અમદાવાદ: (Ahmadabad) આજથી ગુજરાતમાં ધો.10 અને ધો.12ની બોર્ડની પરીક્ષા (Board Exam) ચાલી રહી છે. તે દરમિયાન આજે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અમદાવાદના રખિયાલમાં આવેલી સી.એલ.સ્કૂલમાં પરીક્ષા દરમિયાન ધોરણ-12ના કોમર્સના વિદ્યાર્થીને ચાલુ પરીક્ષાએ હાર્ટ એટેક આવ્યો હતો. ત્યાર પછી તેને સરસપુરની શારદાબેન હોસ્પિટલમાં લઈ જવાયો હતો. વિદ્યાર્થીનું સારવાર દરમિયાન તેનુ મોત થયું છે. આ વાતની જાણ તેના પરિવારજનોને થતા શોકનો માહોલ છવાઇ ગયો હતો. માહિતી મુજબ આ વિદ્યાર્થીની (Student) ઓળખ અમાન આરીફ શેખ તરીકે થઇ છે.
- ચાલુ પરીક્ષામાં વિદ્યાર્થીને હાર્ટ એટેક આવ્યો
- શારદાબેન હોસ્પિટલમાં મૃત જાહેર કરવામાં આવ્યો
- અગાઉ વર્ષ 2018માં આવી જ એક ઘટના બની હતી
મળતી માહિતી મુજબ અમાન આરીફ શેખ નામનો વિદ્યાર્થી ગોમતીપુરમાં રહેતો હતો. તે રખિયાલની સી.એલ. સ્કૂલમાં બોર્ડની પરીક્ષા આપવા આવ્યો હતો. આ શાળાના શિક્ષકે જણાવ્યુ હતુ કે પરીક્ષાની શરૂઆતમાં જ વિદ્યાર્થીને ઉલટી થઈ હતી. ત્યાર બાદ અચાનક તેને ચેસ્ટ પેઈન થયું હતું. તેની તબિયત લથડતાની જાણ થતા જ વિદ્યાર્થીને તુરંત જ સારવાર માટે શારદાબેન હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાંથી તેના મૃત્યુના સમાચાર સામે આવ્યા છે.
આ ઘટના એવી હતી કે વિદ્યાર્થી એકાઉન્ટનું પેપર લખી રહ્યો હતો. તે દરમિયાન તેને એકાએક ઉલટી થઈ હતી અને હાર્ટ એટેક આવ્યો હતો. જેના પછી તેને સારવાર માટે શારદાબેન હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેને વેન્ટીલેટર પર રાખવામાં આવ્યો હતો. પરંતુ વિદ્યાર્થી જીદંગીની જંગ હારી ગયો હતો. આ અગાઉ પણ આવી જ એક ઘટના બની ચુકી છે. વર્ષ 2018માં આંકલાવમાં ધોરણ 12ના વિદ્યાર્થીનું ચાલુ પરીક્ષાએ મોત થયું હતુ. તે સંસ્કૃતનું પેપર લખી રહ્યો હતો. પરીક્ષા દરમિયાન અચાનક ચક્કર આવવાથી નીચે પડી જતા વિદ્યાર્થીનું મોત થયું હતું. તેને આંકલાવની રેફરલ-સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં લઈ જવામાં આવ્યો હતો જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.