Gujarat

અમદાવાદના સિંધુભવન રોડ પરથી 29 લાખના ડ્રગ્સ સાથે બે પેડલર ઝડપાયા

અમદાવાદ: અમદાવાદ (Ahmedabad) શહેરના સિંધુભવન રોડ (Sindhubhan Road) ઉપર ડ્રગ્સની ડિલિવરી કરવા આવેલા બે પેડલરોને (Paddlers) અમદાવાદની એસઓજી ટીમે 29 લાખના એમ.ડી. ડ્રગ્સ (MD Drugs) સાથે ધરપકડ (Arrest) કરી વધુ તપાસ હાથ ધરી છે. અમદાવાદ શહેર એસઓજી પોલીસની ટીમ સિંધુભવન રોડ ઉપર પેટ્રોલિંગમાં હતી. દરમિયાન બે શખ્સ ઈરફાન ઉર્ફે પોપટ સિંધી અને નયામતઅલી નાગોરી શંકાસ્પદ હાલતમાં જણાયા હતા. પોલીસે તેમની અટકાયત કરી તપાસ કરતાં તેની પાસેથી 296 ગ્રામ અંદાજે કિંમત રૂ.29 લાખનું એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું. પોલીસે આ બંને ડ્રગ્સ પેડલરોની ધરપકડ કરી પૂછપરછ કરતાં પ્રાથમિક તપાસમાં આ બંને આરોપી પાલનપુરથી અમદાવાદ સિંધુભવન રોડ ઉપર ડ્રગ્સની ડિલિવરી કરવા આવ્યા હતા. ઉપરાંત આ બંને આરોપી છેલ્લા છ મહિનામાં ત્રણવાર અમદાવાદ ડ્રગ્સની ડિલિવરી કરી ચૂક્યા છે. દરેક વખતે તેઓ અલગ અલગ કોડનો ઉપયોગ કરી જે-તે વ્યક્તિને ડિલિવરી આપતા હતા. પોલીસે આ બંને આરોપીઓની વધુ પૂછપરછ હાથ ધરી છે.

પોલીસે 29 લાખનું 296 ગ્રામ એમડી ડ્રગ્સ કબજે કર્યું
એસઓજીએ ઇરફાન ઉર્ફે પોપટ સિંધી અને નયામત અલી ખાન નાગોરી નામના બે શખ્સોની ધરપકડ કરી છે. આ બંને આરોપીઓ મૂળ પાલનપુરના રહેવાસી છે. જે બંને આરોપીઓ હાલ ડ્રગ્સની ડિલિવરી કરવા આવતા પહેલાં જ એસઓજીના હાથે ઝડપાઈ ગયા છે. આરોપીઓ પાસેથી પોલીસે 29 લાખનું 296 ગ્રામ એમડી ડ્રગ્સ કબજે કર્યું છે. જે બંને પાલનપુરથી ખાસ અમદાવાદના સિંધુ ભવન રોડ પર આપવા આવ્યા હતા.

6 માસમાં ત્રણવાર અમદાવાદમાં એમડી ડ્રગ્સની ડિલિવરી કરી
બંને આરોપીઓની પૂછપરછમાં સામે આવ્યું કે, તેઓ ખાસ એમડી ડ્રગ્સની ડિલિવરી કરવા જ આવ્યા હતા. આરોપીઓની તપાસમાં ચોંકાવનારી વાત સામે આવી હતી કે, તેઓ એક કોડવર્ડનો ઉપયોગ કરતા હતા. જે વ્યક્તિ સાથે ડિલ થાય તેના ભળતા નામ કે અન્ય પ્રકારના કોડવર્ડનો ઉપયોગ કરતા હતા. જેથી કોઈ ત્રાહિત વ્યક્તિ કે બોગસ વ્યક્તિ બનીને તેઓનો માલ ન પડાવી શકે અને ડિલ કરનાર વ્યક્તિના હાથમાં જ આ ડ્રગ્સ આપતા હતા. જે વ્યક્તિએ ડિલ કરી હોય તેની સાથે જ કોડવર્ડ નક્કી કરાયો હોય તે જ કોડવર્ડ ડ્રગ્સ લેવા આવનાર વ્યક્તિ આપે તો જ આ જથ્થો અપાતો હતો. આરોપીઓ અત્યાર સુધીમાં છેલ્લા 6 માસમાં ત્રણ વાર અમદાવાદ આવી એમડી ડ્રગ્સની ડિલિવરી કરી ચૂક્યા છે.

ડ્રગ્સ ક્યાંથી લાવ્યા અને કોને આપવાના હતા મામલે તપાસ શરૂ
ત્યારે આ ડ્રગ્સ આરોપીઓ કોની પાસેથી ડ્રગ્સ લાવ્યા અને કોને આપવાના હતા તે મામલે પોલીસે તપાસ શરૂ કરી છે. તો આરોપી ઈરફાન ઉર્ફે પોપટ અગાઉ મર્ડરના ગુનામાં દોઢેક વર્ષ પહેલાં જ જેલમાંથી બહાર આવ્યો હતો. તેની સામે અન્ય મારામારી અને ધમકી આપવાના પણ ગુનાઓ નોંધાઈ ચૂક્યા હોવાનું તપાસમાં સામે આવ્યું છે.

Most Popular

To Top