Gujarat

અમદાવાદ: દેશભરમાં પેરાસીટામોલ સહિતની નકલી દવાઓ વેચતા રેકેટનો પર્દાફાશ

અમદાવાદ: ગુજરાતના ફૂડ એન્ડ ડ્રગ વિભાગે (Food and Drug Department) નકલી દવા બનાવવાના રેકેટનો પર્દાફાશ કર્યો છે. ગુજરાતના ફૂડ એન્ડ ડ્રગ રેગ્યુલેટરી કમિશનરે ગુજરાતના (Gujarat) વિવિધ વિસ્તારોમાંથી નકલી દવાઓ (Counterfeit medicine) બનાવતી ફેક્ટરીઓ અને રાજ્યમાં તેમના વેચાણના રેકેટનો પર્દાફાશ કર્યો છે. ગુજરાત ફૂડ એન્ડ ડ્રગ રેગ્યુલેટરે અમદાવાદ, સુરત, વડોદરા, ભુજ અને ઇડરમાંથી આ રેકેટમાંથી રૂ. 1.75 કરોડથી વધુની કિંમતની નકલી એન્ટિબાયોટિક્સનો (Antibiotics) જથ્થો જપ્ત કર્યો છે.

  • અમદાવાદના ચાંગોદરથી નકલી દવાઓ વેચતા રેકેટનો પર્દાફાશ
  • ફાર્માકેમનો દિવ્યેશ જાગાણી આ ધંધાનો માલિક
  • દિવ્યેશ જાગાણીની અટકાયત કરી ફેક્ટરી સીલ
  • એઝિથ્રોમાસીન અને પેરાસીટામોલ સહિત 9 દવાઓના નમૂના વડોદરાની લેબમાં પરીક્ષણ માટે મોકલાયા
  • કાચા માલસામાન, મશીનો, નકલી દવાઓ, પેકિંગ સામગ્રી સહિત રૂ. 1.25 કરોડનો સામાન જપ્ત

પ્રાપ્ત વિગતો મુજબ અમદાવાદના ચાંગોદર સ્થિત ફાર્માકેમનો દિવ્યેશ જાગાણી આ ધંધો ચલાવતો હતો. દિવ્યેશે અન્ય કંપનીના નામ અને લાયસન્સ નંબરનો ઉપયોગ કરીને નકલી દવાઓ બનાવવાની ફેક્ટરી શરૂ કરવા માટે જરૂરી મશીનરી ગેરકાયદેસર રીતે ખરીદી હતી. હવે દિવ્યેશ જાગાણીની અટકાયત કરી ફેક્ટરી સીલ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત આ કેસમાં ફાર્માકેમના મુખ્ય આર્કિટેક્ટ તરીકે પાઈકૂન ફાર્મા પ્રાઈવેટ લિમિટેડના નરેશ ધનવાડિયાનું નામ આગળ આવ્યું છે. નરેશ ધનવાડિયા નકલી દવાઓ બનાવીને દેશભરમાં સપ્લાય કરતો હતો.

ફૂડ એન્ડ ડ્રગ રેગ્યુલેટરી કમિશનર એચ.જી. કોસીયાએ જણાવ્યું હતું કે દિવ્યેશ જાગાણીએ જ અન્ય કંપનીના નામ અને લાયસન્સ નંબરનો ઉપયોગ કરીને ગેરકાયદેસર રીતે એન્ટિબાયોટિક બનાવવા માટે જરૂરી મશીનો ખરીદ્યા હતા. ફૂડ એન્ડ ડ્રગ વિભાગે દવાઓ બનાવવા માટેના કાચા માલસામાન, મશીનો, નકલી દવાઓ, પેકિંગ સામગ્રી સહિત રૂ. 1.25 કરોડનો સામાન જપ્ત કર્યો છે.

આ ઉપરાંત ગેરકાયદેસર રીતે નકલી દવાઓ બનાવવાના અને લોકોના જીવ સાથે રમત કરવાના ગંભીર આરોપોને પગલે ફેક્ટરીઓ સીલ કરવામાં આવી છે. અહીં બનતી નકલી દવાઓ ભુજ, અમદાવાદ, વડોદરા, ઇડર મોકલવામાં આવતી હતી. તપાસ દરમિયાન આ ફેક્ટરીઓમાંથી લગભગ 51 લાખ રૂપિયાની દવાઓ જપ્ત કરવામાં આવી છે. આ સિવાય રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ વિભાગે એઝિથ્રોમાસીન અને પેરાસીટામોલ સહિત 9 દવાઓના નમૂના વડોદરાની લેબમાં પરીક્ષણ માટે મોકલ્યા છે.

Most Popular

To Top