એર માર્શલ અમર પ્રીત સિંહને વાયુસેનાના આગામી વડા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. એર માર્શલ અમર પ્રીત સિંહ હાલમાં વાયુસેનાના વાઇસ ચીફ તરીકે સેવા આપી રહ્યા છે. તેઓ 30 સપ્ટેમ્બર 2024ની બપોરથી આગામી એર ચીફ માર્શલ તરીકેનો કાર્યભાર સંભાળશે. વર્તમાન એરફોર્સ ચીફ એર ચીફ માર્શલ વિવેક રામ ચૌધરી 30 સપ્ટેમ્બર 2024ના રોજ પદ પરથી નિવૃત્ત થશે.
એર માર્શલ અમર પ્રીત સિંહનો જન્મ 27 ઓક્ટોબર 1964ના રોજ થયો હતો. આ મોટી જવાબદારી પહેલા એર માર્શલ અમર પ્રીત સિંહે 1 ફેબ્રુઆરી 2023ના રોજ ભારતીય વાયુસેનાના 47માં નાયબ ચીફનું પદ સંભાળ્યું હતું. છેલ્લા કેટલાક દિવસોથી એવી અટકળો ચાલી રહી હતી કે નવા એરફોર્સ ચીફ માટે માત્ર અમર પ્રીત સિંહનું નામ જ આગળ આવી શકે છે.
એર માર્શલ અમર પ્રીત સિંહે તેમની સેવા દરમિયાન ઘણી મોટી સિદ્ધિઓ હાંસલ કરી છે. તેઓ 21 ડિસેમ્બર 1984ના રોજ વાયુસેના એકેડેમી, ડુંડીગલમાંથી ભારતીય વાયુસેનાના ફાઇટર સ્ટ્રીમમાં પોસ્ટ થયા હતા. તેઓ 38 વર્ષથી એરફોર્સમાં સેવા આપી રહ્યા છે. એર માર્શલ અમર પ્રીત સિંહે નેશનલ ડિફેન્સ એકેડમી ખડકવાસલા અને એરફોર્સ એકેડમી ડુંડીગલમાંથી ટ્રેનિંગ લીધી છે. તેઓ ડિફેન્સ સર્વિસીસ સ્ટાફ કોલેજ, વેલિંગ્ટનના ભૂતપૂર્વ વિદ્યાર્થી પણ રહી ચૂક્યા છે. તેમના નામે વધુ એક સિદ્ધિ છે. તેમણે નેશનલ ડિફેન્સ કોલેજ, નવી દિલ્હીમાંથી ટ્રેનિંગ પણ લીધી છે.
ભારતીય વાયુસેનાના નવા ચીફ બનેલા એર માર્શલ અમર પ્રીત સિંહે તાજેતરમાં જ ભારતીય ફાઈટર જેટ તેજસ ઉડાડીને સૌને ચોંકાવી દીધા હતા એટલું જ નહીં તેમની ઉંમરના કારણે સૌનું ધ્યાન પણ ખેંચ્યું હતું. જ્યારે તેમણે તેજસ વિમાન ઉડાવ્યું ત્યારે તેમની ઉંમર 59 વર્ષની હતી. તેમની સેવા બદલ તેમને પરમ વિશિષ્ઠ સેવા મેડલ અને અતિ વિશિષ્ઠ સેવા મેડલ એનાયત કરવામાં આવ્યા છે.