એર ઇન્ડિયાની ફ્લાઇટ AI-887 (બોઇંગ 777-300ER) જે મુંબઈ જઈ રહી હતી તેને ટેકનિકલ ખામીને કારણે દિલ્હી પરત ફરવું પડ્યું. વિમાને સવારે 7:47 વાગ્યે ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર સલામત ઈમરજન્સી લેન્ડિંગ કર્યું.
સોમવારે દિલ્હીથી મુંબઈ માટે ઉડાન ભર્યા પછી વિમાનના એન્જિન નંબર-2 માં ઓઈલનું દબાણ શૂન્ય થઈ ગયું, ત્યાર બાદ પાયલોટે તાત્કાલિક દિલ્હીમાં અધિકારીઓનો સંપર્ક કરીને ઈમરજન્સી લેન્ડિંગ કર્યું. વિમાનમાં કટોકટીની માહિતી મળતાં એરપોર્ટ સ્ટાફે પ્રતિકૂળ પરિસ્થિતિઓનો સામનો કરવા માટે તૈયારીઓ શરૂ કરી દીધી. થોડો સમય હવામાં રહ્યા પછી વિમાન એરપોર્ટ પર સુરક્ષિત રીતે લેન્ડ કર્યું. વિમાન અચાનક દિલ્હી પરત ફરતાં મુસાફરોમાં પણ ગભરાટ ફેલાયો હતો.
વિમાનમાં 337 લોકો સવાર હતા
ઉતરાણ પછી બધા મુસાફરો અને ક્રૂ સભ્યોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. કોઈને ઈજા કે જાનહાનિના અહેવાલ નથી. એર ઈન્ડિયાની ફ્લાઇટ AI-887 માં 337 ક્રૂ અને મુસાફરો સવાર હતા.
ઇમરજન્સી લેન્ડિંગ કરાવ્યું
ફાયર કંટ્રોલ રૂમના અધિકારીઓએ ઘટનાની સત્તાવાર પુષ્ટિ કરતા જણાવ્યું હતું કે, કુલ 337 મુસાફરો અને ક્રૂ સભ્યો સવાર હતા. સાવચેતી રૂપે વિમાનને દિલ્હી પરત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. લેન્ડિંગ પછી બધા મુસાફરો અને ક્રૂ સભ્યોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા.
વિમાનનું હાલમાં ટેકનિકલ નિરીક્ષણ ચાલી રહ્યું છે. જોકે, એર ઇન્ડિયાએ ઇમરજન્સી લેન્ડિંગ અંગે કોઈ સત્તાવાર નિવેદન જારી કર્યું નથી.