Gujarat

ધરોઈ ડેમ છલકાતાં સાબરમતી હિલોળે ચઢી, નદીકાંઠાના 14 ગામોને એલર્ટ કરાયા

ગાંધીનગર: (Gandhinagar) ઉત્તર ગુજરાતમાં થયેલા ભારે વરસાદને (Rain) કારણે સાબરમતી નદીમાં (Sabarmati River) પાણીની આવકમાં વધારો થતાં સાબરમતી નદીનું જળ સ્તર વધ્યું છે. છેલ્લા બે દિવસમાં વરસાદ થતાં સાબરમતી નદીમાં નવા નીરની આવક થઈ છે. ખાસ કરીને ઉત્તર ગુજરાતની (Gujarat) જીવાદોરી મનાતો ધરોઈ ડેમ છલકાતાં પાણી છોડવું શરૂ કરાયું છે, સાથે જ વાસણા બેરેજમાંથી પણ પાણી છોડાતાં સાબરમતી નદી બે કાંઠે વહેવા લાગી છે. એટલું જ નહીં, નદીકાંઠાના 14 ગામોને એલર્ટ કરાયા છે.

  • ધરોઈ ડેમ છલકાતાં સાબરમતી હિલોળે ચઢી, નદીકાંઠાના 14 ગામોને એલર્ટ કરાયા
  • ધરોઈના ચાર દરવાજા પાંચ ફૂટ ખોલી 28,366 ક્યુસેક પાણી છોડાયું
  • વાસણા બેરેજના 13 ગેટ ખોલી 16000 ક્યુસેક પાણી ડિસ્ચાર્જ કરાયું
  • ઉત્તર ગુજરાતના ભારે વરસાદને પગલે સાબરમતીમાં નવા નીરની આવક

ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન ધરોઈ ડેમ આજે છલકાયો છે. ધરોઇ ડેમના ચાર દરવાજા ખોલાયા છે. ચાર દરવાજા ૫ ફુટ ખોલી ૨૮૩૬૬ ક્યુસેક પાણી સાબરમતી નદીમાં ઠાલવવામાં આવી રહ્યું છે. ઉપરવાસમાં વરસાદના પગલે ૨૮૩૬૬ ક્સુસેક પાણીની ધરોઈ ડેમમાં આવક થઈ છે. હાલ ઘરોઇ ડેમ ૯૨.૮૦ ટકા ભરાયો છે. સ્પીલ વે માં ૨૭૫૧૬, બાય પાસ આઉટ લેટમાં ૬૦૦ જમણા કાંઠાની કેનાલમાં ૨૫૦ ક્યુસેક પાણીની જાવક થઈ રહી છે. આ કારણે અમદાવાદના મધ્યમાંથી વહેતી સાબરમતી નદીના જળસ્તરમાં વધારો થઈ રહ્યો છે.

ઉત્તર ગુજરાત અને રાજસ્થાનમાં વરસાદને પગલે સાબરમતી નદી અને તેની ઉપનદીઓમાં પાણીની આવક નોંધાઈ છે. સાબરમતી નદીમાં સતત બે દિવસથી નવી આવક નોંધાવવાને લઈ ધરોઈ ડેમના દરવાજા ખોલવાની સ્થિતિ ઉભી થઈ હતી. સોમવારે ધરોઈ ડેમના 4 દરવાજા ખોલવામાં આવ્યા છે. અમદાવાદમાં સાબરમતી નદીના છેડે આવેલા વાસણા બેરેજના 13 ગેટ ખોલવામાં આવ્યા છે.

9 દરવાજા 2.5 ફૂટ અને 2 દરવાજા 2 ફૂટ અને 2 દરવાજા 4 ફૂટ ખોલવામાં આવ્યા છે. વાસણા બેરેજમાંથી 16600 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. સાબરમતી નદીમાં હાલ નર્મદા મુખ્ય કેનાલમાંથી 8000 ક્યુસેક અને સંત સરોવરમાંથી 20000 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. બેરેજ ખાતે નદીનું લેવલ 127.50 ફૂટ રાખવામાં આવ્યું છે. સાબરમતી નદીના કાંઠાના 14 ગામોને પૂર એલર્ટી જારી કરાયું છે.

Most Popular

To Top