Editorial

કૌશલ્ય તાલીમ અને નોકરીઓની યોગ્ય વ્યવસ્થા નહી હશે તો અગ્નિવીરોનો પ્રથમ બેચ નિવૃત થશે ત્યારે નવી અંધાધૂંધી સર્જાઇ શકે

આ મહિનાની ૧૪મી તારીખે કેન્દ્ર સરકાર દ્વારા લશ્કરી ભરતી માટે એક નવી યોજના જાહેર કરવામાં આવી જેને અગ્નિપથ નામ આપવામાં આવ્યું. આ યોજના હેઠળ નવયુવાનોને ચાર વર્ષના સમયગાળા માટે લશ્કરમાં ભરતી કરવાની  યોજના છે. ૧૮ વર્ષે યુવાન લશ્કરમાં જોડાય અને ૨૧ વર્ષનો થાય ત્યારે નિવૃત થાય, અને નિવૃતિ સમયે તેને અપાનાર ભંડોળમાંથી તે પોતાનું કોઇ નાનુ ઉદ્યોગ સાહસ કરી શકે કે આગળ અપાનારી કૌશલ્ય તાલીમનો લાભ લઇને કોઇ  સારી નોકરીમાં જોડાઇ શકે તેવી આ યોજના છે. અગ્નિપથ યોજના હેઠળ ભરતી થયેલા સૈનિકોને નિવૃતિ પછી પેન્શન મળશે નહીં, જ્યારે કે રેગ્યુલર કેડરના સૈનિકોને આજીવન પેન્શન મળે છે અને જનલર ડ્યુટી પરનો સૈનિક ૩૫થી  ૪૦ વર્ષની વય વચ્ચે નિવૃત થાય તેના પછી તે પેન્શન મેળવવાની સાથે અન્ય કોઇ નોકરી પણ કરી શકે છે.

આ અગ્નિપથ યોજના હેઠળ ભરતી થયેલા સૈનિકોને અગ્નિવીર કહેવાશે એમ પણ જાહેર કરવામાં આવ્યું. આ અગ્નિપથ  યોજના જાહેર કરવામાં આવી ત્યારે સરકારે કદાચ બિલકુલ ધાર્યુ ન હશે કે તેની સામે આટલો પ્રચંડ વિરોધનો વંટોળ ઉભો થઇ જશે. યોજના જાહેર થઇ તેના બીજા જ દિવસથી વિરોધ પ્રદર્શનો શરૂ થઇ ગયા અને ત્રીજા દિવસે તો વિરોધ  પ્રદર્શનો હિંસક તોફાનોમાં પણ ફેરવાઇ ગયા. જે રાજ્યોમાંથી વધુ પ્રમાણમાં યુવાનો લશ્કરમાં જોડાતા હોય છે તે જ રાજ્યોમાં સ્વાભાવિક રીતે તોફાનો વધુ થયા. લશ્કરમાં ભરતી થવા માગતા યુવાનોનો અગ્નિપથ યોજના સામેનો આક્રોશ  અનેક કારણોસર હતો.

આ યોજના હેઠળ માત્ર ચાર વર્ષ માટે જ સૈનિકોને ભરતી કરાશે અને તેમને પેન્શન પણ નહીં મળે તે બાબત આ યુવાનોને કદાચ ઘણી અકળાવી રહી હતી. વળી, જેમણે લશ્કરમાં ભરતી માટે અગાઉ શારીરિક  કસોટી પાસ કરી છે અને લેખિત કસોટીની રાહ જોઇ રહ્યા હતા તેમને હવે ફરીથી અગ્નિપથ યોજના હેઠળ નવેસરથી ભરતી પરીક્ષા માટે તૈયારી કરવાનું કહેવામાં આવ્યું તે બાબત પણ ઉગ્ર રોષનું કારણ બની. છેવટે સરકારે જાત  જાતની ખાતરીઓ અને છૂટછાટો આપી અને તોફાનો શમ્યા, પરંતુ એ સ્પષ્ટ જણાય છે કે સારા આશયથી તૈયાર કરવામાં આવેલી આ યોજના જાહેર કરવામાં કાચુ કપાઇ ગયું છે.

આ અગ્નિપથ નામ આપવામાં આવ્યું તે બાબત પણ  યુવાનોમાં શંકા પ્રેરવા માટે નિમિત્ત બની હોવાનું જણાય છે. વિદ્યા સહાયકના રૂડા રૂપાળા નામ હેઠળ હંગામી શિક્ષકોની ફીક્સ પગારે ભરતી કરવાની યોજનામાં શિક્ષિત યુવાનોનું કેવુ શોષણ થયું છે તે બાબત ઘણાની સમક્ષ તાજી થઇ  હશે. રેગ્યુલર કેડરના નિવૃત સૈનિકોને પેન્શન ચુકવવામાં ઘણુ ભંડોળ વપરાય છે અને સરકાર પર બોજ વધતો જાય છે તેવા સંજોગોમાં પેન્શન વગરના સૈનિકોની કોઇ યોજનાની જરૂર હતી એ વાત ચોક્કસ છે. અમેરીકા સહિત  વિશ્વના અનેક દેશોએ રેગ્યુલર સૈનિકોની સાથે રિર્ઝ્વિસ્ટ સૈનિકોની અલાયદી કેડરનો માર્ગ અપનાવ્યો જ છે તે દિશામાં પણ વિચાર કરી શકાયો હોત.

અગ્નિપથ યોજના હેઠળ યુવાનોને માત્ર ચાર વર્ષ પૂરા સમય માટે સૈનિક તરીકે રાખીને પછી નિવૃત કરી દેવામાં આવે અને તેમને કોઇ પેન્શન પણ નહીં આપવામાં આવે તે બાબત થોડી કઠે તેવી છે. આપણે ત્યાં સૈનિકોમાં કૌશલ્ય વિકાસ  થાય તેવી કોઇ પ્રવૃતિઓ લશ્કરી સેવા દરમ્યાન ભાગ્યે જ થાય છે. કેટલાક દેશોમાં સૈનિકોને ઉત્પાદક કાર્યોમાં પણ શામેલ કરવામાં આવે છે તેવું આપણે ત્યાં નથી. અગ્નિવીરો નિવૃત્ત થશે ત્યારે તેમની વય માત્ર ૨૧ વર્ષની હશે. તેમને  માટે સીઆરપીએફ, સીઆઇએસએફ જેવા અર્ધલશ્કરી દળોમાં, કોસ્ટ ગાર્ડ વગેરેમાં દસ ટકા અનામત રાખવામાં આવશે એવી જાહેરાત કરવામાં આવી છે પરંતુ નિવૃત થનારા અગ્નિવીરોની સામે આ દળોમાં ભરતી માટેની જગ્યાઓ ઓછી  પડશે. નિવૃત્ત અગ્નિવીરો જો યોગ્ય કૌશલ્ય ધરાવતા હશે તો તેમને નોકરીઓ આપવાની ઉદ્યોગ જગતે તૈયારી બતાવી છે. ભારતીય ઉદ્યોગ જગતે ભારત સરકારની નવી લશ્કરી ભરતી યોજના અગ્નિપથને દેખીતો ટેકો આપતા કહ્યું છે  કે આ યોજના ઉદ્યોગો માટે એક શિસ્તબદ્ધ અને તાલીમબદ્ધ કર્મચારી બળ પુરુ પાડવાની વિશાળ તકો ધરાવે છે.

મહિન્દ્ર ગ્રુપના વડા આનંદ મહિન્દ્રા અને ટાટા જૂથના અધ્યક્ષ એન. ચંદ્રશેખરન એ બે મહાનુભાવો ઉદ્યોગ જગતમાંથી  અગ્નિપથને ટેકો આપવામાં સૌથી મોખરે જણાયા છે. ઉદ્યોગ જગતના અન્ય અગ્રણીઓ જેવા કે ગોએન્કા જૂથના હર્ષ ગોએન્કા, બાયોકોન લિમિટેડના અધ્યક્ષ કિરણ મઝુમદાર-શો અને એપોલો હોસ્પિટલ્સ ગ્રુપના જોઇન્ટ મેનેજીંગ  ડિરેકટર સંગીતા રેડ્ડી પણ આ યોજનાના ટેકામાં આગળ આવ્યા હતા. જો કે ઉદ્યોગોમાં નિવૃત્ત અગ્નિવીરોને વિવિધ નોકરીઓ આપવાનું ત્યારે જ શક્ય બનશે જ્યારે તેમને યોગ્ય કૌશલ્ય તાલીમ મળી હશે, પરંતુ અગ્નિવીરોને કૌશલ્ય  તાલીમ માટેની કોઇ વ્યવસ્થિત યોજનાઓ હજી જાહેર થઇ નથી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે કર્ણાટકમાં એક સમારંભમાં બોલતા કહ્યું  કે નિર્ણયો અને સુધારાઓ હંગામી રીતે અણગમતા લાગી શકે છે પણ સમય જતા દેશ તેમના લાભોનો અનુભવ કરશે. મોદીની ટિપ્પણીઓ અગ્નિપથ સામેના  વ્યાપક વિરોધ પ્રદર્શનોના સંદર્ભમાં નોંધપાત્ર છે. જો કે મોદીએ અગ્નિપથ વિરુદ્ધના આંદોલનોનો કોઇ સીધો સંદર્ભ આપ્યો ન હતો. મોદીએ હિંસક વિરોધ પ્રદર્શનો અંગે મૌન જાળવી રાખ્યું છે. રવિવારે પણ, એક કાર્યક્રમમાં બોલતા મોદીએ  જણાવ્યું હતું કે એ આપણા દેશની કમનસીબી છે કે સારા ઇરાદાઓ સાથે લાવવામાં આવેલી ઘણી સારી બાબતો રાજકીય રંગોમાં ફસાઇ જાય છે.

બેંગલુરુમાં પોતાના સંબોધનમાં મોદીએ કહ્યું હતું કે સુધારાઓનો માર્ગ જ આપણને નવા  લક્ષ્યો અને નવા નિર્ધારો તરફ લઇ જશે. વડાપ્રધાનની વાત સાચી છે, સુધારાઓ જરૂરી છે જ. લશ્કરમાં પણ સુધારાઓ જરૂરી હતા અને હજી પણ છે. અગ્નિપથ યોજના પેન્શનનો નાણાકીય બોજ ઓછો કરવા અને લશ્કરમાં  નવયુવાન લોહીનું પ્રમાણ વધારવા માટે લાવવામાં આવી છે, પરંતુ નિવૃત્ત અગ્નિવીરોને યોગ્ય કૌશલ્ય તાલીમ અને નોકરીઓની યોગ્ય વ્યવસ્થા થાય તે ખૂબ જરૂરી છે, નહીંતર અગ્નિવીરોનો પ્રથમ બેચ નિવૃત થશે પછી નવી અંધાધૂંધી શરૂ  થઇ શકે છે.

Most Popular

To Top