અમદાવાદ: (Ahmedabad) અમદાવાદના બોપલમાં પક્ષીનો જીવ બચાવવા જતા ફાયર મેને જ પોતાનો જીવ ગુમાવ્યાની ઘટના સામે આવી છે. બોપલમાં એક પક્ષી (Bird) પતંગની (Kite) દોરીના કારણે ફસાઇ ગયુ હતુ. આ અંગે ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ફાયર કર્મી પક્ષીનું રેસ્ક્યૂ કરવા સ્થળ પર પહોંચ્યા હતા. ફસાયેલા પક્ષીને રેસ્ક્યુ કરતા સમયે ફાયર મેન હાઇ ટેન્શન લાઇનને અડી ગયો હતો. કરંટ લાગતા તે ભડભડ સળગી ઉઠ્યો હતો અને સ્થળ પર જ તેનું મોત થયુ હતું.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે રેસ્ક્યુ કામગીરી દરમિયાન હાઇ ટેન્શનલાઇન ચાલુ રહી ગઇ હતી. જેના કારણે અનિલ પરમાર નામના ફાયર મેનનો જીવ ગયો હતો. ઘટનાની જાણ થતા ફાયર વિભાગના અધિકારીઓ સ્થળ પર પહોંચી ગયા હતા. જોકે રેસ્ક્યુ સમયે હાઇ ટેન્શન લાઇન ચાલુ રહી જવા બાબતે અનેક સવાલો ઊભા થઇ રહ્યા છે. સમગ્ર મામલે તપાસ શરુ કરવામાં આવી છે. તો બીજી તરફ મૃતકના પરિવારે લાશનો કબ્જો લેવાનો ઇનકાર કરી દીધો છે.
આ મામલે મૃતક અનિલ પરમારના પત્નીને વારસદાર તરીકે નોકરી અને વળતર આપવાની માંગ કરવામાં આવી રહી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના નોકર મંડળ દ્વાર હડતાલની ચીમકી આપવામાં આવી છે. હાઈ ટેન્શન વાયરની લાઈન બંધ કર્યા વગર કઈ રીતે ફાયરના કર્મચારી ત્યાં પહોંચીને કામ કરવા લાગ્યા તે તમામ બાબતો અંગે હાલ તપાસ શરૂ કરી દેવામાં આવી છે.