બ્રિટનનો એક શખ્સ પથારીમાં વાયરલેસ હેડફોન વડે સંગીત સાંભળતા સાંભળતા સૂઇ ગયો અને દુર્ઘટના બની વાયરલેસ હેડફોન તરીકે કામ આપતા એરપોડ નાનકડા હોય છે અને આજકાલ તેનો ઉપયોગ વધી ગયો છે. તેના વપરાશકર્તાઓ જો કે તેમને ઘણી વખત આમ તેમ મૂકી દેતા હોય છે અને પછી શોધાશોધ કરવી પડે છે પરંતુ ખોવાયેલું એરપોડ શોધવા સર્જરી કરવી પડી હોય તેવું તો ભાગ્યે જ બને. પરંતુ બ્રિટનમાં એક શખ્સનું ખોવાયેલું એરપોડ તેના શરીરમાં શસ્ત્ર ક્રિયા કરીને શોધવું પડ્યું હતું.
વર્સસ્ટરમાં રહેતો બ્રેડફોર્ડ ગુઇથર નામનો શખ્સ તેના હેડફોન સાથે જ પથારીમાં સૂવા ગયો હતો અને તેનું એરપોડ તેના કાનમાં જ હતું. આખી રાત બરાબર ઉંઘ કાઢ્યા પછી સવારે તે ઉઠ્યો તો તેનું એરપોડ ગાયબ હતું. તેની થોડી શોધખોળ કરી અને બાદમાં તે પાણી પીવા ગયો તો પાણી પીવામાં તેને તકલીફ થવા માંડી. તેના પુત્રએ મજાકમાં કહ્યું કે કદાચ તે ઉંઘમાં એરપોડ ગળી ગયો હશે.
જો કે તેની પત્નીએ આ વાત ગંભીરતાથી લીધી અને ગુઇથરને હોસ્પિટલમાં લઇ ગઇ અને એક્સ-રે કઢાવતા ખબર પડી તે તેના ગળાના ભાગે તેની અન્નનળીમાં એરપોડ ફસાયેલું હતું. ઓપરેશન કરીને આ એરપોડ બહાર કાઢવું પડ્યું હતું. તેને યાદ આવ્યું કે તે સંગીત સાંભળતા સાંભળતા જ સૂઇ ગયો હતો અને બાદમાં ઉંઘમાં જ આ એરપોડ ગળી ગયો હશે. તેણે આ કિસ્સો ફેસબુક પર પણ શેર કર્યો છે.