National

લોકસભા ચૂંટણી પહેલા આ રાજ્યમાં પેટ્રોલ થયું 15 રુપિયા સસ્તુ અને…

નવી દિલ્હી: લોકસભા ચૂંટણી પહેલા મોદી સરકારે કેટલાક મહત્વના નિર્ણયો લીધા છે. તેમજ દેશના ઘણાં રાજ્યોને નવ પ્રોજેક્ટ્સ સહિત અન્ય યોજનાઓના લાભ પણ આપ્યા છે. તેમજ હવે કેન્દ્ર સરકારે કેન્દ્રશાસિત પ્રદેશ લક્ષદ્વીપમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક સાથે મોટો ઘટાડો કર્યો છે.

કેન્દ્ર સરકારે લક્ષદ્વીપમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 15 રૂપિયાનો ઘટાડો કર્યો છે. લક્ષદ્વીપના એન્ડ્રોટ અને કલ્પેની ટાપુઓમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લિટર રૂ. 15.3 અને કાવારત્તી અને મિનિકોયમાં રૂ. 5.2 પ્રતિ લિટરનો ઘટાડો કરવામાં આવ્યો છે. કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ આ જાણકારી શેર કરી છે.

લોકસભા ચૂંટણીની તારીખો ટૂંક સમયમાં જાહેર થવાની છે. તારીખોની જાહેરાત સાથે જ દેશમાં આદર્શ આચારસંહિતા લાગુ થઈ જશે. જેના થોડા સમય પહેલા જ સરકારે ઈંધણના ભાવમાં ઘટાડો કરવાની જાહેરાત કરી છે. લોકસભા ચૂંટણીની તારીખો શનિવારે (16 માર્ચ) બપોરે 3 વાગ્યે જાહેર કરવામાં આવી રહી છે. ત્યારે સરકારે શુક્રવારે 15 માર્ચે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં બે રૂપિયાનો ઘટાડો કર્યો હતો. તેમજ હવે કેન્દ્રશાસિત પ્રદેશ લક્ષદ્વીપમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક સાથે મોટો ઘટાડો કર્યો છે.

પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલયે સોશિયલ મીડિયા પર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ભારે ઘટાડાની જાહેરાત કરી છે. મંત્રાલયે કહ્યું કે લક્ષદ્વીપમાં IOCL ચાર ટાપુઓ કાવારત્તી, મિનિકોય, એન્ડ્રોટ અને કાલપેનીને પેટ્રોલ અને ડીઝલ સપ્લાય કરે છે. IOCL પાસે કાવારત્તી અને મિનિકોયમાં ડેપો છે. કેરળના કોચીમાં IOCL ડેપોમાંથી આ ડેપોને સપ્લાય કરવામાં આવે છે.

પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ભારે ઘટાડા બાદ પેટ્રોલ-ડીઝલના ભાવ હવે લક્ષદ્વીપના તમામ ટાપુઓ પર પેટ્રોલની કિંમત રૂ. 100.75/લીટર અને ડીઝલની કિંમત રૂ. 95.71/લીટર થશે. જણાવી દઈએ કે ગઈકાલે કેન્દ્ર સરકારે સમગ્ર દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લીટર 2 રૂપિયાનો ઘટાડો કર્યો હતો. ચૂંટણી પંચ દ્વારા લોકસભા ચૂંટણીની તારીખની જાહેરાત થાય તે પહેલા જ આ નિર્ણય લેવામાં આવ્યો છે.

આટલો ભાવ ઘટાડો શા માટે?
પેટ્રોલના ભાવમાં ભારે ઘટાડાનું એલાન કરતા મંત્રાલયે જણાવ્યું હતું કે ખૂબ જ ઓછી અને અવ્યવહારુ જથ્થાને કારણે લક્ષદ્વીપ ટાપુઓના ડેપોમાં મૂડી ખર્ચને વસૂલવા માટે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 6.90 રૂપિયા પ્રતિ લિટરનો સમાવેશ કરવામાં આવ્યો હતો. છેલ્લા ત્રણ વર્ષથી તેનો સમાવેશ કરવામાં આવ્યો હતો, પરંતુ હવે રિકવરી પૂર્ણ થયા બાદ તેને દૂર કરવામાં આવી છે. આ સાથે જ પેટ્રોલ અને ડીઝલના આરએસપીમાં આશરે રૂ. 6.90 પ્રતિ લીટરનો ઘટાડો થશે, જેનાથી ગ્રાહકને ફાયદો થશે.

Most Popular

To Top