National

રાજસ્થાનના બાડમેરમાં એરફોર્સ મિગ-21 ફાઈટર પ્લેન ક્રેશ, બંને પાઈલટ શહીદ

રાજસ્થાન: વાયુસેનાનું (Air Force) ફાઈટર એરક્રાફ્ટ મિગ-21 (MiG-21 fighter plane) રાજસ્થાનના (Rajasthan) બાડમેરના ભીમરા પાસે ક્રેશ (crashes) થયું છે. મળતી માહિતી મુજબ પ્લેનનો કાટમાળ એક કિલોમીટર સુધી વિખરાયેલો છે. આ ઘટના ગતરાત્રે 9 વાગ્યાની બની હોવાનું સામે આવી રહ્યું છે. ફાઈટર પ્લેન મિગ-21 ક્રેશ થયા બાદ કાટમાળમાં આગ લાગી હતી. માહિતી મળતાની સાથે જ પ્રશાસનની ટીમ ઘટનાસ્થળે રવાના થઈ ગઈ હતી. મિગ ક્રેશ થયા બાદ કાટમાળ લગભગ 1 કિલોમીટરની ત્રિજ્યામાં વિખરાયેલો હતો. આ અકસ્માત બૈતુ પોલીસ સ્ટેશન વિસ્તારના ભીમડા ગામમાં થયો હતો. આ અકસ્માતમાં બંને પાયલોટ શહીદ થયા હતા.

બાડમેરમાં મિગ-21 ફાઈટર જેટ ક્રેશ પર સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ભારતીય વાયુસેનાના વડા એર ચીફ માર્શલ વીઆર ચૌધરી સાથે વાત કરી. એર ચીફે તેમને આ ઘટના વિશે વિગતવાર માહિતી આપી હતી. બાડમેર જિલ્લા મેજિસ્ટ્રેટ લોક બંધુએ મડિયાને જણાવ્યું હતું કે, “તે એરફોર્સનું વિમાન હતું જે બૈતુના ભીમડા ગામ પાસે ક્રેશ થયું હતું.” અકસ્માતનું કારણ જાણવા માટે કોર્ટ ઓફ ઈન્ક્વાયરીનો આદેશ આપવામાં આવ્યો છે.

ગતરાત્રે બનેલી આ દુર્ઘટનાના કેટલાંક વીડિયો સામે આવ્યા હતા, જેમાં દુર્ઘટના પછી ઘટનાસ્થળે વિમાનના કાટમાળમાં આગ જોવા મળી. તેમજ જમીન પર એક પાઇલટની બોડી પણ જોવા મળી હતી. નજીકમાં જ તેનો મોબાઈલ પણ જોવા મળી હતો. બચાવ ટીમ પહોંચે તે પહેલા જ સ્થાનિક લોકોએ પ્રશાસનની સાથે રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કર્યું હતું.

બાડમેરમાં આ બીજી વિમાન દુર્ઘટના છે
તમને જણાવી દઈએ કે આ પહેલા ઓગસ્ટ 2021માં વધુ એક મિગ-21 એરક્રાફ્ટ બાડમેરમાં ક્રેશ થયું હતું. તે ફાઈટર જેટની ટ્રેનિંગ ફ્લાઈટ પર હતું. ટેક-ઓફ બાદ તેમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી અને વિમાન એક ઝૂંપડી પર પડ્યું હતું. જોકે, તે સમયે પ્લેન ક્રેશ થાય તે પહેલા જ પાયલટે પોતાની જાતને બહાર કાઢી લીધી હતી.

ગયા વર્ષે જ રાજસ્થાનમાં મિગ-21 ક્રેશ થયું હતું
નોંધનીય છે કે ગયા વર્ષે 24 ડિસેમ્બરે પણ ભારતીય વાયુસેનાનું મિગ-21 ફાઈટર પ્લેન રાજસ્થાનના જેસલમેર પાસે ક્રેશ થયું હતું. આ અકસ્માતમાં પાયલટ વિંગ કમાન્ડર હર્ષિત સિન્હાનું મોત થયું હતું. જે જગ્યાએ જેટ પડ્યું તે સુદાસરી ડેઝર્ટ નેશનલ પાર્ક છે અને તે પાકિસ્તાન બોર્ડર પાસે છે. આ વિસ્તાર સેનાના નિયંત્રણ હેઠળ છે. એટલા માટે ત્યાં કોઈને જવાની પરવાનગી નથી.

વિંગ કમાન્ડર હર્ષિત સિંહાએ જેસલમેર એરફોર્સ સ્ટેશનથી નિયમિત ફ્લાઇટ માટે ઉડાન ભરી હતી. અકસ્માત સ્થળ જેસલમેરથી લગભગ 70 કિમી દૂર હતું. ઘટના બાદ નજીકના ગ્રામજનોએ જણાવ્યું હતું કે વિમાનમાં હવામાં આગ લાગી હતી, ત્યારબાદ તે ધડાકા સાથે જમીન પર આવી ગયું હતું.

Most Popular

To Top