અમદાવાદ: અમદાવાદના ઈસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલને જામીન મળ્યા છે. હાઇકોર્ટે શરતી જામીન મંજૂર કર્યાં હોવાની વિગતો જાણવા મળી છે. પ્રજ્ઞેશ પટેલને કેન્સર હોવાથી સારવાર માટે તેમણે જામીન માટે અરજી કરી હતી. અગાઉ બે વખત જામીન અરજીને કોર્ટે ફગાવી દીધા બાદ આખરે આજે ગુજરાત હાઇકોર્ટે જામીન અરજી પર સુનાવણી કરતા પ્રજ્ઞેશ પટેલના શરતી જામીન મંજૂર કર્યાં છે.
તથ્ય પટેલે અકસ્માત સર્જ્યો ત્યાર બાદ બ્રિજ પર ઉભેલા લોકો રોષે ભરાયા હતા અને તથ્યને ઘેરી વળ્યા હતા ત્યારે તથ્યના પિતા પ્રજ્ઞેશ પટેલ ત્યાં પહોંચી ગયા હતા અને તથ્યને છોડાવવા માટે લોકોને ધમકી આપી હતી. આ કેસમાં પોલીસે પ્રજ્ઞેશ પટેલની ધરપકડ કરી હતી. 103 દિવસ બાદ પ્રજ્ઞેશ પટેલનો જામીન પર છુટકારો થયો છે. હવે તે બહાર રહી તથ્યને છોડાવવા પ્રયાસ કરશે.
શું છે સમગ્ર કેસ?
ગઈ તા. 19 જુલાઈની રાત્રે અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર એક અકસ્માત થયો હતો. તે બચાવ કામગીરી માટે કેટલાંક લોકો બ્રિજ પર ઉભા હતા અને પોલીસ તપાસ કરી હતી ત્યારે 140 કરતા વધુ ગતિમાં જેગુઆર કાર લઈને આવેલા તથ્યએ લોકોને કચડી નાખ્યા હતા. જોકે, તથ્યની અમુક જ કલાકોમાં ધરપકડ કરી લેવામાં આવી હતી. આ અકસ્માતની ઘટનાએ સમગ્ર ગુજરાતને હમચાવી મુક્યું હતું.
તથ્ય પટેલે આચરેલા કૃત્ય સામે 1700 પાનાની ચાર્જશીટ તૈયાર કરવામાં આવી હતી. જેમાં તેનો DNA રિપોર્ટ, FSL રિપોર્ટ સહિતની બાબતોનો ઉલ્લેખ ચાર્જશીટમાં કરવામાં આવ્યો હતો. માત્ર 10 દિવસની અંદર 9 લોકોને કચડી નાખનારા તથ્ય પટેલ સામેની ચાર્જશીટ અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં ફાઈલ કરી દેવામાં આવી હતી. જેમાં 50 લોકોના પોલીસને નિવેદન લીધા હતા. અકસ્માત સ્થળ રૂટના CCTV ફૂટેજ, તથ્યનો DNA રિપોર્ટ, FSL રિપોર્ટ સહિતનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.