Gujarat

અંબાજી પ્રસાદ કેસમાં સંડોવાયેલા નીલકંઠ ટ્રેડર્સના માલિક જતીન શાહએ આત્મહત્યા કરી

અમદાવાદ: અંબાજી (Ambaji) મંદિરમાં મોહનથાળના પ્રસાદ કેસ મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. આ કેસમાં સંડોવાયેલા અમદાવાદના (Ahmedabad) નીલકંઠ ટ્રેડર્સના માલિક જતીન શાહએ આજે અમદાવાદના નારોલ વિસ્તારમાં પોતાના ઘરે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા (Suicide) કરી હોવાનું સામે આવ્યું છે.

  • અમદાવાદની પેઢીમાંથી ડુપ્લીકેટ ઘી અંબાજી પ્રસાદ માટે મોકલવામાં આવ્યું હતું

આ બનાવ અંગે મળતી માહિતી મુજબ અમદાવાદના માધુપુરા ખાતે આવેલી નીલકંઠ ટ્રેડર્સના માલિક જતીન શાહએ આજે નારોલ વિસ્તારમાં આવેલા પોતાના ઘરે કોઈક કારણોસર ગળેફાંસો લગાવીને આત્મહત્યા કરી હતી. આ આત્મહત્યા કયા કારણોસર કરવામાં આવી છે, તે હજુ સુધી જાણી શકાયું નથી, પરંતુ વેપાર ધંધાના કારણે આ અંતિમ પગલું ભર્યું હોવાનું પોલીસનું પ્રાથમિક અનુમાન છે.

અત્રે ખાસ ઉલ્લેખનીય છે કે પવિત્ર યાત્રાધામ અંબાજી મંદિરમાં મોહનથાળના પ્રસાદના નમૂનાઓ ફ્રુડ અને ડ્રગ્સ વિભાગ દ્વારા ચકાસવામાં આવ્યા હતા. જેમાં આ નમૂનાઓ ફેલ થયા હતા. જેની તપાસમાં અંબાજી મંદિરમાં પ્રસાદ માટે અમદાવાદની નીલકંઠ ટ્રેડર્સમાંથી નકલી ઘી મોકલવામાં આવ્યું હોવાનો આક્ષેપ હતો. આ મામલે પોલીસે જતીન શાહની ધરપકડ પણ કરી હતી.

અગાઉ અંબાજી મંદિરના પ્રસાદમાં ઘીના નમુના ફેલ થતાં સમગ્ર મામલો બહાર આવ્યો હતો. પ્રસાદ બનાવનાર મોહિની કેટરર્સનો કોન્ટ્રાક્ટ રિન્યુ કરાયો નથી, અને મોહિની કેટરર્સના મેનેજર સહિત સાત લોકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. બીજી તરફ મોહિની કેટરર્સને ઘીના ડબ્બા અમદાવાદની નીલકંઠ ટ્રેડર્સમાંથી પુરાં પાડવામાં આવ્યા હોવાનું બહાર આવતા અંબાજી પોલીસે ગઈકાલે મોડી રાત્રે અમદાવાદમાંથી નીલકંઠ ટ્રેડર્સના માલિક જતીન શાહની ધરપકડ કરી આ મામલે વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી હતી.

મળતી માહિતી મુજબ મોહિની કેટરર્સ દ્વારા અમદાવાદની નીલકંઠ ટ્રેડિંગ પેઢી પાસેથી 300 ઘીના ડબ્બા ખરીદવામાં આવ્યા હતા. આ ઘીના નમુના ચકાસણી બાદ ફેલ થયા હતા. જોકે મોહિની કેટરર્સ દ્વારા પ્રસાદ બનાવવાના કોન્ટ્રાક્ટ વખતે કરાયેલી કેટલીક શરતો અને કરારોનોનું ઉલ્લંઘન કર્યું છે. પ્રસાદ માટે વાપરવામાં આવતું ઘી માન્ય ડેરીના બદલે અન્ય જગ્યાએથી ખરીદ્યું છે. જેથી કરાર અને શરતોનું ઉલ્લંઘન થયું છે. આ સમગ્ર મામલે પોલીસ તપાસ હાથ ધરી હતી.

Most Popular

To Top