Gujarat

અમદાવાદ એરપોર્ટ પરથી પકડાયેલા 4 આતંકવાદીઓ ISIS આતંકી અબુના સંપર્કમાં હતા, ભારતમાં કરવાના હતા..

અમદાવાદઃ (Ahmedabad) ગુજરાતના એરપોર્ટ (Airport) પરથી ATSએ ચાર આતંકીઓની ધરપકડ કરી છે. આ તમામ આતંકવાદીઓ શ્રીલંકાના મૂળના હોવાનું કહેવાઈ રહ્યું છે. આ તમામ આતંકવાદીઓ અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયા છે. અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયેલા તમામ આતંકીઓ ISIS સાથે સંકળાયેલા છે. આતંકવાદીઓની ધરપકડ અંગે ગુજરાત DGP વિકાસ સહાયે પ્રેસ કોન્ફરન્સ દ્વારા માહિતી આપી હતી.

ગુજરાત ATSને મોટી સફળતા મળી છે. ગુજરાત એટીએસએ આજે અમદાવાદ એરપોર્ટ પરથી ISIS (ઈસ્લામિક સ્ટેટ ઑફ ઈરાક એન્ડ સિરિયા)ના ચાર આતંકવાદીની ધરપકડ કરી છે. મૂળ શ્રીલંકાના આ ચારેય લોકો અમદાવાદ એરપોર્ટ પર આવ્યા હોવાની સેન્ટ્રલ એજન્સીના ઇનપુટ બાદ આ ચારેય શખ્સને ઝડપી લેવામાં આવ્યા છે. આ ચારેય પાકિસ્તાનમાં રહેતા ISIS આતંકી અબુના સંપર્કમાં આવ્યા હતા. અબુએ ભારતમાં આતંકી પ્રવૃત્તિ માટે દુષ્પ્રેરણા આપી હતી.

અબુએ શ્રીલંકન કરન્સીમાં 4 લાખ આપ્યા હતા. તેમના મોબાઈલમાં અલગ અલગ વીડિયો છે કે જેમાં દેખાઈ રહ્યું છે કે તેઓ ISIS ના સક્રિય સભ્ય છે. જોકે પકડાયેલા આતંકીના કહેવા પ્રમાણે અબુએ પહેલા હથિયાર લેવાં કહ્યું હતું બાદમાં હુમલા કરવાની માહિતી આપવાની હતી. પ્રોટોન મેઈલ મારફતે અબુ અને આતંકીઓ સંપર્કમાં હતા. ચારેય આંતકી મૂળ શ્રીલંકાના કોલંબોના હતાં. પોલીસને તેમની પૂછપરછ દરમિયાન 2 મોબાઈલ, પાસપોર્ટ, ભારત અને શ્રીલંકાની કરન્સી અને ISIS નો ઝંડો મળ્યો હતો.

આ મામલે ડીજી વિકાસ સહાયે કહ્યું કે 18 મે ના રોજ ATS ના Dysp હર્ષ ઉપાધ્યાયને 4 વ્યક્તિ મોહંમદ નુસરત, મોહંમદ નુફરાન, મોહંમદ ફારિસ, મોહંમદ રઝદીન અંગે મહિતી મળી હતી. સાથે જ તેઓ ઈસ્લામિક સ્ટેટના સક્રિય સભ્યો હોવાની અને ભારતમાં કોઇપણ જગ્યાએ આતંકી પ્રવૃત્તિ કરવાના હોવાની માહિતી મળી હતી. તેઓ હવાઈ માર્ગે અથવા રેલ માર્ગે આવવાના હોવાની પણ માહિતીના આધારે પોલીસે અલગ અલગ ટીમો બનાવી હતી.

ડીજીના જણાવ્યા અનુસાર દક્ષિણ ભારતથી આવતી તમામ ટ્રેન અને ફ્લાઇટનું લિસ્ટ ચેક કર્યા બાદ જાણવા મળ્યું હતું કે ઇન્ડિગોની ફ્લાઈટ તેઓ આવનાર છે. કોલંબોથી પણ વેરિફિકેશન કરાયું હતું. અમદાવાદ એરપોર્ટ પર એટીએસની ટીમ બનાવી વોચ ગોઠવી હતી. ચારેય 19 તારીખે ચેન્નાઈ પહોંચ્યા અને ત્યાંથી સાંજે અમદાવાદ પહોંચ્યા હતા. અમદાવાદ એરપોર્ટ પર આવતાં જ પોલીસે તેમને પકડી લીધાં હતા.

તમને જણાવી દઈએ કે ગત વર્ષે ઓગસ્ટમાં પણ ATSએ રાજકોટમાંથી અલ કાયદા સાથે સંબંધના આરોપમાં ત્રણ લોકોની ધરપકડ કરી હતી. પ્રથમ દૃષ્ટિએ તેઓ પ્રતિબંધિત આતંકવાદી સંગઠન માટે લોકોને કટ્ટરપંથી બનાવવા અને આતંકવાદી પ્રવૃત્તિઓમાં સામેલ કરવા માટે બાંગ્લાદેશી હેન્ડલર માટે કામ કરી રહ્યા હતા.

Most Popular

To Top