રાજપીપળા: અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટથી કેવડિયામાં ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ વચ્ચેની સી-પ્લેન સેવા ફરીથી ખોરવાઈ છે. યાંત્રિક ખામીને દુર કરવા માટે એક જ મહિનાની અંદર બીજી વખત સી-પ્લેનને સર્વિસ માટે માલદિવ મોકલવામાં આવ્યું છે. જેને લીધે હાલ તો સી-પ્લેનની સેવા થોડા દિવસ માટે સ્થગિત કરી દેવામાં આવી છે. અમદાવાદમાં સી-પ્લેનના મેઇન્ટેનન્સ માટેની વ્યવસ્થા ન હોવાથી ત્રણ મહિનામાં બે વખત સી-પ્લેનને માલદિવ મોકલવામાં આવ્યું છે.
સૂત્રો દ્વારા મળતી વિગત મુજબ સી-પ્લેનને મેઇન્ટેનન્સ માટે માલદિવ મોકલવામાં આવ્યું છે અને ટુંક સમયમાં જ મુસાફરો માટે સી-પ્લેનની સેવા ફરીથી શરૂ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ અંતર્ગત કેન્દ્રની ઉડાન યોજના હેઠળ સી-પ્લેન સેવાનું ઉદઘાટન ગત વર્ષે 31 ઓક્ટોબર 2020 ના સરદાર પટેલ જ્યંતિ નિમિત્તે કરવામાં આવ્યું હતું. 28 દિવસ બાદ મેઇન્ટેન્ટસ માટે પરત માલદિવ ખાતે મોકલાતા તમામ ઓપરેશન સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા.
અમદાવાદ ખાતે સી-પ્લેન મેઈન્ટેનન્સ સેવા શરૂ કરાશે
મેઇન્ટેનન્સમાંથી પરત આ એરક્રાફ્ટ આવ્યા બાદ 27 ડિસેમ્બરથી આ સર્વિસ શરૂ કરવામાં આવી હતી. 31 ઓકટોબરે શરૂ થયેલી સી પ્લેન સેવા પર આ બીજી વખત બ્રેક લાગી છે. અમદાવાદ ખાતે સી-પ્લેન મેઈન્ટેનન્સ સેવા શરૂ કરવાની તજવીજ હાથ ધરવામાં આવનાર છે. પણ હજુ તે શરૂ ન થતા સી પ્લેનને ફરી માલદિવ મોકલવામાં આવ્યું છે. અમદાવાદ ખાતે સી પ્લેન મેઈન્ટેનન્સ સેવા શરૂ કરવાની તજવીજ હાથ ધરવામાં આવનાર છે. પણ હજુ તે શરૂ ન થતા સી પ્લેનને ફરી માલદિવ મોકલવામાં આવ્યું છે. આ બાબતે અધિકારીનું કહેવું છે કે 10 ફેબ્રુઆરીથી સી-પ્લેન સેવા ફરી શરુ થશે.