Gujarat

રાજ્યમાં સૌપ્રથમવાર ડિજિટલ માધ્યમથી 11મી ખેત વિષયક ગણના થશે

ગાંધીનગર : કેન્દ્ર સરકાર દ્વારા અગિયારમી ખેત વિષયક ગણના (Agricultural Census) વર્ષ ૨૦૨૧-૨૨ સમગ્ર દેશમાં સૌ પ્રથમવાર સંપૂર્ણ ડિજિટલ માધ્યમથી (Digital Media) કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. તેના ભાગરૂપે રાજ્યમાં પણ અગિયારમી ખેત વિષયક ગણનાની શરૂઆત કરવામાં આવી અને અધિક મુખ્ય સચિવ (મહેસૂલ)ના અધ્યક્ષ સ્થાને રાજ્યકક્ષાની તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું.

એગ્રિકલ્ચર સેન્સસ યુનિટના સંયુક્ત ખેતી નિયામકના સુત્રોના જણાવ્યા પ્રમાણે સ્માર્ટફોન, ટેબ્લેટ, લેપટોપ, પર્સનલ કોમ્પ્યુટર જેવા હાથવગા ઉપકરણોના ઉપયોગ થકી વેબ પોર્ટલ તથા મોબાઈલ એપ્લિકેશન મારફત સંપૂર્ણ ડિજિટલ માધ્યમથી થનાર છે. રાજ્યમાં ૧૧મી ખેત વિષયક ગણના માટે રાજ્યના મહેસૂલ વિભાગ અને કૃષિ નિયામક કચેરી સ્થિત એગ્રિકલ્ચર સેન્સસ યુનિટ દ્વારા ખેત વિષયક ગણનાની કામગીરી સાથે જોડાયેલા તમામ જિલ્લાના અધિક કલેક્ટર અને અન્ય જિલ્લા કક્ષાના અધિકારી/કર્મચારીઓ માટે આ નવીન પદ્ધતિથી કરવાની થતી ખેતી વિષયક ગણનાની કામગીરીની વિસ્તૃત તાલીમનું તા. ૧૯/૧૦/૨૦૨૨ના રોજ વિડીયો કોન્ફરન્સ માધ્યમથી આયોજન કરવામાં આવ્યું હતું.

એગ્રિકલ્ચર સેન્સસ યુનિટના સંયુક્ત ખેતી નિયામક(એ.સે.) એમ. બી. પટેલ દ્વારા ખેત વિષયક ગણનાની કામગીરીનું મહત્વ અને ઉદ્દેશો વિષે જાણકારી આપવામાં આવી હતી. ખેડૂતોના વિકાસલક્ષી કાર્યક્રમોનું આયોજન તેમજ સામાજિક-આર્થિક નીતિ ઘડતર અને રાષ્ટ્રીય પ્રાથમિકતાઓની સ્થાપના માટે ખેત વિષયક ગણનાની માહિતીની ઉપયોગ કરવામાં આવે છે તેમજ ઉક્ત માહિતી રાષ્ટ્ર તેમજ આંતરાષ્ટ્રીય કક્ષાએ જરૂરિયાત હોય છે.

નાયબ ખેતી નિયામક ડૉ. એમ. કે. ત્રિવેદી દ્વારા પાવરપોઈંટ પ્રેઝન્ટેશન દ્વારા સંપૂર્ણ વેબ પોર્ટલ અને મોબાઈલ એપ્લિકેશનથી ભરવાના થતાં તબક્કાવાર શિડ્યુલની વિસ્તૃત સમજ સાથે તાલીમ આપવામાં આવી તેમજ ખેત વિષયક ગણનાની કામગીરી સાથે જોડાયેલ કેન્દ્ર સરકાર દ્વારા નિયુકત કરેલ સંસ્થા NIELlT-કોલકાતાના અધિકારી દ્વારા લાઈવ પોર્ટલ મારફતે ઉપસ્થિત તમામ અધિકારીઓને જાણકારી આપવામાં આવી હતી.

Most Popular

To Top