Gujarat

રાજ્યમાં એક જ દિવસમાં 9 લોકોના હાર્ટ એટેકથી મોત, ગરબા રમતા 3 લોકોના હૃદય બંધ પડી ગયા

અમદાવાદ: (Ahmedabad) ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં (District) 24 કલાકમાં 9 લોકોનાં હૃદયરોગના હુમલાથી મોત થયા છે. જેમાં ગરબા રમતાં રમતાં ત્રણ લોકોના હૃદય બંધ પડી જતાં તેમનાં મોત નીપજ્યાં હતાં. દ્વારકામાં હૃદય રોગના (Heart Attack) હુમલાથી 3 લોકો તેમજ રાજકોટમાં પણ 3 લોકોના મોત થાય હતા. આ પહેલા ગુરુવારે સુરતમાં બે યુવકોના હાર્ટએટેકને કારણે મોત નિપજ્યા હતા.

  • ગુજરાતમાં પાછલા 24 કલાકમાં હાર્ટ એટેકથી 9 લોકોએ ગુમાવ્યો જીવ
  • વડોદરામાં હાર્ટ એટેકથી 13 વર્ષીય બાળકનું મોત
  • દ્વારકામા 3 લોકોએ હાર્ટ એટેકથી જીવ ગુમાવ્યો
  • વડોદરા અને રાજકોટમાં 2-2 લોકોના મોત
  • સુરતમાં ગુરુવારે હાર્ટએટેકથી બે યુવકોએ જીવ ગુમાવ્યો હતો
  • રાજ્યમાં ગરબા રમતા રમતા 3 લોકોના હૃદય બંધ પડી ગયા

રાજ્યમાં અલગ-અલગ જિલ્લામાં 24 કલાકમાં જ 9 લોકોના મોત થયા હતા. દ્વારકામાં એક જ દિવસમાં ત્રણ લોકોના હાર્ટ એટેકથી મૃત્યુ થયા હતા. રાજકોટ જિલ્લામાં 3 લોકોના અને ખેડા જિલ્લામાં એક યુવકનું મોત થયું હતું. અમદાવાદમાં એક યુવકનું તેમજ વડોદરામાં 13 વર્ષના બાળકનું હાર્ટ અટેકથી મોત થયું હતું. આમ રાજ્યમાં અલગ અલગ જિલ્લામાં હાર્ટ એટેકથી થતા આરોગ્ય વિભાગની ચિંતામાં વધારો થયો છે. રાજકોટમાં વધુ 2નાં હાર્ટ-એટેકથી મોત થયાંના સમાચાર સામે આવ્યા છે. મધ્યસ્થ જેલમાં ચાલુ ફરજ દરમિયાન એટેક આવતાં કર્મચારી મોતને ભેટ્યો હતો જ્યારે રૈયા રોડ પર રહેતા બિલ્ડરનું બેભાન થયા બાદ મોત નીપજ્યું હતું.

અમદાવાદનો 24 વર્ષીય યુવક ગરબા રમવા માટે ગયો હતો જ્યાં તે ગરબા રમતા રમતા ઢળી પડ્યો હતો. બીજી તરફ કપડવંજમાં પણ 17 વર્ષીય કિશોરનું ગરબા રમતી વખતે હાર્ટ-એટેકથી મોત નીપજ્યું હતું. વડોદરામાં 13 વર્ષના કિશોરનું હૃદય બંધ પડી જતા મોત નીપજ્યું હતું. વડોદરામાં સોસાયટીમાં આયોજિત નવરાત્રિ મહોત્સવમાં ગરબા રમી રહેલા 55 વર્ષીય આધેડનું મોત થયું હતું.

દ્વારકામાં 4 દિવસમાં 5 લોકોના મોત
દ્વારકામાં 24 કલાકમાં હાર્ટ એટેકને કારણે 3 લોકોના મોત નિપજ્યાં છે. રામનગર ગામમાં 72 વર્ષના વૃદ્ધને હાર્ટ એટેક આવ્યો હતો. બીજી તરફ દ્વારકામાં 52 વર્ષિય આધેડનું હ્રદયરોગના હુમલાથી મોત નિપજ્યું હતું. મોટા અંબાલા ગામે 31 વર્ષીય યુવકનું પણ એટેક આવતા મોત નિપજ્યું હતું. દ્વારકા પંથકમાં છેલ્લા 4 દિવસમાં 5 લોકોને હાર્ટ એટેકથી મોત થયા છે.

સુરતમાં ધો-10નો વિદ્યાર્થી આરામ કરવા આડો પડ્યો પછી ઉઠ્યો જ નહીં
સુરત: સુરત શહેરમાં ગુરુવારે બે યુવકના હાર્ટ એટેકથી મોત નિપજ્યું હતા. જેમાં વેસુમાં સાંજે આરામ કરવા માટે આડા પડેલા 19 વર્ષીય યુવકને જમવા માટે ઉઠાડતાં તે ઊઠ્યો નહીં, જ્યારે અન્ય બનાવમાં ઇચ્છાપોરમાં 25 વર્ષીય ડમ્પર ચાલકનું હાર્ટ એટેકથી મોત નિપજ્યું હતું.

સૂત્રોના જણાવ્યા અનુસાર દાહોદ જિલ્લામાં મેહુલ નાથું માલીવાડ (19 વર્ષ) પરિવાર સાથે રહેતો હતો. મેહુલ દાહોદમાં ધોરણ-10માં અભ્યાસ કરતો હતો. મેહુલ નવરાત્રીના કારણે સુરતમાં વેસુ વિસ્તારમાં આવેલ રત્ના ચોકડી પાસે લેબર કોલોનીમાં રહેતા જીજાના ઘરે 5 દિવસ પહેલા આવ્યો હતો. ગુરુવારે સાંજે મેહુલ ઘરમાં આરામ કરવા માટે ઊંઘી ગયો હતો. થોડા સમય બાદ જમવા માટે જીજાએ મેહુલને ઉઠાડ્યો હતો પરંતુ મેહુલ ઉઠ્યો ન હતો. જેથી મેહુલને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા. જ્યાં મેહુલને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. મેહુલનું મોત હાર્ટ એટેકથી થયું હોવાનું તેના પરિવારે જણાવ્યું હતું.

Most Popular

To Top