ગાંધીનગર : બોટાદના (Botad) બરવાળાના રોજીદ ગામે ઝેરી દારૂ (Alcohol) પીવાથી થયેલા મોતનો આંકડો 36 પર પહોંચ્યો છે. અન્ય કેટલાક લોકોને તેની ગંભીર અસર થઈ છે. હાલ આ લોકોની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર બરવાળાના લઠ્ઠાકાંડ મામલે એક પછી એક ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યાં છે. કહેવામાં આવી રહ્યું છે કે મૃતકોએ દારૂના બદલે 80 % કેમિકલ ગટગટાવી ગયા હતા. કેમિકલ ગટગટાવી જતા 36 લોકોના મૃત્યુ થયા છે જ્યારે અન્ય 30 જેટલા લોકોની સારવાર ચાલી રહી છે. આ ઘટના બાદ આમ આદમી પાર્ટીએ ટ્વીટર પર સરકારને સવાલોથી ઘેરી હતી. જ્યારે કોંગ્રેસે મોડી જાગી હોય તેમ રોજિદ ગામની મુલાકાત લીધી હતી. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર, ધારાસભ્ય જીગ્નેશ મેવાણી સહિતના કોંગ્રેસના આગેવાનો રોજિદ મૃતકના પરિજનોની મુલાકાત લેવા પહોંચ્યા હતા.
ગતરોજ લઠ્ઠાકાંડની ઘટનામાં 15 લોકો બરવાળા અને 9 લોકો ધંધૂકાના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. રોજિદ 5, ચદરવા 2, દેવગના 2, અણીયાલી 2, આકરું 3, ઉચડી 2, અન્ય ગામના 2ના મોત સામેલ છે. જ્યાર એક જ ગામના પાંચ મૃતકોની અંતિમયાત્રા એક ટ્રેક્ટરમાં નીકળતા પરિજનો સહિત ગામવાસીઓનો આક્રંદ જોવા મળ્યો હતો. એક જ ગામમાંથી 5ની અર્થી નીકળતા ગ્રામજનોમાં આંક્રદ જોવા મળ્યો હતો. તેમજ પાંચ પાચં મૃતદેહને એક જ સ્મશાનમાં લઈ જવાયા હતા પરંતુ સ્મશાનમાં માત્ર બે જ ચિતા હોવાથી કેટલાકની અંતિમ વિધિ જમીન પર કરવામાં આવી રહી છે. તો બીજી તરફ અંતિમયાત્રા સમયે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યું હતું. ગઈકાલ સાંજથી અત્યાર સુધીમાં ઝેરી દારૂ પિવાથી મોતને ભેટનાર લોકોનો આંકડો 36એ પહોંચ્યો છે. મળતી માહિતી અનુસાર દારૂની સાથે કેમિકલ ભળેલું હોવાથી 36લોકો મોતને ભેટ્યા છે જેમાંથી ભાવનગરના 3 વ્યક્તિના મોત નિપજ્યા જ્યારે 3 ની હાલત ગંભીર હોવાથી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
- SITની ટીમ સહિત ક્રાઈમ બ્રાન્ચ, ATS પણ કરી રહી છે તપાસ
- બરવાળા લઠ્ઠાકાંડ મામલે પોલીસે હાલ 14 બુટલેગરોની વિરુદ્ધ ફરિયાદ નોંધી
- મહિલા બુટલેગરો પણ સામેલ
- 14 બૂટલેગરો વિરુદ્ધ 302, 328 અને 120 મુજબ કલમ નોંધી ફરિયાદ નોંધાય
- 14 બુટલેગરોએ કેમિકલ ભેળવી રીતસર મોતની પોટલી વેંચી
તપાસ અધિકારીએ 36લોકોના ચોક્કસ મોતનો આંકડો આપ્યો છે. જ્યારે આની ગંભીર અસર 30 લોકોને થઈ હોવાનું સામે આવ્યું છે. આ મામલે SIT ટીમની રચના કરવામાં આવી છે. તેમજ ગૃહમંત્રી અને મુખ્યમંત્રીએ આ મામલે તાત્કાલિક રિપોર્ટ રજૂ કરવાના આદેશ આપ્યા છે. હાલ બરવાળા પોલીસે 14 બૂટલેગરો વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો છે. તેમજ તમામ આરોપીએ ભેગા મળી ઈરાદા પૂર્વક દારૂમાં કેમિકલ ભેળવી લોકોના મોત નિપજાવ્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. રોજીદ, ચોકડી, નભોઈ, ધંધુકા, રાણપરી, વૈયા અને પોલાર પુર સહિતના ગામોના બૂટલેગર પર બરવાળા PSIએ ફરિયાદ દાખલ કરી છે. દારૂ વેચવામાં કેટલી મહિલાઓ પણ સામે હોવાથી મહિલાઓ પર પણ કેસ નોંધવામાં આવ્યો છે.
આ કેમિકલ કોન લાવ્યું અને કોને આપવામાં આવ્યું તે દિશામાં પોલીસ દ્વારા તપાસ
મળતી માહિતી અનુસાર મૃતક 36 વ્યક્તિને દારૂના નામ પર મિથેનોલ કેમિકલ આપવામાં આવ્યું હતું. અને આ કેમિકલ આરોપી દ્વારા ચોરી કરવામાં આવ્યું હતું. AMOS કેમિકલ કંપનીમાંથી મેથિનોલ લવાયુ હતુ. ગુજરાત ATS,ક્રાઈમ બ્રાંચની ટીમ કંપની સુધી પહોંચી છે. તેમજ ક્રાઇમ બ્રાન્ચે આરોપી જયેશને કસ્ટીમાં લઈ પૂછપરછ કરી ત્યારે તેની ચોંકવનારા ખુલાસા સામે આવ્યા છે. આરોપી જયેશે 200 લિટર કેમિકલથી ભરેલા કન્ટેનરમાંથી થોડા પ્રમાણમાં મિથાઇલ કેમિકલ ચોરી કરી હોવાનો ઘટસ્ફોટ કર્યો છે. જયેશ 200 લીટર કેમિકલના 60,000 આપ્યા હતા.
ATSના સૂત્રો પાસેથી જાણવા મળ્યા અનુસાર આ કેમિકલ અમદાવાદથી સ્પલાય કરવામાં આવ્યું હતું. અને ત્યાર બાદ તેને બરવાળા, ચોકડી ગામે સ્પલાય કરવામાં આવ્યું જ્યાં જયેશનો સાગરીત પિન્ટુ લઠ્ઠો તૈયાર કર્યો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. હાલમાં ATS દ્વારા કેમિકલ સ્પાલયર દ્વારા કયાં કયાં બુટલેગરોને કેમિકલ સ્પલાય કરવામાં આવ્યો છે તેની તપાસ ચાલી રહી છે.
આ મામલે તપાસ અધિકારીએ દાવો કર્યો કે છે મૃતકોએ દારૂના બદલે કેમિકલ પીધું છે. આરોપી જયેશ અને તેના સાગરીતો સંજય, પિન્ટુએ દારૂના બદલે કોથળીમાં કેમિકલ વેંચી નાંખ્યું હતું. આ સાથે જ મુખ્ય આરોપી જયેશે કેમિકલ ચોર્યુ હોવાનો ખુલાસો પોલીસ પુછપરછમાં કર્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર અત્યાર સુધી 600 લિટર કેમિકલ તેમની પાસે આવ્યું છે. જેમાંથી SITની ટીમે 450 લીટર મિથેનોલ કેમિકલ કબ્જે કરી લીધું છે. સાથે જ ક્રાઇમ બ્રાન્ચની કસ્ટડીમાં આવેલા જયેશે 200 લિટર મિથેનોલ કેમિકલથી ભરેલા કન્ટેનરમાંથી થોડા પ્રમાણમાં મિથાઇલ કેમિકલ ચોર્યું હોવાનું જણાવ્યુ છે.