ગાંધીનગર: લોભ લાલચમાં સામાન્ય માણસો આવી જતા હોય છે, અને છેતરપિંડીનો ભોગ બનતા હોય છે. પરંતુ અમદાવાદમાં (Ahmedabad) એક જૈન મહારાજ સાહેબ લાલચમાં આવી ગયા અને ગઠિયાએ મહારાજ સાહેબનો પરિચય કેળવી 15 લાખની છેતરપિંડી (Fraud) કરી હતી. જોકે આ અંગે પોલીસ (Police) ફરિયાદ થતા શહેર ક્રાઈમ બ્રાન્ચે આરોપી ગઠિયાની ધરપકડ કરી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
- જૈન મહારાજે બહેનની બચતના નાણાં ગઠિયાને અપાવ્યા હતા પરંતુ ગઠિયાએ 15 લાખ પરત આપ્યા નહોતા
- જૈન મહારાજની બહેનએ પોલીસ ફરિયાદ નોંધાવતા ગઠિયાની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી
ગાંધીનગર કોબા- પીડીપીયુ રોડ ઉપર રહેતા રમીલાબેન પટેલે ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ આપી હતી કે, તેમના નાનાભાઈ અજય પટેલએ વર્ષોથી જૈન ધર્મમાં સંન્યાસ લીધો છે. અને તેઓ પન્યાસ ઇન્દ્રજીત વિજયના નામથી ઓળખાય છે. તેઓને ગુરુકુળ રોડ પર આવેલા જૈન મંદિરમાં સેવા કરવા માટે નિયુક્ત કરાયા હતા. ત્યારે 2019માં મહારાજ સાહેબ પન્યાસ ઈન્દ્રજીત વિજય સાથે નીતિન શાહ (રહે. યોગેશ્વર સોસાયટી, વાસણા, અમદાવાદ)નો પરિચય થયો હતો. નિતીન શાહે મહારાજ સાહેબ સાથે નિકટતમ સંબંધો કેળવીને પોતે ફાઇનાન્સનો ધંધો કરતો હોવાનું અને રોકાણકારોને દર મહિને બે ટકા વળતર આપતો હોવાનું કહ્યું હતું. આ વ્યાજની વાત સાંભળીને જૈન મહારાજ સાહેબ પણ લલચાયા હતા.
આથી મહારાજ સાહેબને એમ થયું કે પોતાના મોટા બહેનને પાછલી જિંદગીમાં આર્થિક મદદ મળી રહે તે માટે નીતિન શાહ પાસે બચતની રકમ વ્યાજે મૂકવા ભલામણ કરી હતી અને મહારાજ સાહેબે 25 લાખ રૂપિયા નીતિન શાહ પાસે વ્યાજે મૂક્યા હતા. જેની સામે નીતિન શાહે દસ લાખ રૂપિયાના અલગ અલગ ચાર ચેક ઓગસ્ટ 2020 થી જાન્યુઆરી 2021 દરમિયાનની તારીખોના આપ્યા હતા. નિતીન શાહે 50 50 હજારના બે ચેક, ચાર લાખના બે ચેક, અને પાંચ લાખ એમ કુલ 10 લાખ ચૂકવી આપ્યા હતા, પરંતુ બાકીના 15 લાખ રૂપિયા ચૂકવ્યા નહીં હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે. વારંવાર ઉઘરાણી કરવા છતાં કોઈ જવાબ આપવામાં આવતો ન હતો. આખરે આ અંગે પોલીસ ફરિયાદ થતાં પોલીસે આરોપી નીતિન શાહની ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.