વડોદરા: ભાજપના પ્રદેશ સંગઠનમાં મોટા ફેરફારના એંધાણ જણાઈ રહ્યા છે. આજે પ્રદેશ મહામંત્રી તરીકેની જવાબદારી સાંભળતા વડોદરાના ભાર્ગવ ભટ્ટને પદેથી હટાવી દેવાયા છે. ચાર મહામંત્રીઓમાંથી હવે એક જગ્યા ખાલી પડી છે. જે સ્થાન કોણે અપાય છે તેના ઉપર સહુની નજર છે. જો કે તેઓની હકાલપટ્ટી પાછળ તેઓની નિષ્ક્રિયતા કે પછી સંગઠન ઉપરની પકડ ઓછી તે ચર્ચાનો વિષય બન્યો છે. ભાજપાના પ્રદેશ મહામંત્રી સી.આર. પાટીલ તથા મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલ એક દિવસ અગાઉ જ શહેરની મુલાકાતે હતા અને તેઓએ સંગઠનના આગેવાનો સાથે સર્કિટ હાઉસ ખાતે બેઠક પણ યોજી હતી.
જો કે બંધ બારણે મળેલ આ બેઠકમાં શું નિર્ણય લેવાયા તે બહાર નથી આવ્યું પરંતુ આ મુલાકાતના એક જ દિવસ બાદ પ્રદેશ મહામંત્રી તરીકેની જવાબદારી સાંભળી રહેલ ભાર્ગવ ભટ્ટને પદ પરથી હટાવી દેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પ્રદેશ ભાજપા દ્વારા આગામી લોકસભાની ચૂંટણીને લઈને અનેકવિધ નિર્ણયો લેવામાં આવી રહ્યા છે જેના ભાગરૂપે અગાઉ કેટલાક જિલ્લા પ્રમુખોના પણ રાજીનામાં લઇ લેવાયા હતા અને તેઓના સ્થાને નવા જિલ્લા પ્રમુખ બનાવાયા હતા. હવે પ્રદેશ સંગઠનમાં પણ ફેરફાર કરવામાં આવી રહ્યા છે.
અને સંગઠનમાં જે લોકો નિષ્ક્રિય જણાઈ રહ્યા છે તેઓને સંગઠન સિવાય અન્ય જવાબદારી સોંપવાની તૈયારીઓ કરી દેવામાં આવી છે. ત્યારે મધ્ય ગુજરાતનું પ્રતિનિધિત્વ કરી રહેલ ભાર્ગવ ભટ્ટને મહામંત્રી પદેથી હટાવી દેવાના નિર્ણયે શહેર ભાજપને પણ આંચકો આપ્યો છે. અને આ નિર્ણય કયા કારણોસર લેવાયો તે પણ ચર્ચાએ જોર પકડ્યું છે. ભાર્ગવ ભટ્ટ કે જેઓ વર્ષીથી પક્ષને વરેલા છે તેઓને હટાવવા પાછળ તેઓની નિષ્ક્રિયતા જવબદાર છે કે અન્ય કોઈ પરિબળ તે ચર્ચાનો વિષય બન્યો છે.