Gujarat

અમદાવાદની 400 શાળાઓમાં સમયસર પુસ્તકો ન મળતાં બે અધિકારીઓને શો-કોઝ નોટિસ

અમદાવાદ: અમદાવાદ મહાનગરપાલિકા (AMC) સંચાલિત 400થી વધુ શાળાઓમાં (School) સમયસર ગુજરાતી (Gujarati) અને સંસ્કૃત (Sanskrit) વિષયના (Subject) પુસ્તકો (Book) પહોંચાડવામાં આવ્યા ન હતા. આ સમગ્ર બાબત શિક્ષણ મંત્રીના ધ્યાને આવતા આ પ્રકારની બેદરકારી દાખવા બદલ પાઠ્યપુસ્તક મંડળના બે અધિકારીઓને શો-કોઝ નોટિસ ફટકારવામાં આવી છે. જેના પગલે પાઠ્યપુસ્તક મંડળ તથા જિલ્લા શિક્ષાધિકારીની કચેરીના અધિકારીઓ – કર્મચારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે.

અમદાવાદ શહેરમાં મનપા સંચાલિત 400થી વધુ શાળાઓમાં પરીક્ષાઓ લેવાઈ ગઈ હોવા, છતાં આ શાળાઓમાં વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તક પહોંચાડવામાં આવ્યા ન હતા. પાઠ્યપુસ્તકો વગર જ વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાઈ હતી. વિદ્યાર્થીઓને સમયસર ગુજરાતી અને સંસ્કૃત વિષયના પુસ્તકો મળ્યા ન હતા. તેની જાણ શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરીયાને થતાં તેમણે તાત્કાલિક શિક્ષણ વિભાગને યોગ્ય પગલા લેવા જાણ કરી હતી. શિક્ષણ વિભાગ દ્વારા પાઠ્યપુસ્તક વિભાગના અધિકારીઓને ગંભીર બેદરકારી દાખવવા બદલ નોટિસ ફટકારવામાં આવી છે.

આ નોટિસના પગલે શિક્ષણ વિભાગના અધિકારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે. હવે જોવાનું એ રહ્યું કે, નોટિસ આપ્યા પછી આ પ્રકારની ગંભીર બેદકરકારી માટે અધિકારીઓને શું સજા કરવામાં આવે છે.

Most Popular

To Top