દેશમાં વાયુનું પ્રદૂષણ હવે લોકોનું જીવન ટૂંકાવી રહ્યું છે – Gujaratmitra Daily Newspaper

Editorial

દેશમાં વાયુનું પ્રદૂષણ હવે લોકોનું જીવન ટૂંકાવી રહ્યું છે

ભારતમાં પ્રદૂષણ અને તેમાં પણ હવાનું પ્રદૂષણ ખૂબ જ વધી ગયું છે તે હવે જગજાહેર વાત છે. ભારતની રાજધાની દિલ્હી એ વિશ્વનું સૌથી પ્રદૂષિત શહેર બની ગયું છે અને દેશના અન્ય મહાનગરો જેવા કે કોલકાતા, મુંબઇ, બેંગ્લોર,  ચેન્નાઇ વગેરેની હાલત પણ વાયુ પ્રદૂષણની બાબતમાં ખરાબ જ રહી છે. ફક્ત મહાનગરો જ નહી, બીજી શ્રેણીમાં આવતા મોટા શહેરોની હાલત પણ ઘણી ખરાબ છે બલ્કે કેટલાક કિસ્સાઓમાં તો આવા શહેરોમાં વાયુ પ્રદૂષણની સ્થિતિ  વધુ ગંભીર છે.

આમાં પણ દક્ષિણ કરતા ઉત્તર ભારતની સ્થિતિ વાયુના પ્રદૂષણની બાબતમાં વધુ ખરાબ છે. હાલમાં થયેલા એક અભ્યાસના તારણો જણાવે છે કે ઉત્તર ભારતમાં વાયુનુ પ્રદૂષણ એટલી હદે વધી ગયું છે કે તે હવે ત્યાંના  રહેવાસીના જીવન નોંધપાત્ર રીતે ટૂંકાવવાની હદે ગયું છે. જો હાલનું પ્રદૂષણનું સ્તર જળવાઇ રહે તો ઉત્તર ભારતના ૫૧ કરોડ કરતા વધુ લોકો તેમના જીવનના ૭.૬ વર્ષ ગુમાવવાના માર્ગ પર છે એમ જાણીતી શિકાગો યુનિવર્સિટીની એક  સંસ્થા દ્વારા કરાયેલ એક અભ્યાસ જણાવે છે અને તેમાં જણાવવામાં આવ્યુંછે કે ભારતમાં પ્રદૂષણ એ માણસોના આરોગ્ય સામેનો સૌથી મોટો ખતરો છે.

એનર્જી પોલિસી ઇન્સ્ટિટ્યુટ કે જે અમેરિકાની યુનિવર્સિટી ઓફ શિકાગો ખાતે કાર્યરત છે તેણે તૈયાર કરેલ એર ક્વોલિટી લાઇફ ઇન્ડેક્સ જણાવે છે કે વર્ષ ૨૦૧૩થી વિશ્વના પ્રદૂષણમાં કુલ વધારામાં ૪૪ ટકા જેટલો વધારો ભારતમાંથી  આવે છે. ૧૯૯૮થી ભાારતનું સરેરાશ વાર્ષિક પાર્ટિક્યુલેટ પ્રદૂષણ ૬૧.૪ ટકાના દરે વધ્યું છે એમ તેમાં વધુમાં જણાવાયું છે. છેલ્લા બે દાયકામાં ભારતમાં વાયુનું પ્રદૂષણ કેટલી ઝડપથી વધ્યું છે અને વિશ્વના એક અગ્રણી પ્રદૂષિત દેશ બનવા  તરફ ભારતે કેટલી પ્રગતિ કરી છે તે આના પરથી સમજી શકાય છે.

આ એર ક્વોલિટી લાઇફ ઇન્ડેક્સના નવા વિશ્લેષણ પ્રમાણે હવાનું પ્રદૂષણ ભારતીયોના જીવનના સરેરાશ અપેક્ષિત સમયમાં પાંચ વર્ષનો ઘટાડો કરે છે અને ગંગા  નદીના મેદાનોમાં, કે જ્યાં ભારતની ૪૦ ટકા જેટલી વસ્તી વસે છે ત્યાં તો જો પ્રદૂષણનું હાલનું જ સ્તર પ્રવર્તતું રહે તો લોકો ૭.૬ વર્ષ ગુમાવવાની દિશામાં છે. બાંગ્લાદેશ પછી ભારત એ વિશ્વનો બીજા ક્રમનો સૌથી પ્રદૂષિત દેશ છે. જ્યારે  દેશના કેટલાક વિસ્તારોમાં તો સરેરાશ કરતા વધુ ખરાબ સ્થિતિ છે, ત્યારે દેશની રાજધાની દિલ્હીના રાષ્ટ્રીય રાજધાની પ્રદેશમાં તો હવાનું પ્રદૂષણ લોકોનું જીવન પુરા ૧૦ વર્ષ જેટલું ટૂંકાવી રહ્યું છે જે દિલ્હી વિશ્વનું સૌથી પ્રદૂષિત શહેર  છે.

અને સમગ્ર દક્ષિણ એશિયામાં સ્થિતિ ખરાબ છે, વિશ્વના કોઇ પણ ભાગમાં પ્રદૂષણની એટલી ઘાતક અસર દેખાતી નથી જેટલી દક્ષિણ એશિયામાં દેખાય છે એમ આ અભ્યાસમાં નોંધવામાં આવ્યું છે. દક્ષિણ એશિયામાં પાકિસ્તાન અને  બાંગ્લાદેશનો પણ સમાવેશ થાય છે જે દક્ષિણ એશિયામાં પ્રદૂષણની બાબતમાં ભારત અને બાંગ્લાદેશની સ્થિતિ વધુ ખરાબ છે.  શિકાગો યુનિવર્સિટીના એનર્જી પોલિસી ઇન્સ્ટિટ્યુટટ દ્વારા તૈયાર કરવામાં આવેલ એર ક્વોલિટી લાઇફ  ઇન્ડેક્સ હાલમાં જારી કરવામાં આવ્યો છે જે ઇન્ડેક્સમાં જણાવાયા મુજબ ભારતની રાજધાની દિલ્હી, કે જે વિશ્વનું સૌથી પ્રદૂષિત શહેર છે ત્યાં હવામાં પ્રદૂષણકારી કણો પીએમટુ.પનું સરેરાશ વાર્ષિક સ્તર દર ઘન મીટરે ૧૦૭ માઇક્રોગ્રામ  કરતા વધી જાય છે અથવા તો તે વિશ્વ આરોગ્ય સંગઠન(હુ)ની માર્ગદર્શકામાં સૂચવેલ પ્રમાણ કરતા ૨૧ ગણુ વધુ છે અને આને કારણે દિલ્હીમાં વસતા લોકોના સરેરાશ અપેક્ષિત જીવનમાં ૧૦ વર્ષનો ઘટાડો થવાની તૈયારી છે. જો પ્રદૂષણનું  હાલનું સ્તર જળવાઇ રહે તો દિલ્હીવાસીઓના જીવનમાંથી સરેરાશ આટલા વર્ષ ઓછા થઇ શકે છે.

હુ દ્વારા ગયા  વર્ષે જારી કરવામાં આવેલ માર્ગદર્શિકા મુજબ પ્રતિ ઘન મીટરમાં પીએમટુ.પ કણોનું પ્રમાણ પાંચ માઇક્રોગ્રામ કરતા વધવું  જોઇએ નહીં. અને આમ તો પ્રદૂષણની બાબતમાં જોઇએ તો આખા ભારતમાં સ્થિતિ સારી નથી. ભારતના લગભગ તમામ ૧૩૦ કરોડ લોકો એવા વિસ્તારોમાં વસે છે કે જ્યાં હવામાં પ્રદૂષણકારી કણોની સરેરાશ હુએ ઠરાવેલી મર્યાદા  કરતા વધારે છે અને પ્રદૂષણના કારણે ભારતીયોના અપેક્ષિત જીવનમાં સરેરાશ પ વર્ષનો ઘટાડો થઇ શકે છે. દેશમાં હવાનું પ્રદૂષણ છેલ્લા કેટલાક દાયકાઓમાં ખૂબ વધ્યું છે તેના માટે વધેલું ઔદ્યોગિકરણ તો જવાબદાર છે જ, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં દેશમાં વાહનોનું પ્રમાણ બેફામ વધ્યું છે.

મહાનગરો અને શહેરોમાં જ નહીં પરંતુ નાના  નગરો અને ગામડાઓમાં પણ વાહનો, ખાસ કરીને દ્વિચક્રી વાહનો ખૂબ વધ્યા છે. એક અભ્યાસ પ્રમાણે ભારતના શહેરોમાં હવાના પ્રદૂષણમાં ઘણો મોટો ફાળો તો ટુ-વ્હીલરોનો જ છે. આપણા દેશના સરકારી તંત્રો ભ્રષ્ટ છે તે બાબત પણ  પ્રદૂષણ વકરાવવામાં મોટો ફાળો આપે છે. રાજ્યોના પ્રદૂષણ નિયંત્રણો બોર્ડોમાં ભ્રષ્ટાચાર ચાલે છે અને નિયમ ભંગ કરી પ્રદૂષણ કરતા ઔદ્યોગિક એકમો સામે કોઇ નક્કર પગલા લેવાતા નથી. આરટીઓ અને પોલીસ જેવા તંત્રો બેફામ  ધુમાડો કાઢતા વાહનો સામે ખાસ કોઇ પગલા લેતા નથી, થોડા રૂપિયા ખર્ચવાથી પીયુસી સર્ટિફિકેટ ગમે તેટલો ધુમાડો કાઢતા વાહનોને મળી જાય છે. આવી સ્થિતિમાં પ્રદૂષણ વકરે જ. જો વાયુ પ્રદૂષણને નાથવા માટે સરકાર સક્રિયતા નહીં  બતાવશે તો દેશમાં આગામી દિવસો વધુ કપરા હશે.

Most Popular

To Top