અમદાવાદ: અમદાવાદ ફોરેન પોસ્ટ ઓફિસમાં અમેરિકામાંથી આવેલા પાર્સલમાંથી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને કંઈક એવી વસ્તુ મળી આવી છે કે તે જોઈને બધા ચોંકી ગયા છે. પોલીસને બાળકોના રમકડાંના પાર્સલમાંથી નશાકારક પદાર્થ મળી આવ્યો છે. પોલીસને હાઈબ્રિડ ગાંજો અને લિક્વિડ ડ્રગ્સ મળી આવ્યું છે, જેની બજારમાં કિંમત 3.50 કરોડ જેટલી થાય છે. પોલીસે આ જથ્થો કબ્જે લઈ તપાસ હાથ ધરી છે.
અત્યાર સુધી દરિયાઈ માર્ગે ડ્રગ્સ ભારતમાં ઘુસાડાતું હોવાનું ધ્યાન પર હતુ પરંતુ હવે એક મોટો ખુલાસો થયો છે. નશાના સોદાગરો હવે અમેરિકાથી પાર્સલ એટલે કે કુરિયરમાં નશાકારક પદાર્થ મંગાવી રહ્યાં છે.
સેન્ટ્રલ એજન્સી અને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમે અગાઉ સંયુક્ત રેઈડ કરીને રમકડાંની વચ્ચેથી હાઈબ્રિડ ગાંજો પકડ્યો હતો. આજે ફરી એકવાર કરોડોનું રિસિવિર કન્સાઈનમેન્ટ ક્રાઈમ બ્રાન્ચે પકડ્યું છે. 58 પાર્સલ કેનેડા અને અમેરિકાથી આવ્યા હતા, જેમાં ડાઈપર અને સાડીઓ સાથે નશાનો સામાન મળી આવ્યો હતો.
અમેરિકાથી અમદાવાદમાં આવેલું 3.30 કરોડના કુરિયરમાંથી હાઈબ્રિડ ગાંજો અને લિક્વિડ ડ્રગ્સ મળી આવ્યું છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને જાણ થતાં તાત્કાલિક ક્રાઈમ બ્રાન્ચે પાર્સલ કબ્જે લીધું હતું. અગાઉ જે પ્રમાણે ડાર્ક વેબથી ગાંજો ઓર્ડર કરીને મંગાવાતો હતો તે જ રીતે આ ડ્રગ્સ મંગાવાયું હોવાની આશંકા છે. આ ડ્રગ્સ પકડાયા બાદ આ વખતે પણ કોઈ રિસિવર મળ્યું નથી.
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર ડાઈપર, રમકડાં, સાડીની વચ્ચે છુપાવેલો ગાંજો, ડ્રગ્સ મળી આવ્યા છે. આ વખતે પણ રિસિવર મળ્યા નથી. નોંધનીય છે કે 14 દિવસ પહેલાં 7 લાખથી વધુની કિંમતના ડ્રગ્સ સાથે એક મહિલા પકડાઈ હતી.