Gujarat

અમદાવાદમાં હૃદય કંપાવનારી ઘટના: માતાની નજર સામે ડમ્પર નીચે કચડાઈ જતા બાળકનું મોત

અમદાવાદ: અમદાવાદ (Ahmedabad) શહેરમાં આજે એક કરૂણ ઘટના બની છે. 5 વર્ષના દીકરાને સ્કૂલે મૂકવા જઈ રહેલી એક્ટિવાચાલક મહિલાને ડમ્પરચાલકે અડફેટમાં લઈ લીધી. એક્ટિવા અને ડમ્પર વચ્ચે સર્જાયેલા આ અકસ્માતમાં (Accident) મહિલાના માસુમ 5 વર્ષના બાળકનું કરૂણ મોત નીપજ્યું છે. બાળકની માતા ઇજાગ્રસ્ત થઈ છે. તેને સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડાઈ છે.

આ ઘટના અમદાવાદ શહેરના પાંજરાપોળ વિસ્તારમાં આવેલી સહજાનંદ કોલેજ નજીક બની છે. જ્યાં માતા 5 વર્ષના દીકરાને એક્ટિવા પર શાળાએ મૂકવા જઈ રહી હતી અને રસ્તામાં જ એએમસીના ડમ્પરે તેને અડફેટમાં લીધી હતી. આ અકસ્માતમાં 5 વર્ષના બાળકનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું જ્યારે માતાને ઇજા પહોંચી હતી. ઇજાગ્રસ્ત માતાને સારવાર માટે નજીકની હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. આ બાળકનું નામ દેહર ભટ્ટ હોવાનું જાણવા મળ્યું છે.

મળતી માહિતી અનુસાર, નહેરુનગર તરફથી AMCનો કચરાનું ડમ્પર આવતું હતું અને તેને આ માતા અને દીકરાની એક્ટિવાને ટક્કર મારી દીધી હતી. બાળક દહેર એક્ટિવામાં આગળ બેઠો હતો. ડમ્પરની ટક્કરને કારણે તે એક્ટિવા પરથી ફંગોળાઈને નીચે પટકાયો હતો. તેની પરથી પૂરવેગે ડમ્પર ફરી વળ્યું હતું. ડમ્પરના ભારે ભરખમ ટાયર નીચે કચડાઈ જવાના લીધે બાળકના શરીરનો લોંદો બની ગયો હતો. અકસ્માત કર્યા બાદ ડમ્પરચાલક ઘટના સ્થળ પર જ ડમ્પર મૂકી ફરાર થઈ ગયો હતો. તેને લઈ પોલીસે ગુનો નોધ્યો છે અને તેને પકડવા માટે તપાસ શરૂ કરી દીધી છે.

દેહર ભટ્ટ આંબાવડી અમૃત જ્યોતિ સ્કૂલના જુનિયર કેજીમાં અભ્યાસ કરતો હતો, તેમજ તેનો આગામી 1 જૂને જન્મદિવસ હતો અને તેની માતાની સામે જ તેના દીકરાનું મોત નીપજ્યું. જે વ્યક્તિને હચમચાવીને રુંવડા ઉભા કરી દે તેવી ઘટના છે.

Most Popular

To Top