સુરત: તાતા ગ્રુપમાં (Tata) મર્જર પછી એર એશિયા એરલાઈન્સ (Air Asia Airlines) 2019-20માં ટુ ટાયર સિટીમાં સર્વાધિક પેસેન્જર (Passenger ) ગ્રોથ મેળવનાર સુરત એરપોર્ટથી (Surat Airport) દિલ્હી, કોલકાતા, બેંગ્લુરુની ડેઇલી ફ્લાઇટ શરૂ કરવા જઈ રહી છે. એવિએશન ઇન્ડસ્ટ્રીનાં સૂત્રોના જણાવ્યા મુજબ એરલાઈન્સે માર્ચ-2023ના બીજા સપ્તાહ સુધી સુરત એરપોર્ટથી ત્રણ મેટ્રો સિટીને જોડતી ફ્લાઈટ શરૂ કરશે. એરલાઇન્સે એરપોર્ટ ઓથોરિટીના વેસ્ટર્ન રિજયનનો સંપર્ક કરી ત્રણ શહેરને જોડતી ફ્લાઈટનો સ્લોટ મંજૂર કરાવ્યો છે.
- એર એશિયાની માર્કેટિંગ ટીમે સુરતના ટ્રાવેલર્સ, ટૂર ઓપરેટર્સ અને ઉદ્યોગ સંગઠનો સાથે બેઠક યોજ્યા પછી ફ્લાઈટ શિડ્યુલ જાહેર કર્યું : માર્ચમાં શરૂ થવાની સંભાવના
સૂત્રોના જણાવ્યા મુજબ એર એશિયાની માર્કેટિંગ ટીમે સુરતના ટ્રાવેલર્સ, ટૂર ઓપરેટર્સ અને ઉદ્યોગ સંગઠનો સાથે બેઠક યોજ્યા પછી સોમવારે ફ્લાઈટ શિડ્યુલ જાહેર કર્યું હતું. શક્યતા એવી છે કે એરલાઈન્સ ચાલુ માસના અંતિમ સપ્તાહ સુધી ટિકિટ બુકિંગ શરૂ કરશે. જો માર્ચમાં એરલાઈન્સને પાર્કિંગ બેઇઝ મળશે તો નાઈટ પાર્કિંગની સુવિધા પણ સુરત એરપોર્ટ પર મેળવી શકે છે. તાતા ગ્રુપની એરલાઈન્સ એર ઇન્ડિયા એક્સપ્રેસ અત્યારે સુરતથી સપ્તાહમાં ત્રણ દિવસ સુરત એરપોર્ટની એકમાત્ર સફળ ઇન્ટરનેશનલ ફ્લાઈટ શારજાહ-સુરતનું સંચાલન કરી રહી છે. એ સ્થિતિમાં એરલાઈન્સ ફુલફ્લેજ સ્ટાફ સાથે ઓપરેશન શરૂ કરે તો સુરત-દુબઈની નવી કનેક્ટિવિટી પણ મળી શકે છે.
એર એશિયાએ જૂન-2018માં સુરત એરપોર્ટથી સુરત-બેંગ્લુરુની ફ્લાઈટ શરૂ કરી હતી. પણ કોઈ કારણોસર આ ફ્લાઈટનું બાળમરણ થયું હતું. મોટા ઉપાડે જાહેરાત થયા પછી થોડોક સમય આ ફ્લાઈટ ચાલીને બંધ થઈ ગઈ હતી. જો કે, વિસ્તારા, એર ઈન્ડિયા અને એર એશિયા તાતા ગ્રુપની એરલાઈન્સ બની જતાં સુરતને વધુ કનેક્ટિવિટી મળી શકે છે. જો એરપોર્ટ ઓથોરિટી એરલાઈન્સને પૂરતો સહયોગ આપે તો સુરતીઓને ચોક્કસ લાભ થઇ શકે છે.
એર એશિયાએ ટ્રાવેલર્સ, ટૂર ઓપરેટરને ત્રણ શહેરનું ફ્લાઈટ શિડ્યુલ મોકલ્યું
- ક્યાંથી ક્યાં ડિપાર્ચર અરાઇવલ
- બેંગ્લુરુ સુરત 14.25 16.15
- સુરત બેંગ્લુરુ 16.45 19.00
- દિલ્હી સુરત 08.20 10.00
- સુરત દિલ્હી 11.00 12.40
- કોલકાતા સુરત 13.55 16.30
- સુરત કોલકાતા 17.05 19.40
જાહેરાત કર્યા પછી વિસ્તારા એર અને ગો-ફર્સ્ટ સુરત એરપોર્ટ પર અંકુશોને લીધે ફ્લાઈટ શરૂ ન કરી શકી
વિસ્તારા એર અને ગો-ફર્સ્ટ એરલાઈન્સ નવી ફ્લાઈટ્સની જાહેરાત કર્યા પછી પણ સુરત એરપોર્ટથી ઓપરેશન શરૂ કરી શકી નથી. એનું કારણ એવું આપવામાં આવે છે કે, સુરત એરપોર્ટ પર ચાલી રહેલા પેરેલલ ટેક્સી ટ્રેક અને એપ્રનનાં કામોને લીધે એરલાઈન્સ અત્યારે રાહ જોવા માંગે છે. NOTAMના અંકુશો લાગતાં એક સમયે ડેઇલી સુરતથી રવાના થતી 26 ફ્લાઈટની સંખ્યા માત્ર 11 થઈ ગઈ છે. અંકુશોને લીધે એરલાઈન્સ કંપનીઓએ 12 જેટલા નવા સ્લોટની મંજૂરી લીધા પછી ફ્લાઈટ શરૂ કરી નથી. કારણ કે, પાર્કિંગ બેઇઝની સુવિધા એરલાઈન્સને મળી રહી નથી. ગો-ફર્સ્ટ એરલાઈન્સ દ્વારા 5 રૂટની મંજૂરી લીધા પછી કોઈ કારણોસર આ ફ્લાઈટ શરૂ કરી નથી. એવી જ રીતે વિસ્તારા એરલાઇન્સ પણ સુરતથી ફ્લાઈટ શરૂ કરવાની જાહેરાત કર્યા પછી એર ઓપરેશન શરૂ કરી શકી નથી.