સુરત: છેલ્લાં એક અઠવાડિયાથી સુરતમાં પ્રદૂષણનું પ્રમાણ વધ્યું હતું અને તેમાં પણ તાજેતરમાં ઈથોપિયામાં ફાટેલા જ્વાળામુખીની રાખ સુરત સુધી પહોંચતાં સુરતનો એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) જોખમકારક સ્તરે પહોંચી જવા પામ્યો છે. પ્રદૂષણના આ વધતા સ્તરને ધ્યાને લઈને જીપીસીબી પણ દોડતું થયું છે. દિલ્લી જેવી ગંભીર સ્થિતિ ન સર્જાય તે માટે GPCBએ સઘન તપાસ, મોનિટરિંગ અને કડક કાર્યવાહી શરૂ કરી છે.
- એક તરફ શિયાળાને કારણે ધુમ્મસ અને ઉપરથી જ્વાળામુખી રાખને કારણે સુરતમાં એઆઈક્યુ ‘અનહેલ્ધી સ્તરે પહોંચ્યું
- શહેરમાં પ્રદૂષણના એપિક સેન્ટર ગણાતા પાંડેસરા જીઆઈડીસી, સચીન જીઆઈડીસી અને પલસાણામાં જીપીસીબીની ટીમો દ્વારા મોનિટરિંગ શરૂ
વિશેષજ્ઞોના અનુમાન પ્રમાણે ઉથોપિયા વિસ્તારથી આવતી રાખ અને ધૂળના કણો સુરતના વાતાવરણમાં મિક્સ થઈ રહ્યાં છે, જેના કારણે PM2.5 અને PM10નું પ્રમાણ અચાનક વધ્યું છે. અને એર ક્વોલિટી ઇન્ડેક્ષ પણ વધ્યું છે. ઉંચી ઈમારતોમાં રહેતા લોકો સવારે ધૂળ-રજકણોની અસર વધુ અનુભવી રહ્યા છે. જેને કારણે સુરતનો એર ક્વોલિટી ઇન્ડેક્સ સતત ‘અનહેલ્ધી’ સ્તરથી ગંભીર સ્તર ઉપર આગળ વધી રહ્યું છે. જેને કારણે નાગરિકોના સ્વાસ્થ્ય પર ગંભીર અસરો થઈ રહી છે.
શહેરમાં વાઈરલ ઈન્ફેકશનના કેસો વધી રહ્યા છે. ઈથોપિયાની રાખથી સુરતમાં વધતા પ્રદૂષણને ધ્યાનમાં રાખીને જીપીસીબીએ બે દિવસથી વહેલી સવારથી અલગ-અલગ વિસ્તારોમાં પેટ્રોલિંગ અને મોનિટરિંગ શરૂ કર્યું છે. સવારે 4 વાગ્યાથી આ મોનિટરીંગ થઈ રહ્યું છે. જો સુરતમાં એર ક્વોલિટી ઈન્ડેક્ષ સુધારવામાં નહીં આવે તો આગામી દિવસોમાં સુરત ‘સ્માર્ટ’ સિટીમાંથી ‘સ્મોગ’ સિટી બની જશે.
ડુમસ કાંઠાના ગામડાઓમાં વરસાદ પડતો હોય તેમ જ્વાળામુખીની રાખ પડી
સુરત: ડુમ્મસ વિસ્તારમાં આજે સવારે રહેવાસીઓએ ક્યારેય ન અનુભવેલો અજોડ નઝારો જોયો. વાતાવરણમાં જાણે રજકણોની વરસાદ પડી રહી હોય તેવા દૃશ્યો જોવા મળ્યા, જેના કારણે લોકો રસ્તા પર ઉભા રહી આ અદ્ભુત ઘટના નિહાળતા રહ્યા. ગામલોકોના જણાવ્યા મુજબ કબૂતરના પીછા જેવી રાખના રજકણો હવામાં તરતા દેખાયા.
- ડુમસમાં જાણે વરસાદ થતો હોય તેવી રીતે રાખની રજકણો પડી
- રજકણોને પડતી જોવા માટે ગ્રામજનો રસ્તા પર ઊભા રહી ગયા
હવામાન વિભાગે પ્રાથમિક અંદાજ વ્યક્ત કર્યો કે આ રજકણો સંભવતઃ ઉથોપિયાના વાદળોમાં રહેલી રાખના અણુઓ હોઈ શકે છે, જે પવનની દિશા બદલાતા ગુજરાત સુધી આવી પહોંચ્યા છે. આ વાદળો હાલ ગુજરાત ઉપરથી પસાર થઈ દિલ્હી આગળ વધી રહ્યાં છે, જેના કારણે ડુમ્મસ અને આસપાસના વિસ્તારમાં આ અનોખું વાતાવરણ સર્જાયું છે. વિડિઓમાં સ્નોફોલ પડતો હોય તેવું દૃશ્ય જોવા મળી રહ્યું છે, જેને લોકો સોશિયલ મીડિયા પર ઝડપથી શેર કરી રહ્યાં છે. ગામલોકોનું કહેવું છે કે ધૂળ જેવા નહીં પરંતુ કબૂતરના પીછા જેવાં ઝીણાં સફેદ–ભૂરા રજકણો હવામાં ઊડી રહ્યાં હતાં. આ ઘટના બાદ વાતાવરણમાં બદલાવ પણ નોંધાયો છે. મહત્તમ તાપમાન 2 ડિગ્રી વધી 34.4 ડિગ્રી નોંધાયું. લઘુત્તમ તાપમાન 1 ડિગ્રી વધી 21 ડિગ્રી નોંધાયું. વાદળછાયા વાતાવરણ અને વધેલા તાપમાનને કારણે હળવો ભેજ અને ગરમીનો અનુભવ થયો છે.
જીપીસીબી દ્વારા ઔદ્યોગિક એસો. અને એસ્ટેટ સાથે પ્રદૂષણ ઘટાડવા બેઠકો શરૂ
પ્રદૂષણને સ્તરને ઘટાડવા માટે જીપીસીબીએ વિવિધ ઔદ્યોગિક એસોસિએશનો અને એસ્ટેટ સાથે તાત્કાલિક બેઠક બોલાવી છે. ઉદ્યોગોને ચેતવણી આપવામાં આવી છે કે ઉત્સર્જન નિયંત્રણ સિસ્ટમો 24×7 કાર્યરત રાખવી. સાથે જ સેલ્ફ મોનિટરીંગ કરવા માટે પણ સૂચના આપવામાં આવી છે.
જીપીસીબીએ ક્યાં ક્યાં ટીમો કામે લગાડી
- સચિન GIDC
- સુરત શહેર અને પાંડેસરા GIDC
- પલસાણા વિસ્તાર
વિઝિબિલિટી ચેકથી લઈને પ્રદૂષણ નિયંત્રણ સાધનોની સઘન તપાસ
ટીમોને રોજ સવારે 4 વાગ્યાથી દિવસભર સતત મોનિટરિંગ કરવાની સૂચના આપવામાં આવી છે. વિઝિબિલિટી ચેકથી લઈને પ્રદૂષણ નિયંત્રણ સાધનો સુધી સઘન તપાસ કરવા જણાવ્યું છે. GPCBની ટીમો ઉદ્યોગોમાં લગાડેલા સાઇકલોન, સ્ક્રબર, ફિલ્ટર, સ્ટેક એમિશન સિસ્ટમ, વેન્ટ કંટ્રોલ સિસ્ટમ જેવી મહત્વપૂર્ણ પ્રદૂષણ નિયંત્રણ યંત્રોની કાર્યક્ષમતાની સીધી ચકાસણી કરશે.
સાથે જ ઉદ્યોગોના ધુમાડાના રંગ, ગંધ, અતિપ્રમાણે ફગાવાતો ધુમાડો અને રાત્રિ સમયે ગેરકાયદે ઉત્સર્જનની પણ તપાસ હાથ ધરાઈ છે. ચોક્કસ વિસ્તારોમાં વિઝિબિલિટી ઘટી જવી, હવાની અંદર સૂક્ષ્મ કણોનો વધારો અને સવાર-સાંજ ‘સ્મોગ લેયર’જોવા મળતા તંત્ર વધુ સતર્ક બન્યું છે.