દિલ્હીમાં પ્રદુષણ હવે તેની ચરમ સીમાએ પહોંચી ગયું છે અને લોકોના જીવને જોખમ ઉભુ થઇ રહ્યું છે. એર ક્વોલિટી અત્યંત ખરાબ થઇ જતા હવે સમગ્ર એનસીઆરમાં નિર્માણકામ પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે. એવા દરેક ચણતર કામ કે જેમાં ધુળ ઉડતી હોય વગેરે પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે. જોકે માત્ર હોસ્પિટલ કે ઇમર્જન્સી લેવા માટેના નિર્માણ કાર્યો જ શરૂ રાખી શકાશે. જે પણ પ્રતિબંધ મુકવામાં આવ્યા છે તેમાં ઇમારતો તોડવી, પથ્થરો તોડવા, ખનન વગેરેનો પણ સમાવેશ થાય છે. ઇંટ,ભઠ્ઠા, હોટ મિક્સ સંયંત્રો વગેરે પર કાર્યવાહી કરાશે.
આ સાથે જ લોકોને પબ્લિક ટ્રાન્સપોર્ટ, સાઇકલ, પગપાળા જવાને પ્રાથમિક્તા આપવા અપીલ કરવામાં આવી રહી છે કે જેથી વાહનોનો ઉપયોગ ઓછો થાય અને પ્રદુષણ ઘટાડવામાં મદદ મળી રહે. આ ઉપરાંત લોકોને કોલસા, લાકડા, પ્લાસ્ટિક વગેરે ન સળગાવવાની અપીલ પણ કરાઇ રહી છે. સાથે જ જો બહુ જ જરૂરી કામ ન હોય તો ઘરોમાં જ રહેવાની લોકોને વિનંતી કરવામાં આવી રહી છે. દિલ્હીમાં એરક્વોલિટી ઇન્ડેક્સ ૩૯૮ પર પહોંચી ગયો હતો. જે અત્યંત ગંભીર સ્થિતિ માનવામાં આવે છે. લોકોને શ્વાસ લેવામાં પણ તકલીફ પડી શકે છે.
જેને પગલે લોકોને માસ્ક પહેરવાની પણ અપીલ કરવામાં આવી રહી છે. નિષ્ણાતોનો દાવો છે કે પ્રદુષણમાં એન-૯૫ માસ્ક ઉપયોગી સાબિત થઇ શકે છે. એવુ અનુમાન છે કે એર ક્વોલિટી હજુ પણ ખરાબ સ્થિતિ પર પહોંચી શકે છે અને ૪૦૧થી ૪૫૦નું સ્તર પણ પાર કરી શકે છે. નિષ્ણાતોના મતે જો એરક્વોલિટી ૪૦૧ને પાર જતી રહે તો એક વ્યક્તિ દિવસમાં ૩૩ સિગારેટ પીવે તેટલી અસર તેના શરીર પર આ ખરાબ એરક્વોલિટીની થશે. જેને પગલે હ્ય્દય, શ્વાસની બિમારીઓનું પ્રમાણ વધશે. ફેફસામાં પણ તકલીફ ઉભી થઇ શકે છે.
બાળકો અને વૃદ્ધો પર સૌથી વધુ અસર જોવા મળી રહી છે. લોકોને ઘરોની બારીઓ અને દરવાજા બંધ રાખવાની અપીલ કરાઇ રહી છે. દિલ્હીમાં દિવાળી સમયે ફટાકડા ફોડવામાં આવ્યઆ તે બાદ જ એર ક્વોલિટી ખરાબ થતી જાય છે અને હવે આસપાસના વિસ્તારોમાં પરાળી સળગાવવાનું પણ વધી રહ્યું છે તેથી એર ક્વોલિટી ખરાબ થઇ ગઇ છે. એટલું જ નહીં આ પહેલા દિલ્હી-એનસીઆરમાં વાયુ પ્રદૂષણના મામલે આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. કોર્ટે કેન્દ્ર સરકારને કહ્યું કે જ્યારે હવામાન ગંભીર થાય છે ત્યારે પગલાં લેવામાં આવે છે.
વાયુ પ્રદૂષણ અટકાવવા અગાઉથી જ પ્રયત્નો કરવા જોઈએ. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, તે વાયુ પ્રદૂષણના મામલે સુનાવણી બંધ નહીં કરે અને હાલમાં તેના પર અંતિમ આદેશ આપશે નહીં. કેન્દ્ર તરફથી કોર્ટને કહેવામાં આવ્યું હતું કે, દિલ્હીમાં વાયુ પ્રદૂષણમાં સુધારો થયો છે. પહેલા AQI 400થી ઉપર હતો તે હવે 290 છે. આ અંગે સુપ્રીમ કોર્ટે કેન્દ્રને સવાલ કરતા કહ્યું કે, ઝડપી પવનને કારણે પ્રદૂષણ ઓછું થયું, તમે શું કર્યું? સુપ્રીમ કોર્ટે પૂછ્યું, તમે કહો કે પ્રદૂષણ રોકવા માટે શું કર્યું? તમે કહ્યું હતું કે 21 નવેમ્બરથી સ્થિતિ સારી થઈ જશે. તેજ પવનને કારણે અમારો બચાવ થયો છે, પરંતુ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે સાંજથી સ્થિતિ ફરી ગંભીર બની શકે છે.
સુપ્રીમ કોર્ટે સરકારને કહ્યું કે ડેટાના આધારે વૈજ્ઞાનિક રીતે ઉકેલ શોધો. શા માટે આપણે દર વર્ષે આ મુશ્કેલીમાંથી પસાર થઈએ છીએ, દુનિયાને શું સંકેત આપી રહ્યા છીએ? કોર્ટે કહ્યું કે, તમારે પરાલી સળગાવવાનું રોકવા માટે વ્યવસ્થા કરવી પડશે નહીં તો તે મોટી સમસ્યા બની જશે. આ કેસની આગામી સુનાવણી 29 નવેમ્બરે હાથ ધરાશે. કેન્દ્રએ કોર્ટને જણાવ્યું હતું કે, બાંધકામ કામો પરના પ્રતિબંધને વધુ લંબાવવામાં આવશે નહીં. છેલ્લી સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારના સૂચનને સ્વીકાર્યું હતું કે કોર્ટે દિલ્હી-NCR પ્રદૂષણ મામલે કોઈપણ આદેશ આપતાં પહેલા 21 નવેમ્બર સુધી રાહ જોવી જોઈએ. કેન્દ્રએ કહ્યું હતું કે દિવાળી પર પ્રતિબંધ હોવા છતાં ફટાકડાના કારણે પ્રદૂષણમાં વધારો થયો છે.
વાયુના પ્રદૂષણની માનવ સ્વાસ્થય ઉપર ગંભીર અસર થાય છે. વાયુ પ્રદૂષણને કારણે થતી કોઈપણ સ્વાસ્થ્ય સમસ્યાની અસર ટૂંકા સમયમાં થતી નથી. હવાના પ્રદૂષણની લોકોના સ્વાસ્થ્ય પર લાંબા ગાળાની અસર પડે છે. તે ધીમા ઝેર જેવું છે અને શરીરમાં ધીમે ધીમે વધે છે. જો વાયુ પ્રદૂષણની અસર ઓછી હોત તો અમે પ્રારંભિક તબક્કે તેનો સામનો કરી શક્યા હોત. તે એક અદ્રશ્ય દુશ્મન જેવો છે, તે કોઈને જાણ કર્યા વિના શરીરને નુકસાન પહોંચાડતો રહે છે. કોઈ પણ વ્યક્તિ એ જાણશે નહીં કે ખરાબ હવા તેના જીવનની ગુણવત્તાને અસર કરી રહી છે, સિવાય કે તે તેની દૈનિક પ્રવૃત્તિઓમાં દખલ ન કરે અને તેની કામ કરવાની ક્ષમતામાં ઘટાડો ન કરે.
વર્ષોથી લોકોમાં જોવા મળતા કેટલાક સામાન્ય રોગોમાં સિનુસાઈટિસ, સ્ટ્રોકનું જોખમ, વારંવાર થતી એલર્જી, ફેફસામાં ચેપ, ક્રોનિક અવરોધક પલ્મોનરી ડિસીઝ (COPD)નો સમાવેશ થાય છે. ડૉ. ચાવલાએ કહ્યું, “કેટલાક રોગો જેમ કે સ્ટ્રોક, સીઓપીડી અને એલર્જી લાંબા સમય પછી દેખાય છે. તાત્કાલિક સમસ્યા અસ્થમાના દર્દીઓને થાય જ છે.જ્યારે હવાની ગુણવત્તા બગડે છે, ત્યારે જે દર્દીઓને પહેલાથી જ ફેફસાની બીમારી હોય તેમને સાવચેત રહેવાની જરૂર છે કારણ કે તે રોગને વધારી શકે છે. અસ્થમાના ઘણા દર્દીઓ એવા છે કે જેમને દિલ્હી જેવા સ્થળોએ હવાની ગુણવત્તા નબળી હોવાને કારણે તાત્કાલિક અસર થાય છે અને તેનો ઇલાજ પણ કેટલીક વખત શક્ય નથી.