National

બિહારમાં એરફોર્સનું હેલિકોપ્ટર પાણીમાં પડ્યું, પૂર પીડિતોને રાહત સામગ્રીનું વિતરણ કરવા ગયું હતું

બિહારના મુઝફ્ફરપુર જિલ્લાના ઔરાઈમાં બુધવારે એરફોર્સનું એક હેલિકોપ્ટર ક્રેશ થયું અને પાણીમાં પડી ગયું. વિમાનમાં 3 સૈનિકો અને 2 પાયલટ હતા, તમામ સુરક્ષિત છે. હેલિકોપ્ટર સીતામઢીથી પૂર રાહત સામગ્રી લઈને જઈ રહ્યું હતું. વાયુસેનાએ આ મામલે તપાસના આદેશ આપ્યા છે.

નેપાળમાં ભારે વરસાદને કારણે બિહારની ઘણી નદીઓ ઉફાન પર છે. 16 જિલ્લાઓની લગભગ 10 લાખ વસ્તી પૂરથી પ્રભાવિત છે. પૂર્ણિયા, સહરસા, સુપૌલ, દરભંગામાં સ્થિતિ ખૂબ જ ખરાબ છે. તેવામાં બિહારના મુઝફ્ફરપુર જિલ્લાના ઔરાઈમાં પૂર ગ્રસ્તો માટેરાહત સામગ્રી લઈ જતું હેલિકોપ્ટર ક્રેશ થઈ પાણીમાં પડી ગયું હતું. સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી. હવામાન વિભાગે આજે 11 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી આપી છે.

આ સાથે જ દેશમાં ચોમાસાની સિઝન પૂરી થવા જઈ રહી છે. દક્ષિણ અને પૂર્વોત્તર રાજ્યો સિવાય કોઈપણ રાજ્યમાં વરસાદની ચેતવણી નથી. રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢમાં વરસાદની મોસમ પૂરી થઈ ગઈ છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજસ્થાનના અનેક જિલ્લાઓમાં મહત્તમ તાપમાન 36 ડિગ્રીની ઉપર પહોંચી ગયું છે. મંગળવારે ગંગાનગર, ફલોદીમાં સૌથી વધુ 39.8 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. છત્તીસગઢના સુકમા જિલ્લામાં મંગળવારે મહત્તમ તાપમાન 37.2 ડિગ્રી નોંધાયું હતું. મધ્યપ્રદેશનું ખજુરાહો 36.8 ડિગ્રી તાપમાન સાથે રાજ્યમાં સૌથી ગરમ રહ્યું હતું.

હવામાન વિભાગના ડેટા અનુસાર આ ચોમાસાની સિઝનમાં (1 જૂનથી 30 સપ્ટેમ્બર) સામાન્ય કરતાં 8% વધુ વરસાદ નોંધાયો છે. દક્ષિણ-પશ્ચિમ ચોમાસાની મોસમના લાંબા ગાળાના સત્ર (LPA)માં સરેરાશ વરસાદ 108% હતો. આ સમયગાળા દરમિયાન 934.8 મીમી વરસાદ નોંધાયો હતો. જે વર્ષ 2020 પછી સૌથી વધુ છે. હવામાન વિભાગે 106% વરસાદની આગાહી કરી હતી, જે ઓળંગાઈ ગઈ હતી. વાસ્તવિક વરસાદ અને સામાન્ય વરસાદ વચ્ચે 4% નો તફાવત હતો. આ વર્ષે ચોમાસામાં ચાર મહિના કરતાં વધુ વરસાદ પડ્યો હતો.

વિભાગના જણાવ્યા અનુસાર વર્તમાન ચોમાસાની સીઝનમાં વરસાદ સંબંધિત ઘટનાઓમાં દેશભરમાં 1492 લોકોના મોત થયા છે. પૂર અને વરસાદના કારણે સર્જાયેલી ઘટનાઓમાં 895 લોકોએ જીવ ગુમાવ્યા હતા જ્યારે 597 લોકોના મોત તોફાન અને વીજળીના કારણે થયા હતા. ચાલુ ચોમાસાની સિઝનમાં 525 ભારે વરસાદની ઘટનાઓ બની હતી. જે છેલ્લા 5 વર્ષમાં સૌથી વધુ હતી. આ સમયગાળા દરમિયાન 115.6 મીમી અને 204.5 મીમી વચ્ચે વરસાદ પડ્યો હતો. અતિ ભારે વરસાદની 96 ઘટનાઓ બની હતી, જે દરમિયાન 204.5 મીમીથી વધુ વરસાદ પડ્યો હતો.

Most Popular

To Top