નવી દિલ્હી: દિલ્હી સર્વિસ બિલ મંગળવારે લોકસભામાં રજૂ કરવામાં આવ્યું હતું. તેને સત્તાવાર રીતે ગવર્નમેન્ટ ઓફ નેશનલ કેપિટલ ટેરિટરી ઓફ દિલ્હી (સુધારા) બિલ, 2023 નામ આપવામાં આવ્યું છે. આ બિલ પર ગુરુવારે લોકસભામાં ચર્ચા શરૂ થઈ હતી. આ દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે જવાહરલાલ નહેરુ, આંબેડકર અને સરદાર વલ્લભભાઈ પટેલે પણ દિલ્હીને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાનો પટ્ટાભી સીતારમૈયા સમિતિની ભલામણનો વિરોધ કર્યો હતો. તેમણે કહ્યું કે બંધારણમાં એવી જોગવાઈઓ છે જે કેન્દ્રને દિલ્હી માટે કાયદો બનાવવાની મંજૂરી આપે છે. વિપક્ષે આ બિલને સુપ્રીમ કોર્ટના આદેશ વિરુદ્ધ ગણાવ્યું હતું, પરંતુ એવું નથી.
કેન્દ્રને દિલ્હી અંગે કાયદો બનાવવાનો સંપૂર્ણ અધિકાર છે: શાહ
અમિત શાહે કહ્યું જ્યારે બિલ રજૂ કરવામાં આવ્યું ત્યારે થોડો વિરોધ થયો હતો. વિધાયકની યોગ્યતા પર સવાલ ઉભા થયા હતા. એવું કહેવામાં આવ્યું હતું કે તે SCના નિર્ણયની વિરુદ્ધ છે. અમિત શાહે કહ્યું કે હું વિપક્ષના સાંસદોને કહેવા માંગુ છું કે તમે ફક્ત તે જ વાંચ્યું છે જે તમને અનુકૂળ આવે છે. તમારે તમામ બાબતોને નિષ્પક્ષ રીતે ગૃહની સામે રાખવી જોઈએ. કેન્દ્રને દિલ્હી અંગે કાયદો બનાવવાનો સંપૂર્ણ અધિકાર છે.
ભાજપે કોંગ્રેસ સાથે કયારેય પણ ઝઘડો કર્યો નથી
અમિત શાહે વધુમાં ઉમેર્યું કે સંસદને રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ દિલ્હી સાથે સંબંધિત કોઈપણ મુદ્દા પર કાયદો બનાવવાનો અધિકાર છે. આ મુદ્દે ભાજપ-કોંગ્રેસ વચ્ચે ક્યારેય લડાઈ નથી થઈ. આ મુદ્દો 1993નો છે. પરંતુ કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે ક્યારેય કોઈ સમસ્યા ન હતી. કેન્દ્રમાં ભાજપ અને રાજ્યમાં કોંગ્રેસની સરકાર હતી. ક્યારેક કોંગ્રેસ કેન્દ્રમાં હતી તો ભાજપ દિલ્હીમાં ત્યારે પણ ક્યારેય ઝઘડો થયો ન હતો. ભાજપે કોંગ્રેસ સાથે કયારેય પણ ઝઘડો કર્યો નથી.
ગઠબંધન હોવા છતાં નરેન્દ્ર મોદી જ પૂર્ણ બહુમતી સાથે વડાપ્રધાન બનશે: અમિત શાહ
કેજરીવાલ પર નિશાન સાધતા શાહે કહ્યું કે વર્ષ 2015માં દિલ્હીમાં એક પાર્ટી સત્તામાં આવી હતી જેનો ઉદ્દેશ્ય માત્ર લડાઈ કરવાનો હતો સેવા કરવાનો ન હતો. રાજકારણમાં ભ્રષ્ટાચાર ચાલી રહ્યું છે. મુખ્યમંત્રી કરોડોના બંગલા બનાવે છે. શાહે વધુમાં કહ્યું- મારી અપીલ છે કે વિપક્ષના સભ્યોએ દિલ્હી વિશે વિચારવું જોઈએ. ગઠબંધન વિશે વિચારશો નહીં. ગઠબંધનથી ફાયદો થવાનો નથી. ગઠબંધન હોવા છતાં નરેન્દ્ર મોદી જ પૂર્ણ બહુમતી સાથે વડાપ્રધાન બનશે. કોંગ્રેસને ટાંકતા શાહે કહ્યું કે આ બિલ પાસ થયા પછી છેવટે તમે (AAP) આપ સાથે કોઈ ગઠબંધન કરવાના નથી.