Gujarat

દીવાલ તોડીને ડોક્ટર્સ હોસ્ટેલની ઇમારત સાથે અથડાયું વિમાન: 30થી વધુ ઇન્ટર્ન ડોકટર્સના મોત

એર ઇન્ડિયાનું વિમાન અમદાવાદમાં એક હોસ્ટેલના ડાઇનિંગ એરિયા સાથે અથડાયું ત્યારે ત્યાં હાજર ઘણા મેડિકલ વિદ્યાર્થીઓના મોત થયા હતા. વિમાન સરકારી બી.જે. મેડિકલ કોલેજના હોસ્ટેલના ડાઇનિંગ એરિયા પર પડ્યું જેમાં અંદર હાજર મેડિકલ ઇન્ટર્ન ડોક્ટર્સ ભોજન કરી રહ્યા હતા. વિમાનનો એક ભાગ ઇમારતની ટોચ પર ફસાઈ ગયો હતો. બચાવ કાર્યકરોએ જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં લગભગ 30 થી 35 મૃતદેહો સ્થળ પરથી બહાર કાઢવામાં આવ્યા છે અને ઘણા લોકો હજુ પણ કાટમાળમાં ફસાયેલા છે.

ગુજરાતના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના અધિક સચિવ ધનંજય દ્વિવેદીએ જણાવ્યું હતું કે અમદાવાદ સિવિલ હોસ્પિટલના વિદ્યાર્થી છાત્રાલય, સ્ટાફ ક્વાર્ટર્સ અને અન્ય રહેણાંક વિસ્તારો તે વિસ્તારમાં સ્થિત છે જ્યાં વિમાન ક્રેશ થયું હતું. તે વિસ્તારના રહેવાસીઓ પણ ઘાયલ થયા છે. લગભગ 50 ઘાયલ લોકોને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે. તેમની સારવાર કરવામાં આવી રહી છે.

વિમાનમાં લાગેલી આગથી નીકળતા ધુમાડાને કારણે હોસ્ટેલની ઇમારત સંપૂર્ણપણે કાળી પડી ગઈ છે. બધે કાટમાળ પડેલો દેખાય છે. હોસ્ટેલ ખંડેર જેવી બની ગઈ છે. લગભગ 50 ડોકટરો ઘાયલ થયા છે તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

દ્વિવેદીએ જણાવ્યું હતું કે બીજે મેડિકલ ખાતે ડીએનએ પરીક્ષણની વ્યવસ્થા કરવામાં આવી છે તેથી મૃતકોના પરિવારો અને નજીકના લોકો ખાસ કરીને તેમના માતાપિતા અને બાળકોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ તે સ્થળે તેમના નમૂનાઓ સબમિટ કરે. જેથી પીડિતોની ઓળખ શક્ય તેટલી વહેલી તકે થઈ શકે. તેમણે કહ્યું કે જો સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવેલા મુસાફરો અને અન્ય ઘાયલોના સંબંધીઓને કોઈ પ્રશ્નો હોય તો સિવિલ હોસ્પિટલ અમદાવાદે બે હેલ્પલાઇન નંબરો – 6357373831 અને 6357373841 જારી કર્યા છે.

Most Popular

To Top