અગ્નિ પવિત્ર છે કારણ કે તે સદાય પ્રજ્વલિત રહે છે. પાંચ તત્ત્વોમાં એ મુખ્ય છે. અગ્નિ પ્રકાશમય છે કારણ કે તે અંધકારનો શત્રુ છે. અગ્નિ નથી તો જીવન નથી. જીવન નથી તો અગ્નિ નથી. અગ્નિ આપણો પ્રાણ છે. અગ્નિ વગર એક પળ પણ આપણે જીવી શકીએ ખરા? જીવનની અનંતયાત્રા એના પર અવલંબે છે. કર્મનું ગતિચક્ર એના બળે ચાલે છે. જીવન માટે શુદ્ધિકરણ આવશ્યક છે. આહાર જેમ આવશ્યક છે તેમ અગ્નિ પણ આવશ્યક છે. શરીરનો અગ્નિ મંદ પડતાં શરીર નબળું પડી જાય છે. મૃત્યુ તરફ ગતિ કરી રહેલો માનવી ઠંડો પડતો જાય છે અને કોઈપણ માણસને એ દિશા ગમતી નથી. જે માણસ અગ્નિની શક્તિને ઓળખતો નથી તે જીવનની શક્તિને પણ ઓળખતો નથી. જે વ્યક્તિ વગર સમજ્યે અગ્નિમાં હાથ નાંખે છે તે અવશ્ય દાઝે છે. પણ જે વ્યક્તિ સમજીને તેનો ઉપયોગ કરે છે તે પામે છે. જે અગ્નિ ટ્રેન અને કારખાના ચલાવી શકે છે એ જ અગ્નિ ભસ્મીભૂત પણ કરી શકે છે.
જીવન શુદ્ધિનો ખરો અર્થ આત્મશુદ્ધિનો છે અને આત્મશુદ્ધિ અગ્નિ પરીક્ષા વગર થઈ શકે નહી. આપત્તિ સર્વને માટે સુખદાયી નિવડતી નથી. ધીરજ વિહોણા માણસો સહનશીલતા અને ધ્યેય નિષ્ઠા વગર ક્યારેક અનૂચિત અશુદ્ધિની રાહ પર ચાલ્યા જાય છે. ગરીબી, આપત્તિ કે સંકટકાળ સંતનું સર્જન કરી શકે છે, તો શેતાનનું પણ સર્જન કરી શકે છે. નરસિંહ મહેતા, મીરાબાઈ વગેરે તેમાંથી જીવનનું ઉત્તમ ભાથું મેળવ્યું. તો ચંબલ ઘાટીના ડાકૂઓ આવી વિકટ પરિસ્થિતિની નીપજનું જીવંત ઉદાહરણ છે. હીરો ખાણમાંથી નીકળે છે ત્યારે સામાન્યરૂપે હોય છે. પણ જ્યારે તેના પર પાસા પડે છે તેને ચમક આપવાની પ્રક્રિયા થાય છે ત્યારે તેનું આકર્ષણ વધી જાય છે. જ્યારે પરિસ્થિતિ કે સંજોગોનું નિર્માણ થાય છે ત્યારે તેનું આકર્ષણ વધી જાય છે.
જ્યારે પરિસ્થિતિ કે સંજોગોનું નિર્માણ થાય છે ત્યારે માનવીની વિશિષ્ટતાઓની અને મર્યાદાઓની ગુણો કે અવગુણોની પ્રત્યક્ષતા થાય છે. સમાજ હંમેશા કસોટી કરતો આવ્યો છે, પરીક્ષા કરતો આવ્યો છે. એ અગ્નિપરીક્ષામાંથી ઘણા ધર્મસ્થાપકો, ચિંતકો, સુફીસંતો પસાર થયા છે. ઈસુ ખ્રિસ્તને ખીલા ઠોકી વધસ્તંભ પર ચઢાવ્યા. સોક્રેટીસને હળાહળ ઝેર આપવામાં આવ્યું. અબ્રાહમ લિંકન, ગાંધીજી આદિને ગોળીથી વિંધવામાં આવ્યા. આવા કેટલાયે અત્યાચારો, જુલ્મોથી સત્ય, સદાચાર, નીતિમત્તાના ગળા રહેંસવાના પ્રયત્નો થયા છે. આમ છતાં શાશ્વત મૂલ્યોને, સનાતન સત્યોને, દિવ્યતાને આ ધરતી ઉપરથી વિદાય મળી નથી. જેમ જેમ અત્યાચારો થતા જાય છે તેમ તેમ સત્ય વધારે પ્રજ્વલિતરૂપે પ્રગટતું હોય છે.
ભલે જીવનમાં અગ્નિપરીક્ષા ગમે તેટલી આવે સત્ય અને સદાચારનો હંમેશા વિજય થયો છે. જેમ અગ્નિ કોઇથી જિરવાતો નથી તેમ સત્ય કોઇથી સહેવાતું નથી. અગ્નિ ને સત્ય સાથે જે સગાઇ છે તેવી બીજા કોઇ સાથે નથી અને તેથી જ અગ્નિપરીક્ષા શબ્દનો જન્મ નિરર્થક નથી થયો. સાચો અગ્નિ તો તે છે જે જાતે પ્રજ્વલ્લિત થઇને બીજાને હૂંફ આપે. સાચો અગ્નિ તે છે જે સુવર્ણને સુવર્ણરૂપે બહાર કાઢે. સાચા અગ્નિનું કામ રાખના ઢગલા કરવાનું નથી. સોનાને શુદ્ધ સ્વરૂપે બહાર કાઢવાનું છે. સત્યને સત્યરૂપે ઓળખવા માટે અગ્નિપરીક્ષા સિવાય બીજી કોઇ પરીક્ષા નથી. અગ્નિના અનેક પ્રકાર છે પણ અગ્નિના બધા જ સ્વરૂપો બાહ્ય દૃષ્ટિએ ભયાનક છે. ભૂખ્યાજનોનો જઠરાગ્નિ જેમ જાગી શકે છે તેમ વૈચારિક વડવાનળ ભભૂકી શકે છે. દરિયાનો દવ સારો પણ દિલનો દવ ખોટો અને જંગલના દાવાનળથી પણ ભયાનક છે ક્રાંતિનો દાવાનળ. બધે જ અગ્નિ છે.
જલતી ચિનગારીની કિંમત આપણે ઓછી આંકવી ન જઇએ. આખરે તો તે અગ્નિની નિશાની છે, અગ્નિનો જ એક ભાગ છે. જે વ્યકિત કે સમુદાયમાં અગ્નિ નથી તે અસ્તિત્વ સાથે પણ શબવત્ છે. જે પ્રજા અગ્નિને આહૂતિ આપી શકે તે પ્રજા અગ્નિનો ઉપયોગ પણ કરી શકે. કામ પણ અગ્નિ છે એ અગ્નિને જે નાથી શકે, તે જીવનને નાથી શકે. અને તે જીવનશુદ્ધિની સાથે આત્મશુદ્ધિ પણ કરી શકે. હકીકતમાં તો અગ્નિ વિવિધ સ્વરૂપમાં રહેલું બળ છે, શક્તિ છે અને બળને નાથવાનું કોને નથી ગમતું ? સૌ કોઇની એ ઝંખના હોય છે. જે દિવસે આપણે અગ્નિનું મૂલ્ય સમજીશું. તે દિવસે સત્યનું મૂળ સ્વરૂપ સમજવાનું પણ આપણાથી દૂર નહીં હોય. જે દિવસ આપણે અગ્નિને ઓળખીશું તે દિવસથી અજ્ઞાન અને અંધકારનું આવરણ આપણી આસપાસ નહીં હોય.
જે દિવસે આપણે અગ્નિને જીવન સ્વરૂપે જોઇશું તે દિવસે આપણો આયુષ્યપથ આત્મશુદ્ધિથી સભર પ્રકાશમય થશે. ગતિમય હશે અને પ્રાણમય હશે અને તે દિવસ ચૈતન્ય જીવનસૃષ્ટ માટે ઉમંગ, ઉલ્લાસ અને આશાનો હશે. જ્યારે કોઇ પરિપૂર્ણ પ્રતિમાનું સર્જન કરવાનું હોય છે ત્યારે તેમાં નાનો સરખો દોષ પણ ચલાવી લેવામાં આવતો નથી. માનવનું દેવત્ત્વમાં રૂપાંતર એ પણ આવી જ ઘટના છે. સોળે કળાએ સંપૂર્ણ સર્વગુણ સંપન્ન, સંપૂર્ણ નિર્વિકારી મર્યાદા પુરૂષોત્તમના લક્ષને ચરિતાર્થ કરવા માટે વિષયવિકારોના સૂક્ષ્મતિ સૂક્ષ્મ પ્રભાવથી મુક્ત થવાનું છે. જયારે સત્ય કસોટીની એરણ ઉપર ચઢે છે ત્યારે તેની શુદ્ધિની ગુણવત્તાની કસોટી થાય છે. ત્યારે વિશેષતા, સંપૂર્ણતા ગાયન, પૂજન યોગ્ય બને છે. મિત્રો, ચાલો આપણે આપણા જીવનશુદ્ધિ માટે આત્મશુદ્ધિની અગ્નિ પરીક્ષામાંથી સાંગોપાંગ પાર ઉતરવા માટે દૃઢનિશ્ચયી બનીએ. સાથે સાથે આપણા મિત્રમંડળને પણ આપણને મળેલ પ્રેરણાસ્ત્રોત પ્રતિ સહભાગી બનાવીએ એવી શુભભાવના અને શુભકામના સાથે..