દિલ્હીથી વિયેના જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ ટેકઓફ થયાના થોડા સમય પછી હવામાં લગભગ 900 ફૂટ નીચે પડી ગઈ હતી. આ ઘટના અમદાવાદમાં એરલાઇનના AI-171 વિમાન દુર્ઘટનાના થોડા દિવસો પછી બની હતી. એરલાઇનના પ્રવક્તાએ મંગળવારે જણાવ્યું હતું કે તપાસના પરિણામો બહાર ન આવે ત્યાં સુધી બંને પાઇલટ્સને વિમાન ઉડાડવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
એક અહેવાલ મુજબ, ફ્લાઇટ AI-187, એક બોઇંગ 777, 14 જૂનના રોજ સવારે 2.56 વાગ્યે ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ (IGI) એરપોર્ટથી ઉડાન ભરી અને નવ કલાક અને આઠ મિનિટની ઉડાન પછી વિયેનામાં સુરક્ષિત રીતે લેન્ડ થયું હતું. જોકે, ટેકઓફ પછી તરત જ વિમાન અચાનક ઊંચાઈ ગુમાવી દીધી હતી, જેના કારણે સ્ટોલ અને ગ્રાઉન્ડ પ્રોક્સિમિટી એલાર્મ વાગવા લાગ્યા હતા. જેમાં વારંવાર ‘ડોન્ટ સિંક’ ચેતવણીઓનો સમાવેશ થાય છે.
એર ઇન્ડિયાએ જણાવ્યું હતું કે પાઇલટ્સે વિમાનને સ્થિર કરવા માટે તાત્કાલિક પગલાં લીધાં અને પ્રતિકૂળ હવામાન પરિસ્થિતિઓ છતાં સલામત રીતે મુસાફરી ચાલુ રાખી. એર ઇન્ડિયાના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, પાઇલટનો રિપોર્ટ મળ્યા પછી નિયમો અનુસાર નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA) ને આ બાબતની જાણ કરવામાં આવી હતી. ત્યાર બાદ વિમાન રેકોર્ડરમાંથી ડેટા પ્રાપ્ત કર્યા પછી વધુ તપાસ શરૂ કરવામાં આવી હતી. તપાસના પરિણામો આવે ત્યાં સુધી પાઇલટ્સને રોસ્ટરમાંથી દૂર કરવામાં આવ્યા છે.
એરલાઇન સેફ્ટી ચીફને સમન્સ પાઠવવામાં આવ્યા
ડીજીસીએએ પણ આ મામલાની વિગતવાર તપાસ શરૂ કરી છે અને એર ઇન્ડિયાના સેફ્ટી ચીફને સમજાવવા માટે સમન્સ પાઠવ્યું છે. આ ઘટના 12 જૂનના રોજ બપોરે અમદાવાદના સરદાર વલ્લભભાઇ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ, બોઇંગ ડ્રીમલાઇનર 787-8, ઉડાન ભર્યાના થોડી મિનિટો પછી ક્રેશ થયાના લગભગ 38 કલાક પછી બની હતી, જેમાં લગભગ 270 લોકો માર્યા ગયા હતા.
DGCA દ્વારા તાજેતરમાં કરવામાં આવેલા સેફ્ટી ઓડિટમાં એર ઇન્ડિયાના કાફલાના જાળવણીમાં વારંવાર ખામીઓ જોવા મળી છે. આ મહિનાની શરૂઆતમાં એર ઇન્ડિયાની અનેક ફ્લાઇટ્સમાં ટેકનિકલ ખામીઓ નોંધાયા બાદ આ વાત સામે આવી છે. હવામાન પરિસ્થિતિઓ, ટેકનિકલ સમસ્યાઓ કે પાઇલટની ભૂલ જવાબદાર હતી કે કેમ તે નક્કી કરવા માટે તપાસ હાથ ધરવામાં આવી રહી છે, અને તેના કારણે કડક નિરીક્ષણો અને પ્રોટોકોલમાં ફેરફાર થઈ શકે છે.
ડીજીસીએ ઓડિટ કરી રહ્યું છે
એક સૂત્રએ સમાચાર એજન્સી પીટીઆઈને જણાવ્યું હતું કે 23 જૂનના રોજ ડીજીસીએએ ગુરુગ્રામમાં એર ઇન્ડિયાના બેઝ પર વિગતવાર ઓડિટ હાથ ધર્યું હતું, જેમાં કામગીરી, ફ્લાઇટ શેડ્યૂલ અને રોસ્ટરિંગ સહિત અન્ય બાબતોનો સમાવેશ થતો હતો. સૂત્રએ જણાવ્યું હતું કે, ડીજીસીએએ ગુરુગ્રામમાં એર ઇન્ડિયાના બેઝ પર ઓડિટ શરૂ કરી દીધું છે. આ વાર્ષિક કવાયતમાં તમામ પાસાઓને આવરી લેવામાં આવશે.