Gujarat

બુલેટ ટ્રેનનું પહેલું શાનદાર રેલવે સ્ટેશન લગભગ તૈયાર થયું, જુઓ તસવીરો..

ગાંધીનગર: મેટ્રો ટ્રેન (Metro Train) પછી હવે ભારતની (India) પ્રથમ અમદાવાદ મુંબઈ (Ahmedabad-Mumbai) વચ્ચે શરૂ થવા જનારી બુલેટ ટ્રેનની (Bullet Train) રાહ જોવાઈ રહી છે. ત્યારે આ વચ્ચે હવે બુલેટ ટ્રેનની કામગીરી કયાં પહોંચી છે તે અંગેની માહિતી સામે આવી છે તેમજ આ બુલેટ ટ્રેન જે જે પ્લેટફોર્મ પર ઉભી રહેશે તે અંગે પણ માહિતી સામે આવી છે. તેમજ પ્લેટફોર્મ પણ જે તે સ્ટોપેજના ઐતિહાસિક મહત્વને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યાં છે.

જણાવી દઈએ કે અમદાવાદથી મુંબઈની સફર કે જેના માટે પેસેન્જરોએ 5 કલાકનો સમય વ્યતિત કરવો પડે છે તે આ બુલેટ ટ્રેન આવતા માત્ર 3 કલાકનો થઈ જશે. આ ઉપરાંત બુલેટ ટ્રેન 12 સ્ટેશન જેવા કે મુંબઈ, થાણે, વિરાર, વાપી, બિલિમોરા, સુરત, ભરૂચ, વડોદરા, આણંદ, નડિયાદ, કાલૂપુર અને સાબરમતી પર થોભશે.

જણાવી દઈએ કે અમદાવાદ અને મુંબઈ વચ્ચેનું અંતર 508 કિલોમીટર જેટલું છે. આ રુટ પર 21 કિલોમીટર અંડરગ્રાઉન્ડ તો 7 કિલોમીટર જેટલી અંડર વોટર ટ્રેન ચાલશે. જાણકારી મુજબ હાલ 30 હજાર જેટલા યાત્રાળુંઓ અમદાવાદથી મુંબઈ સફર કરે છે. તેમજ આશરે આટલા જ લોકો બાયરોડ અને પ્લેનમાં પણ સફર કરે છે.

હવે જાણવા જેવી વાત એ છે કે આ બુલેટ ટ્રેન જે જે સ્ટેશન પર ઉભી રહેશે તે તમામ સ્ટેશનને પણ ખાસ રીતે તૈયાર કરવામાં આવ્યાં છે. અમદાવાદ સ્ટેશનની વાત કરીએ તો અમદાવાદના સાબરતમતી આશ્રમ ખાતેથી ગાંધીજીએ મીઠા સ્તયાગ્રહની શરૂઆત કરી હતી તો આ સ્ટેશનને દાંડી કૂચ સ્તયાગ્રહની થીમ પર તૈયાર કરવામાં આવ્યું છે.

આ ઉપરાંત અમદાવાદના સાબરમતી એક્સટેન્શનમાં પણ એક જંકશનનું કામ પૂર્ણ થયું છે. જ્યાં બુલેટ ટ્રેન, મેટ્રો ટ્રેન, બીઆરટીએસ, ઈન્ડિયન રેલનું કનેક્શન હશે અને ત્યાંથી મુસાફરો આરામથી મુસાફરી કરી શકશે. અમૂલ દૂધનો ઈતિહાસ આણંદ સાથે જોડાયેલો છે જેના કારણે અહીંના સ્ટેશનને વ્હાઈટ રેવ્લયુશનની થીમ પર તૈયાર કરવામાં આવ્યું છે.

જણાવી દઈએ કે નડિયાદ આણંદનું સ્ટેશન જોઈન્ટમાં હશે. નડિયાદ આણંદ સ્ટેશન 425 મીટર લાંબુ, 34 મીટર પહોળું હશે. આના પર 10,500 ઘન મીટર કોંક્રિટ અને 2200 મેટ્રિક ટન સ્ટીલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત જાણકારી મળી આવી છે કે અમદાવાદથી મુંબઈ જતા રુટ પર કુલ 24 પુલ આવે છે.

ઉદ્યોગ જગતમાં અમદાવાદ મુંબઈ વચ્ચે શરૂ થનાર આ બુલેટ ટ્રેનથી ઘણી આશાઓ છે. ગુજરાત FICCIના અધ્યક્ષ રાજીવ ગાંધીએ કહ્યું છે કે “આ માત્ર સુપર ફાસ્ટ ટ્રેનની મુસાફરી સાથે બંને રાજ્યોમાં ઉદ્યોગોનો વિકાસ હશે, નવી રોજગારીની તકો ઉભી થશે અને પ્રવાસન પણ ઝડપથી વધશે જેના કારણે યાત્રાળુંઓને પણ આરામદાયક અને ઝડપી સફર પૂર્ણ થશે .”

Most Popular

To Top