સુરત: ઉધના પોલીસે એર ઇન્ડિયાના ટેક્નિકલ મેનેજર સહીત ત્રણ આરોપીઓને ઝડપીને રૂ.16.79 લાખના 279 મોબાઇલ ફોન જપ્ત કર્યા છે.મુખ્ય આરોપી સોફ્ટવેરની મદદથી ચોરીના ફોનના IMEI નંબર બદલી સ્પેરપાર્ટ્સ વેચાણના ધંધામાં સંકળાયેલો હોવાનું ખુલ્યું છે.
- ચોરીના ફોન ખરીદી IMEI નંબર બદલી મોબાઇલના પાર્ટર્સ વેચતો હતો
- પકડાયેલા ત્રણ ચોરોની કબૂલાતને આધારે મેનેજરના ઘરે તપાસ કરી તો ચોરીના 279 મોબાઇલ મળી આવ્યા
ઉધના પોલીસ સ્ટેશનના પીઆઈ એસ.એન. દેસાઈ અને સેકન્ડ પીઆઈ જે.એસ જામ્બરેના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફે દબિશ ઘાળી, રવિ રૂમાલ રાજનાત અને સંતોષ ઉર્ફે લંગડા બાબુ ગાયકવાડ(ત્રણેય રહે. સંતોષી નગર ઝૂંપડપટ્ટી, નવાગામ, ડિંડોલી)ને ઝડપી પાડ્યા છે. તેમની પાસેથી વિવિધ કંપનીઓના કુલ 15 મોબાઇલ ફોન મળી આવ્યા હતા. બંનેની પૂછપરછમાં ચોંકાવનારી માહિતી બહાર આવી હતી.
બંને શખ્સો સુરત એરપોર્ટ ખાતે એર ઇન્ડિયામાં ટેક્નિકલ મેનેજર તરીકે ફરજ બજાવતા ધીરજ રવિન્દ્ર ઝોપેને ચોરીના મોબાઇલ સપ્લાય કરતા હોવાનું સ્વીકાર્યું હતું. પોલીસે ધીરજને પણ ધરપકડ કરી તેના જગદંબા નગર, સી.આર.પાટીલ નગર રોડ, ડિંડોલી ખાતે આવેલા ઘરે તપાસ કરતાં અંદાજીત કિંમત રૂ.16.79 લાખની કિંમતના 279 મોબાઇલ ફોન મળી આવ્યા હતાં.
તપાસમાં જાણવા મળ્યું હતુ કે તે ચોરીના મોબાઇલ ખરીદી તેના પાર્ટ્સ અલગ કરી વેચતો હતો. તે સોફ્ટવેરની મદદથી મોબાઇલના લોક તોડી અને તેના IMEI નંબર બદલી નાખતો હતો, જેથી ચોરીના ફોન ટ્રેસ ન થઈ શકે.
ભીડવાળા વિસ્તારો અને BRTS બસોમાંથી મોબાઇલ ચોરતા હતાં
ઉધના પોલીસે મોબાઇલ ચોરીના કેસમાં ધરપકડ કરેલા ત્રણ આરોપીઓની પૂછપરછમાં ખુલ્યું કે મુખ્ય આરોપી ધીરજ રવિન્દ્ર જોપે એર ઇન્ડિયામાં એન્જિનિયર તરીકે ફરજ બજાવે છે. અન્ય બે આરોપીઓ શહેરના ભીડભાડવાળા વિસ્તારો અને BRTS બસોમાં મુસાફરો પાસેથી મોબાઇલ ચોરી કરીને ધીરજને વેચતા હતા.
એન્જિનિયર ધીરજ ચોરાયેલા મોબાઇલ ફોનમાંથી મધરબોર્ડ અને અન્ય ભાગો કાઢીને અલગ-અલગ માર્કેટમાં વેચતો હતો. તપાસમાં જાણવા મળ્યું છે કે ધીરજ છેલ્લા દોઢથી બે વર્ષથી આ ગેરકાયદેસર ધંધો ચલાવી રહ્યો હતો.
સંતોષ લંગડા સામે 16 ગુના નોંધાયા છે
પોલીસે પકડેલા આરોપી ધરપકડ સાથે શહેરના અલગ-અલગ પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલા 12 ગુનાઓનો ઉકેલ લાવ્યો છે. વધુમાં, સંતોષ ઉર્ફે ‘લંગડા’ બાબુ ગાયકવાડ સામે સુરતના અનેક પોલીસ સ્ટેશનોમાં કુલ 16 ગુનાઓ નોંધાયેલા હોવાનું પણ બહાર આવ્યું છે. પોલીસ હવે આરોપીઓ પાસેથી વધુ પૂછપરછ કરીને આ નેટવર્કમાં સંકળાયેલા અન્ય લોકોની શોધમાં લાગી છે.