Charchapatra

એર ડ્રોપ હોસ્પિટલ

ભારત જેવો વિકાસશીલ દેશમાં એકસો બેતાળીસ કરોડ નાગરિકો હોય, લાખો ગામો હજી વિકાસના માર્ગે હોય, સુવિધાસભર ગણ્યા ગાંઠયાંજ શહેરો હોય ત્યારે ડોકટરી ઇલાજ માટે બધી જ રીતે મર્યાદિત સગવડો રહે છે. તાત્કાલિક સારવાર માટે મોટા શહેરની અદ્યતન હોસ્પિટલમાં દર્દીને લઇ જવા આપત્તિ અનુભવાય છે. કેટલાક કિસ્સાઓમાં ફાસ્ટ ટ્રેન કે હવાઇ માર્ગે જવું પડે છે. ડોકટરી સારવાર માટે ગામે ગામ, શહેરે શહેર, પર્વતો, જંગલો, રણપ્રદેશોમાં હોસ્પિટલો અને તબીબોની સુવિધા દુર્લભજ રહે અને તેના વિકલ્પમાં એક જબરો ઉપાય જડયો છે.

જીવનરક્ષક ઉકેલ તરીકે ‘એરડ્રોપ હોસ્પિટલ’નો વિચાર અમલી બન્યો છે. તે માટે ભારત જગતનો પ્રથમ દેશ બન્યો છે. આવી હોસ્પિટલ ભલે અસ્થાયી હોય પણ ગમે ત્યાં મિનિટોમાં ઊભી કરી શકાય છે, હવામાંથી પડતી મૂકી શકાય છે. તેની પેટીઓમાં મેડિકલ સામગ્રી ભરેલી હોય છે. ભારતીય વાયુસેનાએ તેનું પરીક્ષણ કર્યું છે. ‘ભારત હેલ્થ ઇનિશિયેટીવ ફોર સહયોગ, હિત એન્ડ મૈત્રી’ જેવા લાંબા નામનું ટૂંકુરૂપ ‘ભીષ્મ’ તરીકે ઓળખાવાયું છે. વિમાન કે હેલિકોપ્ટર દ્વારા ખોખા ઉતારી દઇ તેમાંથી તંબુ ધરાવતી ‘ભીષ્મ’ હોસ્પિટલ ઊભી કરી દેવાય છે. તેના ખોખામાં ઇન્જેકશનો, સર્જીકલ સાધનસામગ્રી, લોહીનું પરીક્ષણ કરવાની સામગ્રી એકસરે, ઇસીજી માપન સુવિધા હોય છે.

ઓ.પી.ડી. ઓપરેશન માટેય સાધનો હોય છે ઓપરેટીંગ ટેબલ, પેટ્રોલ જનરેટર અને સોલાર પેનલ્સ પણ ઉપલબ્ધ રખાય છે. ગ્રામીણ કે તાલુકા મથકના આરોગ્ય કેન્દ્રોમાં પણ ન હોય એવી સુવિધા હોવાથી મેડિકલ ફિલ્ડના ‘ગોલ્ડન આવર્સ’ જળવાય છે. તેની દરેક કયુબને નંબર આપેલા હોવાથી જરૂરિયાતની વસ્તુ શોધવાનું સરળ બને છે. દવાના સમય વિગતો નોંધાયેલાં હોય છે. તાલીમબધ્ધ ટીમ હાજર જ રહે છે. પાતળી કે મજબૂત પાઇપ્સથી બનેલી સ્ટીલની પથારી હોય છે ઇમરજન્સીની ટીમ સાથેની ‘એરડ્રોપ હોસ્પિટલ’ સંકટ સમયની સાંકળજ કહેવાય.
સુરત     – યુસુફ એમ. ગુજરાતી-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top