અમદાવાદ વિમાન દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું મોત થયાના સમાચાર મળી રહ્યા છે. દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત જવા રવાના થઈ ગયા છે. વિજય રૂપાણીના મોતની અધિકારીક પુષ્ટિ કરવામાં આવી નથી. સૂત્રોના જણાવ્યા અનુસાર પ્લેન ક્રેશમાં મૃત્યુ પામેલા લોકોના મૃતદેહ ખરાબ રીતે દાઝી ગયા હોવાથી ઓળખ મુશ્કેલ થઈ રહી છે. આ ડેડબોડીમાં વિજય રૂપાણીની પણ બોડી હોવાની શક્યતા છે. જેથી DNA ટેસ્ટ બાદ જ તેમના મૃત્યુ અંગેની અધિકારીક પુષ્ટિ કરાશે. વિજય રૂપાણીની પ્લેનમાં અંતિમ ક્ષણોની તસ્વીર પણ સામે આવી છે.

પ્લેન ક્રેશમાં મૃત્યુ પામેલા મુસાફરો એટલી ખરાબ રીતે દાઝી ગયા છે કે તેમની ઓળખ મુશ્કેલ થઈ રહી છે. 50 થી 60 જેટલી ડેડબોડી એટલી ખરાબ હાલતમાં છે કે તેઓને ઓળખી શકાતા નથી. સૂત્રોના જણાવ્યા અનુસાર આ ડેડબોડીમાં વિજય રૂપાણીની બોડી હોવાની પણ શક્યતા છે. જેથી આ તમામ ડેડબોડીનું ડીએનએ પરીક્ષણ કરાયા બાદ ચોક્કસ જાણકારી સામે આવશે. બીજી તરફ સિવિલ હોસ્પિટલ ખાતે અફરાતફરીનો માહોલ છે. પ્લેનમાં જે મુસાફરો સવાર હતા તેમના સગા વહાલા પણ ઘટનાસ્થળે પહોંચી રહ્યા છે. જેમને પોલીસ સિવિલ હોસ્પિટલમાં મોકલી રહી છે. અનેક લોકો તેમના સંબંધીઓને શોધી રહ્યા છે.
જણાવી દઈએ કે વિજય રૂપાણીના નિધનને લઇને રાજ્યસભાના સાંસદ પરિમલ થવાણીએ X પર પોસ્ટ કરી હતી. જે બાદ તેમણે તે પોસ્ટને ડિલીટ કરી દીધી છે. બીજી તરફ ગાંધીનગરમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના ઘરે ભૂપેન્દ્ર ચુડાસમા પહોંચ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ પણ અમદાવાદ આવવા રવાના થઈ ગયા છે.
વિજય રૂપાણીએ 2016 થી 2021 સુધી ગુજરાતના 16મા મુખ્યમંત્રી તરીકે સેવા આપી હતી
વિજય રૂપાણી ભારતીય જનતા પાર્ટીના નેતા અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી હતા. વિજય રૂપાણીનો જન્મ રંગૂનમાં થયો હતો જે હવે મ્યાનમારના યાંગોન તરીકે ઓળખાય છે. રાજકીય ઉથલપાથલ પછી તેમનો પરિવાર 1960 માં ગુજરાતના રાજકોટમાં રહેવા ગયો. રૂપાણી શાળામાં હતા ત્યારે RSS શાખામાં જોડાયા હતા. આ પછી, તેઓ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ભાજપમાં જોડાયા. તેમણે 2014 માં વિધાનસભાની ચૂંટણી લડી અને રાજકોટ પશ્ચિમથી પેટાચૂંટણી જીતી. તેઓ 2006 થી 2012 સુધી રાજ્યસભાના સભ્ય પણ રહ્યા. વિજય રૂપાણીએ 2016 થી 2021 સુધી ગુજરાતના 16મા મુખ્યમંત્રી તરીકે સેવા આપી હતી.
રૂપાણી 7 ભાઈ-બહેનોમાં સૌથી નાના હતા
વિજય રૂપાણીનો જન્મ 2 ઓગસ્ટ 1956 ના રોજ મ્યાનમારના યાંગોનમાં થયો હતો. તેમની માતાનું નામ માયાબેન અને પિતાનું નામ રમણીકલાલ રૂપાણી છે. તેઓ 7 ભાઈ-બહેનોમાં સૌથી નાના હતા. મ્યાનમારમાં થયેલી રાજકીય ઉથલપાથલ દરમિયાન તેમનો પરિવાર 1960માં રાજકોટ આવીને સ્થાયી થયો હતો. વિજય રૂપાણીએ ગુજરાતની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી બીએ અને એલએલબીનો અભ્યાસ કર્યો હતો.
- વિજય રુપાણીની રાજકીય સફર
- 1971 માં આરએસએસ- જનસંઘમાં જોડાયા.
- 1976 ની કટોકટી સમયે ૧૧ મહિના જેલમાં રહ્યા
- 1996-1997 દરમિયાન રાજકોટના મેયરપદે રહ્યા
- 1998 માં ભાજપના ગુજરાત એકમના સચિવ બનાવ્યા
- 2006 માં ગુજરાત પ્રવાસનના ચેરમેન બન્યા
- 2006 થી 2012 દરમિયાન રાજ્યસભાના સભ્ય બન્યા
- 2013 માં નરેન્દ્ર મોદીના કાર્યકાળ દરમિયાન તેઓ ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના અધ્યક્ષ રહ્યા
- 2014 માં રાજકોટ પશ્ચિમથી ધારાસભ્યની ચૂંટણી જીતી
- 2014 માં આનંદીબેન પટેલ સરકારમાં ટ્રાન્સપોર્ટ મંત્રી બન્યા
- 2016 માં ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ બન્યા
- 7 ઓગસ્ટ 2016 ના રોજ ગુજરાતના મુખ્યમંત્રી બન્યા
- 2017 માં ભાજપે ગુજરાતમાં ચૂંટણી જીતી અને રૂપાણીને ફરીથી મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા.
- છેલ્લે ભાજપે પંજાબના પ્રભારી પણ બનાવ્યા
વિમાનમાં કુલ 242 લોકો સવાર હતા. જેમાં 217 મુસાફરો પુખ્ત વયના હતા. 11 બાળકો હતા અને 2 નવજાત શિશુ હતા. જયારે 169 ભારતીયો, 53 બ્રિટીશરો, 1 કેનેડીયન અને 7 પોર્ટુગીઝ નાગરિકો સવાર હતા. 232 મુસાફરો ઉપરાંત 10 ક્રૂ મેમ્બર હતા અને 2 પાયલટ હતા.