આજે AI (આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સ) વિશ્વનો ખુબ મહત્ત્વનો મુદ્દો બન્યો છે. દુનિયાભરમાં AIને કારણે લોકોની નોકરીઓ છીનવાઈ જવાનો ભય ઉભો થયો છે. જે ચિંતાનો વિષય છે. આર્થિક સર્વેક્ષણમાં જેનો ખાસ ઉલ્લેખ છે. આંતરરાષ્ટ્રીય નાણાંભંડોળે પણ તેની ચર્ચા કરી છે. જો કંપનીઓ ગમે તેમ તેના ઉપયોગની રીત અપનાવશે, તો નાણાંકીય વળતર માટેની માંગ બળવત્તર બની શકે છે. કામદારોને છૂટા કરી તેમના પગારનો ખર્ચ બચાવી AIનો ઉપયોગ કરનાર કોર્પોરેટ કંપનીઓના નફા પર સરકાર વેરો નાંખી શકે. આ અંગે ફ્રાન્સના પેરિસમાં ખાસ વૈશ્વિક શિખર પરિષદ AI સમિટ યોજાઈ ગઈ.
જેમાં AIને પારદર્શી, વિશ્વસનીય બનાવી તેના યથાયોગ્ય ઉપયોગ પર ભાર મૂકવામાં આવ્યો. એક સમાચાર મુજબ હાલમાં અમેરિકામાં AIને કારણે એક કંપનીએ તેના 400 કામદારોને છૂટા કર્યા. વળી, ભારત જેવા વિકાસશીલ દેશમાં કૃત્રિમ બુદ્ધિમતા કે AIની શ્રમબળ પર વેધક અસર પડી શકે. ટેકનોલોજી સંપૂર્ણ રીતે અવિશ્વસનીય કે ખરાબ નથી. પણ વિશ્વમાં જ્યારથી ટેકનોલોજીનો વિકાસ થયો, ત્યારથી જુદા-જુદા યંત્રો, ઓજારો કે સંશોધનોને લીધે લોકોની રોજગારી કંઈક અંશે છીનવાઈ તો રહી જ છે. આખરે વિવેકયુક્ત, સમજણપૂર્વક AIનો ઉપયોગ થાય તો તેના લાભો મળશે જ એમાં બે મત નથી. અન્યથા માનવીએ બનાવેલ ઉપકરણો માનવીને જ હાંસિયામાં ધકેલી દે એવું નથી લાગતું?
સુરત- કલ્પના વિનોદ બામણીયા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
