ગાંધીનગર : અમદાવાદમાં (Ahmedabad) મેટ્રો ટ્રેન (Metro Train) સેવાનો આરંભ ચૂંટણીની (Election) જાહેર થાય તે પહેલા કરી દેવાય તેવા ચક્રો ગતિમાન થયા છે, ખાસ કરીને પીએમ (PM) નરેન્દ્ર મોદી આગામી તા.૨૯ અને ૩૦મી સપ્ટે. દરમ્યાન ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે ત્યારે તા.તા.૩૦મી સપ્ટે.ના રોજ પીએમ મોદી અમદાવાદમાં હેલ્મેટ સર્કલ પાસેથી મેટ્રો ટ્રેન સેવાને લીલી ઝંડી આપી શકે છે. ખાસ કરીને મેટ્રો ટ્રેન વિભાગ દ્વારા મેટ્રો રેલની સતત ટ્રાયલની કામગીરી ચાલી રહી છે. હજુ સુધી પીએમઓ તરફથી આ કાર્યક્રમને લીલીઝંડી મળી નથી. અલબત્ત, મેટ્રો રેલ તંત્ર દ્વારા પ્રથમ ફેઝમાં મેટ્રો રેલની સેવાનો આરંભ કરી દેવાય તે માટેની પૂરજોશમાં તૈયારી ચાલી રહી છે.
30 સપ્ટેમ્બરે એટલે કે નવરાત્રિના પાંચમા નોરતે જો વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફેઝ એકના મેટ્રો ટ્રેનને લીલી ઝંડી આપે તો અમદાવાદ શહેરમાં 40 કિમીના ફેઝ એકના સંપૂર્ણ રૂટ ઉપર મેટ્રો ટ્રેન સેવા લોકોને મળી રહેશે. જે ૪૦ કિલોમીટર રૂટમાં ઉત્તર દક્ષિણ કોરિડોરમાં વાસણા એપીએમસીથી મોટેરા સુધી અંદાજે 19 કિમી રૂટ જ્યારે પૂર્વ પશ્ચિમ કોરિડોરમાં વસ્ત્રાલ ગામથી થલતેજ ગામ સુધી અંદાજે 21 કિલોમીટરના રૂટમાં મેટ્રો ટ્રેન સંપૂર્ણપણે દોડતી થશે. આ બંને રૂટ ઉપર કુલ 32 સ્ટેશનો આવેલા છે કે જ્યાંથી શહેરીજનો મેટ્રો ટ્રેન સેવાનો લાભ લઈ શકશે. જેમાં વાસણા APMCથી મોટેરા સુધી અંદાજે 15 સ્ટેશન જ્યારે વસ્ત્રાલ ગામથી થલતેજ ગામ સુધી અંદાજે 17 સ્ટેશનનો સમાવેશ થાય છે.