ગાંધીનગર: અમદાવાદમાં (Ahmedabad) ટેલિગ્રામના માધ્યમથી રોકાણ કરવાના નામે વેપારી સાથે 2.46 કરોડની ઠગાઈ કરનાર બે આરોપીની અમદાવાદ (Ahmedabad) સાયબર ક્રાઈમ બ્રાન્ચ (Cyber Crime Branch) દ્વારા ધરપકડ (Arrest) કરાઈ છે. મેક માય ટ્રીપમાં હોટલના રેટિંગ વધારવા અને રોકાણના નામે છેતરપીંડી કરાઈ હતી. જે અંગે જયેશ સુરેશભાઈ વકીલે આપેલી ફરિયાદના આધારે પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી લીધી છે. જ્યારે મુખ્ય આરોપી તરીકે સુરતના (Surat) જયદીપને વોન્ટેડ (Wanted) જાહેર કરાયો છે.
- ટેલિગ્રામના માધ્યમથી અમદાવાદના શેરબજારના વેપારી પાસેથી મોટી રકમ પડાવી
- દેશભરમાં ઓનલાઈન ઠગાઈના 20 ગુનાના ભેદ ઉકેલાઈ ગયા
સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા ધરપકડ કરાયેલા બે આરોપીઓ ઋતુલ કાનાબાર અને નિકુંજ ઉર્ફે દિવ્યેશ ખેમાણીએ અમદાવાદના શેર બજારનું ટ્રેડિંગ કરનારા વેપારી સાથે 2.46 કરોડની ઠગાઈ આચરી છે. અમદાવાદના જયેશ વકીલને ટેલિગ્રામના માધ્યમથી રોકાણને લઈને એક મેસેજ મળ્યો હતો. જેમાં મેકમાય ટ્રીપની હોટલના રેટિંગ વધારવા અને રોકાણના જુદા જુદા ટાસ્કના બહાને આરોપીઓએ 2.46 કરોડનું રોકાણ કરાવીને છેતરપિંડી કરી છે. અમદાવાદ સાયબર ક્રાઇમ સમક્ષ ફરિયાદ નોંધાવતા પોલીસે ટેક્નિકલ એનાલિસિસ કરીને બંન્ને આરોપીની ધરપકડ કરીને ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે. દેશભરમાં આ આરોપીઓએ આચરેલા 20 ગુનાના ભેદ ઉકેલાયા છે.
આરોપી ઋતુલ કાનાબાર ઠગાઈના પૈસા માટે બેંક એકાઉન્ટ પ્રોવાઇડ કરતો હતો. સાથે જ સુરતનો આરોપી નિકુંજ ઉર્ફે દિવ્યેશ ખેમાણી બેંક એકાઉન્ટ ઉપયોગ કરવા લાવી અને કમિશન પેટે પૈસા લેતો હતો. ભોગ બનનાર વેપારીએ રોકાણ કરવાની લાલચમાં પહેલીવાર માત્ર 1500 રૂપિયા જમા કરાવીને પાછળથી 2.46 કરોડની ઠગાઈના ભોગ બન્યા હતાં.
સુરતનો જયદીપ જેલમાંથી ઠગાઈનું રેકેટ ચલાવતો હોવાની ચોંકાવનારી કેફિયત સામે આવી
સાયબર ક્રાઇમની તપાસમાં ટેલિગ્રામના માધ્યમથી ઠગાઈ કરનાર મુખ્ય વોન્ટેડ આરોપી જયદીપ સુરતનો છે. જે ઓનલાઈન ઠગાઈ કેસમાં પંજાબ પોલીસે ધરપકડ કરી લેતાં જેલમાં સજા કાપી રહ્યો છે. પરંતુ જેલમાં રહીને તેનો સાગરીત ઋતુલ કાનાબાર ઠગાઈના પૈસા અને બેંક એકાઉન્ટ મેનેજમેન્ટ કરતો હોવાનું સામે આવ્યું છે. ત્યારે ઠગાઈના 2.46 કરોડ રૂપિયા માટે 29 જેટલા બેંક એકાઉન્ટનો ઉપયોગ થયો હોવાનું તપાસમાં ખૂલ્યું છે.