નાનપણમાં દૂરદર્શન પર જોયેલું અને સાંભળેલું એક સરસ મજાનું હિન્દી ગીત “હિન્દ દેશ કે નિવાસી સભી જન એક હૈ ,રંગ .રૂપ ,વેશ ,ભાષા ચાહે અનેક હૈ” આજે પણ હૃદયમાં અંકિત થયેલું છે અને રાષ્ટ્રીયતાનું મૂલ્ય સંગોપિત કરવામાં અન્ય અનેક પરિબળોની જેમ નિર્ણાયક બન્યું છે..અનેક લોકોમાં રાષ્ટ્ર પ્રત્યેનો એકાત્મભાવ કેળવવામાં આ ગીતનો કદાચ ફાળો રહ્યો હશે…પરંતુ હાલમાં જ આસામ અને મિઝોરમ રાજ્ય વચ્ચે જે લડાઈ થઇ એ જાણીને આ એકાત્મભાવને જબરદસ્ત ધક્કો લાગ્યો.આપણા જ દેશના બે રાજ્યો વચ્ચે જમીન માટે લડાઈ થાય એ વાત ખૂબ જ ચિંતાજનક છે.
ભૂતકાળમાં પણ વિવિધ રાજ્યો વચ્ચે વિવિધ મુદ્દાઓ પર સંઘર્ષો થયા હોવાનું ઇતિહાસમાં નોંધાયેલું છે.આવી બાબતો બને છે ત્યારે એક જ વિચાર પજવે છે કે આપણે કોની સામે લડવાનું છે અને આપણે કોની સામે લડીએ છીએ?રાષ્ટ્રીયતાના મૂલ્યને સાચા અર્થમાં ચરિતાર્થ કરવા માટે હજી આપણે ઘણા ગાઉ કાપવાના છે એવો સંદેશો આસામ અને મિઝોરમ રાજ્યો વચ્ચેની લડાઈમાંથી પ્રાપ્ત થાય છે. નવસારી -ઇન્તેખાબ અનસારી – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.