ગાંધીનગર: (Gandhinagar) કૃષિ વિભાગ (Agriculture Department) હસ્તકની કચેરીઓના કર્મચારીઓને પડતી મુશ્કેલીઓના નિવારણ તથા તેમને પ્રોત્સાહિત કરવા કૃષિ ભવન, ગાંધીનગર ખાતે કાર્યરત કચેરીઓની કૃષિમંત્રી (Agriculture Minister) રાઘવજી પટેલે (Raghavji Patel) આજ રોજ ઓચિંતી મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તમામ અધિકારી-કર્મચારીઓ નિયમિતતા અને પૂરી ક્ષમતા સાથે સંનિષ્ઠ પ્રયાસો થકી ખેડૂત કલ્યાણની યોજનાઓના લાભો સત્વરે મળી રહે તે માટે ખાતાના વડાઓને સૂચના આપી હતી. તેમજ કૃષિમંત્રીના કાર્યાલય અને ફિલ્ડ કચેરીઓ વચ્ચેનું અંતર ઘટાડીને સતત ઉત્તમ કામગીરી થકી ઉત્તમ પરિણામો મેળવવાના પ્રયાસ સતત ચાલુ રહેશે તેમ તેમણે ઉમેર્યુ હતું. કૃષિમંત્રીની મુલાકાત વેળાએ કેટલાયે કર્મચારીઓ ગેરહાજર હોવાની વિગતો જાણવા મળી હતી.
- કૃષિ ભવન ગાંધીનગર ખાતે કૃષિમંત્રી રાઘવજી પટેલે આજ રોજ ઓચિંતી મુલાકાત લીધી
- કૃષિમંત્રીની મુલાકાત વેળાએ કેટલાયે કર્મચારીઓ ગેરહાજર હોવાની વિગતો જાણવા મળી હતી
- તમામ કર્મીઓ નિયમિત કામગીરી કરે તે માટે આપી સૂચના
તમામ કર્મીઓ નિયમિત કામગીરી કરે તે માટે આપી સૂચના
કૃષિ પ્રધાને આ મુલાકાત વેળાએ કૃષિ ભવન ખાતે આવેલ ખાતાના વડાની કચેરીઓ કૃષિ નિયામકની કચેરી, બગાયત નિયામકની કચેરી, પશુપાલન નિયામકની કચેરી, ગુજરાત કૃષિ યુનિવર્સિટી કાઉન્સીલ અને પશુધન વિકાસ બોર્ડની ઓચિંતી મુલાકાત લીધી હતી. અને કચેરીમાં હાજર અને ગેરહાજર કર્મચારીઓની વિગતો મેળવી તેમજ તમામ કચેરીઓની ઓફિસની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. કૃષિમંત્રીએ ખાતાના વડાની કચેરીઓમાં આવેલ કર્મચારીઓ માટેની પ્રાથમિક સુવિધાઓની જાણકારી મેળવી અને વધુ યોગ્ય સુવિધાઓ માટે સૂચનો કર્યા હતા.
કૃષિમંત્રીએ કર્મચારીઓને પ્રોત્સાહિત કર્યા હતાં
કચેરીમાં નિયમિત આવતાં કર્મચારીઓને પ્રોત્સાહન આપ્યું તેમજ તમામ કર્મચારીઓ કચેરીમાં સમયસર હાજરી આપી તેમની પૂરી ક્ષમતાથી પ્રજાના પ્રશ્નોને વાચા આપવા સતત કામગીરી કરે તે માટે ખાતાના વડાઓને સૂચનાઓ આપી હતી. તેમણે કહ્યું હતું કે નિષ્ઠાવાન કર્મચારીઓની સમર્પિત કામગીરી થકી જ આપણે નાગરિકોને ઉત્તમ સેવાઓ પૂરી પાડી શકીએ છે એમ જણાવી કૃષિમંત્રીએ કર્મચારીઓને પ્રોત્સાહિત કર્યા હતાં.