અમદાવાદ: અમદાવાદ (Ahmedabad) શહેરના મણિનગર ભુલાભાઈ પાર્ક નજીક આવેલી એક ખાનગી ઇએનટી હોસ્પિટલના (Hospital) ઓપરેશન થિયેટરના કબાટમાંથી એક યુવતીની લાશ (Deadbody) મળી આવી હતી. ત્યારબાદ આ યુવતીની માતાની લાશ પણ હોસ્પિટલમાં પલંગ નીચેથી મળી આવતાં ચકચાર મચી ગઈ હતી. માતા-પુત્રીની લાશ મળી આવતાં સમગ્ર વિસ્તારમાં ભારે ખળભળાટ મચી ગયો હતો. આ ઘટનાને પગલે મૃતકના પરિવારજનોનાં ટોળેટોળાં હોસ્પિટલ પર પહોંચી ગયાં હતાં. પોલીસે (Police) આ સમગ્ર ઘટના અંગે તપાસ હાથ ધરી છે. આ ડબલ મર્ડરનું રહસ્ય ઉકેલવા પોલીસે ચક્રો ગતિમાન કર્યાં છે.
અમદાવાદ શહેરના મણિનગર ભુલાભાઈ પાર્ક નજીક આવેલી ડો.અર્પિત શાહની ખાનગી હોસ્પિટલમાં બુધવારે સવારે ઓપરેશન થિયેટરના કબાટમાંથી એક યુવતીની લાશ મળ્યા બાદ થોડાક કલાકો બાદ માતાની પણ હોસ્પિટલમાં પલંગ નીચેથી લાશ મળી હતી. આ બંનેની હત્યા કયા સંજોગોમાં અને કેવી રીતે કરવામાં આવી એ હજુ પોલીસ જાણી શકી નથી. પોલીસને મળતી પ્રાથમિક માહિતી મુજબ બુધવારે સવારે માતા અને પુત્રી એલજી હોસ્પિટલમાં જવાનું કહીને ઘરેથી નીકળ્યાં હતાં. ત્યારબાદ આ બંને માતા-પુત્રી ભુલાભાઈ પાર્ક નજીકની ડો.અર્પિત શાહની હોસ્પિટલે કઈ રીતે આવ્યાં? એ અંગે પોલીસે તપાસ શરૂ કરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં આ હોસ્પિટલમાં કામ કરતા મનસુખ નામના યુવક ઉપર શંકા જતાં તેની પૂછપરછ હાથ ધરી તેની અટકાયત કરવામાં આવી છે.
મૃતક મહિલાનું નામ ભારતીબેન વાળા હોવાનું બહાર આવ્યું છે, અને તે તેની માતાની સાથે નારોલ વિસ્તારમાં રહેતી હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે ભારતીબેનની સાસરી ભુલાભાઈ પાર્ક વિસ્તારમાં થાય છે, પરંતુ છેલ્લા 6 મહિનાથી ભારતીબેન નારોલ ખાતે તેની માતા સાથે રહેતી હતી.
મળતી માહિતી મુજબ ભારતીબેનની આ દવાખાનામાં કાનની સારવાર ચાલતી હતી. જેને કારણે ભારતી આ હોસ્પિટલમાં સારવાર માટે આવતી હતી. આજે પણ તેની માતા સાથે અહીં સારવાર માટે આવી હોવાનું પોલીસ માની રહી છે.
રહસ્યમય ડબલ મર્ડરની ઘટના અંગે મૃતક યુવતીના ભાઈએ જણાવ્યું હતું કે, મારાં મમ્મી અને બહેન સવારે 10 વાગે એલજી હોસ્પિટલમાં જવાનું કહીને ઘરેથી નીકળ્યાં હતાં. મારી બહેન અને માતા અહીં કેવી રીતે આવ્યાં? તે એક મોટો પ્રશ્ન છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક યુવતીને ઓવરડોઝ અથવા કોઈ ઇન્જેક્શન આપીને મોતને ઘાટ ઉતારવામાં આવી હોવાનું પોલીસ અનુમાન કરી રહી છે. જો કે, પોલીસે સીસીટીવી સહિતના તમામ સંયોગી પુરાવા એકત્ર કરી તપાસ શરૂ કરી છે.