Columns

‘અગ્નિપથ’ વિવાદની જ્વાળામાં કોણ દાઝશે… સરકાર કે ભાવિ સૈનિકો?

બડો બિહામણો શબ્દ છે આ.… યુદ્ધની વાત નીકળે એટલે લશ્કરનો ઉલ્લેખ કરવો પડે અને આર્મી-લશ્કર સાથે સહેજે છે કે સૈન્યના જવાનોને ય યાદ કરવા પડે કારણ કે આવા સૈનિકોનો સંયમબદ્ધ સમૂહ જ લશ્કરનું ગઠન કરી શકે. કોઈ પણ દેશના સીમાડાના રક્ષણ માટે – આઝાદીને અકબંધ રાખવા માટે આવાં સૈન્ય અનિવાર્ય છે. સદભાગ્યે, માભોમની રક્ષા માટે આપણી પાસે ખુદનું સાબૂત- મજબૂત સૈન્ય છે. એની ત્રણેય પાંખ એટલે કે ધરતી-આકાશ અને સમુદ્રના રક્ષણ માટે છેલ્લા અહેવાલ મુજબ આપણી પાસે 14 લાખ 50 હજાર સૈનિકો ધરાવતું આધુનિક લશ્કર છે, જેની ગણના વિશ્વના બીજા નંબરે આવતા સૈન્ય તરીકે થાય.

બીજી તરફ, સરકારના કોઈ ફરજિયાત નિયમને લીધે નહીં પણ સ્વેચ્છાએ લશ્કરમાં જોડાયેલા યુવાનોનું આ સૈન્ય છે, જે સંખ્યા બળને હિસાબે વિશ્વનું સૌથી મોટું લશ્કર છે!  આમ તો આપણા સૈન્યમાં જેમ જેમ જવાનો નિવૃત્ત થતા જાય તેમ એમની જ્ગ્યાએ તબક્કા વાર નવા જવાનોની ભરતી થાય પરંતુ કોરોના મહામારીને લીધે આવી ભરતી 2 વર્ષ સુધી શક્ય ન બની એટલે સરકારે ત્વરિત તાલીમ પછી ભરતી માટે ‘અગ્નિપથ’ના નામે એક યોજના અમલમાં મૂકવાની તાજેતરમાં જાહેરાત કરી.

એમાં દેશભરમાં એની સામે નહોતો ધાર્યો એવો પ્રચંડ વિરોધ ભભૂકી ઊઠયો. 13થી વધુ રાજ્યમાં હિંસક તોફાનો થયાં. આ સૂચિત ‘અગ્નિપથ’ યોજનાનો પ્રતિકાર વિશેષ કરીને ઉત્તર ભારતના યુવાનોમાં વધુ થયો છે. એમાંય લશ્કરી ભરતીમાં બિહારના યુવાનોની ખાસ રુચિ પહેલેથી રહી છે. એમનું કહેવું છે કે અમે સૈન્યમાં ભરતી થવાની પરીક્ષામાં 4-5 વર્ષથી પ્રયત્ન કરતા હતા. અનેકે તો શારીરિક ઉપરાંત તબીબી પરીક્ષા સુદ્ધાં પાસ કરી લીધી એનું હવે શું? અને ધારી લો કે ‘અગ્નિવીર’ના શોર્ટકટ દ્વારા લશ્કર પ્રવેશની તક પણ મળી જાય તો પણ 4 વર્ષની એ જોબ પછી ફરજિયાત નિવૃત્તિ લેવી પડે એનું શું? એ પછી શું અમારે નિયમિત લશ્કરી ભરતી માટે ફરી પ્રયત્નો કરવાના?

બીજી તરફ કોરોના પહેલાં સામાન્ય રીતે લશ્કરમાં દર વર્ષે સરેરાશ 55થી 60 હજાર યુવાનોની ભરતી થતી હતી. ‘અગ્નિપથ’ યોજનાની જાહેરાત પછી સૈન્યમાં હવે દર વર્ષે 45 હજારની ભરતી થશે એવી જાહેરાત થતા લશ્કરની નિયમિત ભરતીમાં પણ ઘટાડો થવાનો છે એવી આશંકા શરૂ થઈ છે. આ બધાને લીધે સૈન્યમાં જોબ લેવા ઈચ્છુક યુવાનોએ આ નવી ‘અગ્નિપથ’યોજના સામે દર્શાવેલી શંકાઓ- વિરોધ સમજી શકાય છે. યુવાનોના પ્રચંડ વિરોધ પછી સરકારે ‘અગ્નિપથ’ના ઉમેદવારોની ઉચ્ચ્તમ વયમર્યાદા 21થી 23 વર્ષની કરી છે. બીજા સુધારા-વધારા પણ થશે. આમ છતાં, યુવાનોની ઘણી શંકા-કુશંકાના સંતોષકારક ખુલાસા સરકારે હજુ સુધી કર્યા નથી.

હવે આપણી સરકાર આ ‘અગ્નિપથ’ની યોજના લઈને અચાનક જ કેમ પ્રગટી …એનાં કારણ શું? શું આપણે પણ પેલા વિદેશી દેશોની જેમ ‘અગ્નિપથ’યોજનાના સ્વાંગ હેઠળ આપણા પોતાના- સ્વદેશી ‘મર્સીનરી’(Mercenary) અર્થાત ભાડૂતી-વ્યાવસાયિક સૈનિકોનાં જૂથ તો તૈયાર નથી કરી રહ્યા ને ?! વેલ, આ જાણવા આપણે થોડા ફલૅશબૅકમાં જવું પડશે- ભૂતકાળમાં ડોકિયું કરવું પડે….  પોતાના સીમાડાની પેલે પાર જેને ભાગ્યે જ કોઈ વાતે પાડોશી દેશ સાથે વાદ-વિવાદ કે વિખવાદ ન હોય એ દેશ હંમેશાં કદમાં નાનું જ લશ્કર રાખે જયારે મોટાં રાષ્ટ્રો લાંબાં-પહોળાં લાવ-લશ્કરને પોષે તથા યુદ્ધ મેદાન માટે એને પલટાતા સમય મુજબ વધુ ને વધુ આધુનિક બનાવતું રહે. જરૂર પડે તો બીજા દેશોને સીમાડે યુદ્ધ જેવી અશાંતિ સર્જાય તો મિત્ર રાષ્ટ્રને પોતાનું સૈન્ય ઉછીનું પણ આપે. આવાં ‘ઉછીના ભલા કામ’ માટે અમેરિકા-રશિયા જેવા દેશ હંમેશાં તત્પર રહે છે.

કોઈ પણ દેશમાં આંતરવિગ્રહ થાય કે પછી બળવો થવાની પૂરી શક્યતા હોય ત્યારે ‘મિત્ર’ દેશને ત્યાં શાંતિ અકબંધ રાખવા અમેરિકા-રશિયા હંમેશાં પહોંચી જાય છે. પારકો કજિયો વહોરી લેવાની અમેરિકાની જૂની આદત છે. પછી એ ક્યુબા હોય-વિયેતનામ હોય-લેબનોન હોય કે ઈરાક-કુવૈત – ગલ્ફ દેશો (‘ઑપરેશન ડેઝર્ટ સ્ટ્રોમ’) કે પછી અફઘાનિસ્તાન. …એ બધા હજુ આપણી સ્મૃતિમાંથી ભૂંસાયા નથી. પોતાના મકસદ પૂરા થતાં જ્યારે જ્યારે અમેરિકા કે રશિયા પારકી ઘરતી પરથી સત્તાવાર રીતે વિદાય લે પછી યુદ્ધ કે આંતરવિગ્રહમાં સપડાયેલા એ દેશમાં એક નવા જ પ્રકારના લશ્કરી જવાન કે યોદ્ધાઓની ટુકડીઓ પ્રવેશે છે, જેને કોઈ જ દેશની સરકાર કે સૈન્ય સાથે સ્નાનસૂતક્નોય સંબંધ નથી હોતો.

એ હોય છે ‘મર્સીનરી’ અર્થાત ભાડૂતી કે વ્યાવસાયિક સૈનિક. …કોઈ નિવૃત્ત સીનિયર લશ્કરી અધિકારી કે પછી લશ્કર છોડી ગયો હોય એવા તાલીમબદ્ધ જવાન. આવા લશ્કરી જવાનો માત્ર આર્થિક લાભ માટે જ પોતાની સેવા કોઈ પણ દેશ માટે આપે છે. માત્ર ‘માથા સાટે માલ’ની નીતિ-રીતિમાં માનતા આવા મર્સીનરી- ભાડૂતી જવાનનું જગત જ સાવ અલાયદું છે. જંગના દાવપેચમાં જબરા કાબેલ એવા આ જવાનો પોતાની નિશ્ચિત ફી લઈને તમે વરદી આપો એ કોઈ પણ દેશના કોઈ પણ સ્થળે પોતાનું યુદ્ધ કૌશ્લ્ય દેખાડવા પહોંચી જાય ને ‘પૈસાવસૂલ’ કામગીરી બજાવે પણ ખરા. આવા તાલીમબદ્ધ સૈનિકોના પોતાનાં આગવા જૂથ-ગ્રુપ હોય છે. તમે ભેદી ‘ડાર્ક વેબ’ પર સંપર્ક કરીને આવા ભાડૂતી સૈનિકોની ટીમને તમારા ‘ધંધે’ લગાડી શકો..!

આમ તો બીજા વિશ્વયુદ્ધ પછી આવા ધંધાદારી-વ્યાવસાયિક સૈનિકોની સેવા લેવાનું વધ્યું હતું પણ ઈતિહાસનાં પાને આ પ્રકારના સૈનિકોની કામગીરીની નોંધ પણ મળી આવે છે. છેક 14મી સદીમાં બાઈજન્ટાઈન સામ્રાજય (પાછળથી જે રોમન સામ્રાજ્ય તરીકે જાણીતું થયું )ના શાસકે તુર્કોને પરાજિત કરવા ‘આલ્મોગવરિસ’ તરીકે ઓળખાતા સ્પેનના ભાડૂતી સૈનિકોનો ઉપયોગ કર્યો હતો. એ પછી , સ્વિસ-ઈટાલિયન-જર્મન સૈનિકો પણ નાના-મોટા રાજા – ઉમરાવો માટે પૈસા લઈને કામગીરી બજાવતા પરંતુ એમાંના મોટા ભાગના લોભી-દુષ્ટ- પાશવી-બળાત્કારી અને ગુનાખોર વૃત્તિ ધરાવતા હતા. આપણા ‘બગડેલા’ બહારવટિયા જેવા… વધુ રકમ માટે ગમે ત્યારે દુશ્મનના પક્ષે ચાલ્યા જવા માટે બદનામ પણ ખરા.

કાળક્ર્મે આ બધા વચ્ચે સ્વિત્ઝર્લેન્ડ-સ્વિસ અને જર્મન ‘મર્સીનરી’ એમની શિસ્ત તથા ચુસ્ત કામગીરી માટે ‘સોલ્જર ઑફ ફોર્ચ્યુન’ તરીકે વધુ જાણીતા થયા. આવા સોલ્જરની કાર્યક્ષમતા-કામગીરી અને કયા પ્રકારના કાર્યની કેટલી ફી-મહેનતાણું લાગશે એવી બધી સત્તાવાર માહિતી આપતાં મેગેઝિન્સ અને એની ડિજિટલ આવૃત્તિઓ પણ નિયમિત પ્રગટ થાય છે. એક માહિતી મુજબ , સામાન્ય રીતે એક ‘મર્સીનરી’ને વર્ષે 1 લાખથી લઈને 3 લાખ 50 હજાર ડોલર (અન્ય ખર્ચ બાદ કર્યા પછી) મહેનતાણું મળે છે. ટૂંકા ગાળાની કામગીરી બજાવવાની હોય તો રોજના 1000થી 2500 ડોલરનો પણ એ ચાર્જ લે…. હવે આપણી વિવાદાસ્પદ ‘અગ્નિપથ’ યોજના પર પરત આવીએ.…

એક તરફ, આપણા સૈન્યના ભૂતપૂર્વ વડા જનરલ વી.પી. મલિક આ યોજનાની તરફેણ કરતા કહે છે કે યુવા જવાનોને લશ્કરમાં સામેલ કરવાની આ એક અચ્છી સ્કિમ છે. યુવાનોના હિતમાં છે તો બીજી તરફ વિદેશી ‘મર્સીનરી’ સાથે આપણા ભાવિ યુવા ‘અગ્નિવીર’ની સરખામણી કરતા સૈન્યના એક નિવૃત્ત ઉચ્ચ હોદેદાર (નામ પ્રગટ ન કરવાની શરતે) કહે છે કે આવા કામચલાઉ ‘આત્મનિર્ભર’ સૈનિકો પાસેથી સૈન્ય ધાર્યું કામ નહીં લઈ શકે. આવા ‘મહેમાન’ સૈનિકના બળે યુદ્ધ ન જીતી શકાય.

જંગ જવાનોની સંખ્યા કે શસ્ત્રોથી નહીં પણ જોશ-જુસ્સાથી જીતી શકાય. દેશ માટે અનન્ય સમર્પણ ભાવના પણ હોય તો વિજયી થવાય.… અન્ય સંરક્ષણ નિષ્ણાતો પણ કહે છે કે 7- 8 વર્ષની વિધિસર આકરી સઘન તાલીમ પછી સૈન્ય માટે ‘મર્સીનરી’ની બરોબરી કરી શકે એવો અચ્છો જવાન તૈયાર થાય પણ અહીં ‘અગ્નિવીર’ સૈનિકને માંડ 6-8 મહિનાની જ તાલીમ મળશે.… આમ ઉતાવળે રજૂ કરવામાં આવેલી આ અધકચરી યોજનાના વિવાદથી દઝાડતી જ્વાળા સરકાર માટે ખરા અર્થમાં આ અગ્નિપથ જ સાબિત થશે….

Most Popular

To Top