Charchapatra

અમદાવાદ – સુરત સહિત દેશનાં આઠ શહેરોમાં વાયુ પ્રદૂષણથી એક લાખનાં મોત

નાસા અને યુરોપિયન સ્પેસ એજન્સીના સેટેલાઇટનો ડેટા તપાસીને હાવર્ડ યુનિવર્સિટી, લંડન યુનિવર્સિટીના સંશોધકોએ વાયુ પ્રદૂષણનો અહેવાલ  આપ્યો હતો. એ પ્રમાણે અમદાવાદ, સુરત સહિતનાં ભારતનાં આઠ શહેરોમાં વાયુ પ્રદૂષણના કારણે એક લાખ કરતાં વધુ લોકોનાં મોત થયાં હતાં. સંશોધકોએ એશિયા – આફ્રિકા અને મધ્ય પૂર્વનાં ૪૬ શહેરોનો અભ્યાસ કર્યો હતો. સાયન્સ એડવાંસ જર્નલમાં પ્રસિધ્ધ અહેવાલ પ્રમાણે ભારતનાં આઠ શહેરોમાં ૨૦૦૫ થી ૨૦૧૮ દરમ્યાન એક લાખ લોકો વાયુ પ્રદૂષણનો ભોગ બન્યાં હતાં. આ અહેવાલ ગંભીર અને ચિંતાજનક ગણાય.

સાર્વજનિક હિતને લક્ષમાં લઇને વાયુ – પ્રદૂષણ ઘટાડવા માટે કડક, નકકર અને અસરકારક પગલાંઓ લેવા અનિવાર્ય બન્યાં છે. ઓડ-ઇવન ફોર્મ્યુલા હજુ પણ વધુ ચોકસાઇ સાથે અને અન્ય તમામ વિકલ્પો ચકાસીને અમલમાં મૂકવાની જરૂર છે. વાયુ પ્રદૂષણ ઘટાડવા માટે ચીન, આર્જેન્ટિના, બ્રાઝિલ અને મેકિસકો જેવા દેશોમાં કેટલાંક શહેરોમાં કડક કાયદાઓ અમલમાં મૂકાયા છે અને તેના સખ્તાઇપૂર્વકના અમલને લીધે હકારાત્મક પરિણમો પ્રાપ્ત થયાં છે. આપણા દેશે આવાં પગલાંઓનો અભ્યાસ કરીને તેને અમલમાં મૂકવાની જરૂર છે. પંદર વર્ષથી વધુ જૂનાં વાહનોને રસ્તાઓ પરથી હટાવી દેવાની જરૂર છે. આ પગલાંથી વાતાવરણમાં છૂટતા હજારો ટન કાર્બન મોનોકસાઇડને અટકાવી શકાશે.
પાલનપુર  મહેશ વી. વ્યાસ આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top