આણંદ : આણંદ કૃષિ યુનિવર્સીટી ખાતે વિદ્યાર્થીઓ માટે ‘સ્ટાર્ટઅપ સેન્સિટાઈઝેશન પ્રોગ્રામ’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને કૃષિ ક્ષેત્રમાં ઉદ્યોગસાહસિકતાની તકો અને સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઈનોવેશન પોલિસીના લાભો વિશે જાગૃત કરવાનો હતો. આ કાર્યક્રમમાં 500થી વધુ વિદ્યાર્થીઓ, યુનિવર્સિટી અધિકારીઓ, શિક્ષકો અને અન્ય મહાનુભાવોએ હાજરી આપી હતી. આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતે ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યમાં ઉજવાઈ રહેલા ‘સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ રિસર્ચ એન્ડ ઈનોવેશન ફેસ્ટિવલ’ના ભાગરૂપે વિદ્યાર્થીઓ માટે ‘સ્ટાર્ટઅપ સેન્સિટાઈઝેશન પ્રોગ્રામ’નું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન સંસદ સભ્ય મિતેશભાઈ પટેલે એક પ્રેરણાદાયી વક્તવ્ય આપ્યું, કૃષિ-ઉદ્યોગસાહસિક હોવાનો પોતાનો અંગત અનુભવ જણાવ્યો અને વિદ્યાર્થીઓને પોતાના સ્ટાર્ટ-અપ્સ શરૂ કરવા તથા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરવામાં યોગદાન આપવા માટે પ્રેરિત કર્યા હતા. વધુમાં, તેમણે સ્ટાર્ટઅપ્સને સહાય આપતી ગુજરાત સરકારની વિવિધ યોજનાઓ અને પ્રયત્નો પર પણ પ્રકાશ પાડ્યો હતો.
આણંદ કૃષિ યુનિવર્સિટીના કુલપતી ડો.કે.બી.કથીરીયાએ જણાવ્યું હતું કે કૃષિ ક્ષેત્રમાં વ્યવસાય શરૂ કરવા માટે અઢળક તકો ઉપલબ્ધ છે અને વિદ્યાર્થીઓએ ખેડૂતોને મદદ કરી શકે તેવા એગ્રી-સ્ટાર્ટઅપના નિર્માણ તરફ કામ કરવું જોઈએ.
આણંદ કૃષિ યુનિવર્સિટીના મહાનુભાવો, ડો. એમ. કે. ઝાલા, સંશોધન નિયામક, ડો.જી.આર.પટેલ, કુલસચિવ અને ડો સમિત દત્તા, પ્રિન્સિપાલ એન્ડ ડીન, એફ.પી.ટી. અને બી.ઈ.કોલેજએ વિદ્યાર્થીઓને નવા વિચારો પર કામ કરવા અને સરકારની વિવિધ યોજનાઓ લાભ લઇને પોતાના સ્ટાર્ટઅપ શરૂ કરવા માટે પ્રેરિત કર્યા હતા.