કરવામાં આવી છે અને હવે આગામી દિવસોમાં વધારાની ફલાઈટોને મંજૂરી આપવામાં આવી છે.
અને દેશના અન્ય શહેરોને પણ રાજકોટ ખાતે સીધું જોડી દેવામાં આવ્યું છે. એકાદ વર્ષ સુધી જૂના એરપોર્ટમાં ફલાઈટની સંખ્યા વધારાયા બાદ જ્યારે નવું એરપોર્ટ શરૂ થશે ત્યારે તમામ ટ્રાફિક ત્યાં ડાઈવર્ટ કરવામાં આવશે.