અમદાવાદ: અમદાવાદના (Ahmedabad) મોટેરા સ્થિત નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Narendra Modi Stadium) ખાતે 14મી ઓક્ટોબરના રોજ ભારત અને પાકિસ્તાન (India-Pakistan) વચ્ચે વર્લ્ડકપની ક્રિકેટ મેચ રમનાર છે. આ મેચની ડુપ્લીકેટ ટિકિટ બનાવવાનું કૌભાંડ અમદાવાદમાંથી ઝડપાયું છે. પોલીસે ડુપ્લીકેટ ટિકિટ બનાવી વેચતા ચાર શખ્સોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
ભારત અને પાકિસ્તાન વચ્ચેની ક્રિકેટ મેચની ટિકિટો માટે લોકો ભારે પડાપડી કરી રહ્યા છે. ક્રિકેટ રસીયાઓ ઊંચા ભાવે પણ ટિકિટ ખરીદવા તૈયાર હોવાથી કેટલાક શખ્સોએ ડુપ્લીકેટ ટિકિટ બનાવી તેને વેચવાનું શરૂ કર્યું હતું. આ અંગે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને જાણ થતાં પોલીસે ડુપ્લીકેટ ટિકિટ વેચતા ચાર શખ્સોની ધરપકડ કરી તેમની પાસેથી 108 ડુબલીકેટ ટિકિટો જપ્ત કરી છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમે શહેરના બોડકદેવ વિસ્તારમાં આવેલી ક્રિષ્ના ઝેરોક્ષમાં દરોડો પાડીને ભારત પાકિસ્તાન મેચની ડુપ્લીકેટ ટિકિટો બનાવતા ચાર શખ્સો ઝેરોક્ષ માલિક ખુશ મીણા, રાજવીર ઠાકોર, ધૂમિલ ઠાકોર અને જયમીન પ્રજાપતિની ધરપકડ કરી તેમની પાસેથી મોબાઈલ ફોન, કોમ્પ્યુટર, મોનિટર, સીપીયુ, પેન ડ્રાઈવ, પ્રિન્ટર સહિત બે લાખનો મુદ્દામાલ તેમજ મેચની 108 નંગ ડુપ્લીકેટ ટિકિટ જપ્ત કરી હતી.
પોલીસે ચારે આરોપીઓની પૂછપરછ કરતા એવી હકીકત સામે આવી હતી કે આ શખ્સોએ 150 જેટલી ડુપ્લીકેટ ટિકિટો છાપી હતી અને તેમાંથી 50 જેટલી ટિકિટોનું તેઓએ વેચાણ કરી દીધું છે. રૂપિયા 2000 થી લઈ રૂપિયા 20000 લઈને ડુપ્લીકેટ ટિકિટોનું વેચાણ કર્યું હતું.
આ ચારેય શખ્સોએ આ મેચ દરમિયાન રૂપિયા કમાવવા માટે મેચની ડુપ્લીકેટ ટિકિટ બનાવવાનું નક્કી કર્યું હતું. નકલી ટિકિટ બનાવવા માટે એક ઓરીજનલ (અસલ) ટિકિટની જરૂર હોવાથી ધ્રુવીને તેના એક મિત્ર પાસેથી ઓરીજનલ ટિકિટ મંગાવી, ત્યારબાદ આ ચારેય શખ્સોએ કલર પ્રિન્ટર ખરીદીને ફોટો સોફ્ટવેરના આધારે ઓરીજનલ ટિકિટ પરથી ડુપ્લીકેટ ટિકિટ બનાવી તેની પ્રિન્ટ કાઢી હતી. ડુપ્લીકેટ ટિકિટો 2000 થી લઈ 20,000 સુધીની કિંમતે વેચતા હતા. આ ટિકિટ વેચવા માટે આ શખ્સો સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતા હતા. પોલીસે આ ચારેય યુવકો સામે વધુ તપાસ હાથ ધરી છે.