ગાંધીનગર: ‘૨૧ ફેબ્રુઆરી વિશ્વ માતૃભાષા દિવસ’ની રાજ્ય કક્ષાની ઊજવણી અમદાવાદના (Ahmedabad) બોડકદેવ ખાતેના પંડિત દીનદયાળ ઓડિટોરીયમમાં કરાશે. આ ઉપરાંત આ દિવસે સવારે હાથીની અંબાડી ઉપર ગુજરાતી ભાષાના (Gujarati Language) પ્રસિદ્ધ પુસ્તકો (Book) અને ગ્રંથોની ૨ કિ.મી. સુધી શોભાયાત્રા નીકળશે. આ કાર્યક્રમમાં પ્રસિદ્ધ કવિ અને લેખકો પોતાના વિચારો રજૂ કરશે. ગુજરાતી ભજન, ગીત, ફટાણા, ઊર્મિગીતો, લોકગીતોની શિક્ષકોની સંગીત ટીમો દ્વારા સામ-સામે રજૂઆત કરાશે.
પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતી ભાષાનું પ્રસિદ્ધ ગીત જય સોમનાથ, જય દ્વારકેશની વેશભૂષા સાથે પ્રસ્તૃતિ કરાશે. વિશ્વ માતૃભાષા દિવસની થીમ પર રંગોળી તથા “મારી ભાષા મારૂં ગૌરવ” વિષય પર બાળકો અને શિક્ષકો દ્વારા સૂત્રોની પ્રસ્તુતિ કરાશે. જેનું રાજ્યમાં ૧૦૦ જેટલા સ્થળોએ નિદર્શન કરવામાં આવશે.
સવારે ૦૯-૦૦ થી ૧૧-૩૦ દરમિયાન ચાલનારા કાર્યક્રમનું BISAG દ્વારા રાજયની તમામ શાળા, કોલેજો અને યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ નિહાળી શકે તે માટે જીવંત પ્રસારણ થશે. રાજ્યની શાળાઓમાં પણ આ વિષયને કેન્દ્રમાં રાખી સ્પર્ધાનું આયોજન કરાશે. જિલ્લા કક્ષાએ પણ આ કાર્યક્રમોનું આયોજન પણ આ સમય સિવાય અલગ સમયે રાખવામાં આવશે.